ફ્રાન્સમાં રાફેલ વિમાનના કામની દેખરેખ કરી રહેલી IAFની ઓફિસમાં ઘૂસણખોરીની કોશિશ
ફ્રાન્સની રાજધાની પેરિસ સ્થિત ભારતીય વાયુસેનાની ઓફિસ પર ગત રવિવારે કેટલાક અજાણ્યા લોકોએ ઘૂસણખોરીની કોશિશ કરી.
Trending Photos
નવી દિલ્હી: ફ્રાન્સની રાજધાની પેરિસ સ્થિત ભારતીય વાયુસેનાની ઓફિસ પર ગત રવિવારે કેટલાક અજાણ્યા લોકોએ ઘૂસણખોરીની કોશિશ કરી. આ ઓફિસ ભારત માટે 36 રાફેલ ફાઈટર વિમાનોના ઉત્પાદનની નિગરાણી કરી રહી છે. સૈન્ય સૂત્રોના જણાવ્યાં મુજબ આ જાસૂસીનો મામલો હોઈ શકે છે.
કેટલાક અજાણ્યા લોકો પેરિસના પરા વિસ્તારમાં ભારતીય વાયુસેનાની રાફેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટની ટીમની ઓફિસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા. સ્થાનિક પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે શું વિમાન સંબંધિત ગોપનીય ડેટાને ચોરવા હેતુથી આ ઘૂસણખોરીની કોશિશ કરાઈ હતી.
એક સૂત્રએ જણાવ્યું કે પ્રાથમિક આકલન મુજબ કોઈ ડેટા કે હાર્ડવેરની ચોરી થઈ નથી. સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે વાયુસેનાએ આ ઘટના અંગે રક્ષા મંત્રાલયને સૂચના આપી દીધી છે.
રાફેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટની ભારતીય વાયુસેનાની ઓફિસ રાફેલ વિમાન બનાવનારી કંપની દસાલ્ટ એવિએશનના પરિસરમાં આવેલી છે. રક્ષા મંત્રાલય કે ભારતીય વાયુસેના તરફથી આ અંગે કોઈ અધિકૃત પ્રતિક્રિયા આવી નથી.
જુઓ LIVE TV
ભારતીય વાયુસેનાની પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમની અધ્યક્ષતા એક ગ્રુપ કેપ્ટન કરી રહ્યા છે. તેમાં બે પાઈલટ, એક લોજિસ્ટિક અધિકારી અને કેટલાક હથિયાર વિશેષજ્ઞ તથા એન્જનિયર પણ છે. આ ટીમ રાફેલ વિમાનોના નિર્માણ અને તેમાં હથિયાર પેકેજ મુદ્દે દસાલ્ટ એવિએશન સાથે સમન્વય કરી રહી છે.
ભારતે 58,000 કરોડ રૂપિયાના ખર્ચે 36 રાફેલ વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સ સાથે એક કરાર કર્યો હતો. આ કરાર સીધી રીતે બંને દેશોની સરકાર વચ્ચે થયો હતો. ભારતને પહેલું રાફેલ વિમાન આ વર્ષે સપ્ટેમ્બરમાં મળે તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે