Pushya Nakshatra 2022: કેમ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવે છે ખરીદી? જાણો તેનું મહત્ત્વ અને શુભ મુહૂર્ત
ઘરેણાં, ગાડી કે ઘર ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો આ દિવસ છે તમારા માટે સૌથી શ્રેષ્ઠ. કોઈ મુહૂર્ત જોવાની જરૂર નહીં પડે અને જે ખરીદશો એ વસ્તુ તમને ફળશે. જાણો તેની પાછળનું શું છે ખાસ કારણ....
Trending Photos
નવી દિલ્લીઃ 18 ઓક્ટોબર એટલેકે, આવતીકાલે પુષ્ય નક્ષત્ર હોવાથી ખરીદી માટે આ દિવસ ખુબ શુભ મનાય છે. તો તમે અત્યારથી જ તમારી શોપિંગનું લીસ્ટ તૈયાર કરી લેજો. પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદી, ઘરેણાં સહિત કોઈપણ વસ્તુ ખરીદવું શુભ માનવામાં આવે છે. તેના પાછળ ઘણાં કારણો રહેલાં છે. જ્યોતિષ શાસ્ત્ર હોય, ગ્રહોની દશા હોય, નક્ષત્રોની ચાલની વાત હોય દરેક બાબતોનું ધ્યાન રાખીને આ દિવસને મુલવવામાં આવે છે. આ દિવસ વિશે કહેવાય છેકે, વણજોયું મુહૂર્ત હોય છે. આ દિવસે દરેક મુહૂર્ત સારા હોવાથી તમે ઘરેણાં, ગાડી કે ઘર સહિતની કોઈપણ સારી વસ્તુની ખરીદી કરી શકો છો.
આ નક્ષત્ર 18 ઓક્ટોબર આખો દિવસ અને 19 ઓક્ટોબરે સવારે 8:02 વાગ્યા સુધી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રના દિવસે કરેલી સોના-ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રનો દેવતા ગુરુ છે અને કોઈ પણ શુભ કાર્ય ગુરુ વગર શક્ય નથી. આ નક્ષત્રનો સ્વામી શનિ છે અને શનિ એટલે સ્થિરતા માનવામાં આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે આ નક્ષત્રમાં કરવામાં આવેલ શુભ કાર્યો અને ખરીદી લાંબા સમય સુધી સ્થિર રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય 27 નક્ષત્રોના વર્તુળમાં આઠમું નક્ષત્ર છે. તેથી જ તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેનો સ્વામી શનિ છે. દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમાં કરેલ કાર્ય ફળદાયી છે.
પુષ્ય નક્ષત્રના દિવસે શું કરશો?
- આ મંગળવારે પુષ્ય નક્ષત્રના કારણે વર્ધમાન યોગ બની રહ્યો છે. મંગળવારના દિવસે તમે ઘર, સોના-ચાંદી, સોફા-વાહન જેવા સામાન ખરીદી શકો છો.
-આ શુભ યોગમાં રોકાણ કરવાથી ધનમાં વધારો થાય છે.
-આ દિવસે શુભ મુહૂર્તમાં મકાન, વાહન, જમીન, ઝવેરાત અને અન્ય વસ્તુઓની ખરીદી કરવી શ્રેષ્ઠ છે.
-શુભ યોગમાં ખરીદેલી વસ્તુઓ લાંબો સમય ચાલે છે અને શુભ ફળ આપે છે.
-આ શુભ યોગમાં ટુ-વ્હીલર અને 4 વ્હીલર પણ ખરીદી શકાય છે.
-આ સિવાય પુષ્ય નક્ષત્રમાં પૂજા સામગ્રી, ચાંદી કે ઘરેણાં, વાસણો, શુભ સંકેતો વગેરે ખરીદવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
-આ દિવસે હીરા, પોખરાજ, નીલમ, મોતી વગેરે જેવા રત્નો ખરીદવાથી ભવિષ્યમાં ઘણો ફાયદો થાય છે.
-આ વિશેષ યોગમાં ઘર, પ્લોટ અને ફ્લેટ ખરીદવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
-પુષ્ય નક્ષત્રમાં શ્રીસૂક્તનો 108 વાર પાઠ કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે સાથે જ સુખ અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે.
-પુષ્ય નક્ષત્રમાં શિવ પરિવારની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવાથી લગ્નજીવન સુખી બને છે.
-એવું માનવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રમાં કન્યાઓને લાડુનું વિતરણ કરવાથી લગ્નમાં આવતી બાધાઓ પણ દૂર થાય છે.
ખરીદીના શુભ મુહૂર્ત-
-સવારે 08:18 am – 09:15 am
-સવારે 09:15 am – 10:12 am
-બપોરે 12:06 – 01:03 વાગ્યા સુધી
-બપોરે 03:54 pm – 04:52 pm
-સાંજે 06:52 – સાંજે 07:55 સુધી
-રાતે 08:57 -10:00 વાગ્યા સુધી.
પુષ્ય નક્ષત્રનો સમયઃ
પુષ્ય નક્ષત્ર 18 ઓક્ટોબરના રોજ સવારે 04:25 થી 19 ઓક્ટોબરની સવારે 8:02 સુધી રહેશે. આ દિવસે ઘરમાં નવી વસ્તુઓ લાવવી ખૂબ જ શુભ રહેશે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાને કારણે આ દિવસે વર્ધમાન નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે સિદ્ધ અને સાધ્ય નામના અન્ય બે શુભ યોગ પણ આ દિવસે રહેશે.
પુષ્ય નક્ષત્રનું મહત્વઃ
પુષ્ય નક્ષત્રની આ વર્ષની પહેલી વિશેષતા એ છે કે તે મંગળવારે આવે છે. મંગળ એટલે મંગળકારી, આ દિવસે કોઈ પણ કાર્ય શરુ કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. મંગળવારે સોના-ચાંદીની ખરીદીથી સમગ્ર વર્ષ દરમિયાન શુભ ફળ મળશે. બીજી સૌથી મોટી વિશેષતા એ છે કે આ દિવસે શુક્ર ગ્રહ કન્યા રાશિ છોડીને પોતાની રાશિ તુલામાં ગોચર કરવા જઈ રહ્યા છે. શુક્ર વૈભવનો કારક ગણવામાં આવે છે. તેથી આ જ દિવસે પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે