દીપડો, રીંછ અને ઝરખ જેવા ખૂંખાર જાનવર પણ આ ડૉક્ટરને લાગે છે ગળે! જાણો પશુઓના અનાથાલયની રોચક કહાની

Animal Arch Gadhchiroli: મેડિકલનો અભ્યાસ પૂરો કર્યા પછી ડૉક્ટર પ્રકાશ આમટે અને તેમના પત્ની ડૉ.મંદાકિની આમટે એશો-આરામની જિંદગી પસાર કરી શકે તેમ હતા, પરંતુ તે કોઈ મોટા શહેરમાં ડૉક્ટરનો ધંધો કરવાની જગ્યાએ ગામડામાં પાછા ફર્યા.

દીપડો, રીંછ અને ઝરખ જેવા ખૂંખાર જાનવર પણ આ ડૉક્ટરને લાગે છે ગળે! જાણો પશુઓના અનાથાલયની રોચક કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કર્યા પછી લોકો મોટી હોસ્પિટલમાં નોકરી કરે છે. પોતાનું ક્લિનિક ખોલે છે અથવા તો નર્સિંગ હોમ ચલાવે છે. સેવાની સાથે પૈસા પણ કમાય છે. પરંતુ આજે અમે તમને જે ડૉક્ટર દંપતિ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તેમણે આ તમામથી તદ્દન વિપરીત કામ કર્યું. ડૉક્ટરનો અભ્યાસ પૂરો કર્યા પછી એક નાના ગામમાં પાછા આવ્યા અને માનવતાની સેવા કરવા લાગ્યા. આ નાના ગામનું નામ છે હેમલક્સા. જે પડે છે મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત જિલ્લા ગઢચિરૌલીમાં.

કોણ ચલાવે છે પશુઓનું અનાથાલય:
આ કહાની પણ અમે તમને બતાવીશું, પરંતુ તે પહેલાં અમે તેમને થોડા રોમાંચિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. સારું, જરા વિચારો કે તમારી સામે અચાનક કોઈ ચિત્તો આવી જાય, કોઈ રીંછ, ઝરખ કે બીજું કોઈ ખૂંખાર પ્રાણી આવી જાય તો તમારી શું સ્થિતિ થશે? તમારા તો હાંજા ગગડી જાય ને. પરંતુ આ તમામ નામ તમે વાંચ્યા તેમની સાથે રાત દિવસ પસાર કરે છે એક દંપતિ. આ દંપતિનું નામ છે ડૉ. પ્રકાશ આમટે અને ડૉ.મંદાકિની આમટે. તેઓ ચિત્તો હોય કે ઝરખ વગેરને ગળે લગાડે છે. તેમના ભયાનક દાંત અને જબડાં પર આમટે પરિવાર પ્રેમથી હાથ ફેરવે છે. જોકે આ પશુઓ ક્યારેય તેમના પર હુમલો કરતાં નથી. ડૉ.આમટે મહારાષ્ટ્રના મહાન સમાજસેવી બાબા આમટેના પુત્ર છે.

કેવી રીતે આવ્યો પશુ-પક્ષીઓનું અનાથાલય બનાવવાનો વિચાર:
અમે તમને જણાવ્યું કે ડૉ.પ્રકાશ મહાન સમાજસેવકના પુત્ર છે. તો બાળપણથી જ તેમના લોહીમાં સમાજસેવાની ભાવના રહી છે. હિસ્ટ્રી ચેનલના એક રિપોર્ટ પ્રમાણે હેમલક્સાની એક ઘટનાએ તેમને પશુઓનું અનાથાલય ખોલવા માટે પ્રેરિત કર્યા. એક વખત તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જોયું કે કેટલાંક લોકો વાંદરાઓને ખરાબ રીતે બાંધીને લઈ જઈ રહ્યા હતા. પશુઓ સાથે
આવું વર્તન વર્ષોથી થતું હતું, પશુઓનો શિકાર કરવામાં આવી રહ્યો હતો. ડૉ.પ્રકાશ આમટેએ લોકોને કહ્યું કે જો તે પશુઓનો શિકાર કરવા, મારવાની જગ્યાએ જો તેમને સોંપી દેશે તો આખી ઉંમર ગામમાં રહીને તે લોકોની સેવા કરશે.

આવી રીતે બની ગયા અનાથ પશુઓના માતા-પિતા:
ગામના લોકોએ આમટે દંપતિની વાત માની લીધી. પહેલાંથી મારવામાં આવેલા પશુઓના બાળકોને દત્તક લઈ લીધા અને આ પ્રમાણે ડૉ.પ્રકાશ અને ડૉ.મંદાકિની અનાથ પશુઓના માતા-પિતા બની ગયા. જંગલી પશુઓના બાળકો માટે પોતાના ઘરમાં તેમણે અનાથાલય બનાવ્યું. આ અનાથાલયમાં આજે રીંછ, ચિત્તા, હરણ, મગરમચ્છ સહિત 90થી વધારે પશુઓ છે. તેમાં મોર પણ છે અને ઝેરીલા સાપ પણ. ડૉ. આમટેની ફેમિલીની સાથે બધા પશુઓ પણ પરિવારની જેમ જ રહે છે. તમામ ખૂંખાર પશુઓ આમટે દંપતિને જ પોતાના પાલનહાર, પોતાનું બધું માને છે. અને પરિસરમાં આરામથી  ફરતા જોઈ શકાય છે.

આદિવાસીઓને આપે છે નિ:શુલ્ક શિક્ષણ અને ચિકિત્સા:
આમટે દંપતિ જ્યાં રહે છે તે વિસ્તાર ચંદ્રપુરથી 150 કિલોમીટર દૂર નક્સલવાદથી પ્રભાવિત વિસ્તાર છે. જ્યાં ગાઢ જંગલની વચ્ચે રહીને તે આદિવાસીઓને શિક્ષણ અને ચિકિત્સા આપે છે. પિતા બાબા આમટેએ અહીંયા લોક બિરાદરી પ્રકલ્પની સ્થાપના કરી હતી અને સ્થાનિક આદિવાસીઓના વિકાસ, ચિકિત્સા માટે કામ કરતા હતા. તેમના નિધન પછી ડૉ.પ્રકાશ, તેમના પત્ની મંદાકિની અને બંને પુત્ર અનિકેત-દિગંત અહીંયાની જવાબદારી સંભાળે છે. અહીંયા આદિવાસીઓને નિ:શુલ્ક શિક્ષણ અને મેડિકલ સારવાર આપવામાં આવે છે. અહીંયા ભણેલા અનેક વિદ્યાર્થી સરકારી અધિકારી અને પોલીસ કર્મચારી છે. અનેક વિદ્યાર્થી આ વિસ્તારના ઉત્થાન માટે કામ કરે છે.

મેગ્સેસ અવોર્ડ મળ્યો, બની ચૂકી છે ફિલ્મ:
મેડિકલનો અભ્યાસ પૂરો કર્યા પછી ડૉક્ટર પ્રકાશ આમટે અને તેમની પત્ની ડૉ.મંદાકિની આમટે એશો-આરામની જિંદગી પસાર કરી શકતા હતા. પરંતુ તે કોઈ મોટા શહેરમાં જવાની જગ્યાએ ગામમાં પાછા ફર્યા. ત્યારથી આદિવાસીઓના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે. આદિવાસીઓના ઉત્થાન માટે તેમને મેગ્સેસે અવોર્ડ (Ramon Magsaysay) પણ મળી ચૂક્યો છે. આ સિવાય મધર ટેરેસા અવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત થઈ ચૂકયા છે. વર્ષ 2014માં ડૉ.પ્રકાશ આમટે પર મરાઠી ભાષામાં ફિલ્મ બની હતી. જેનું નામ ડૉ.પ્રકાશ આમટે: THE REAL HERO હતું. આ ફિલ્મમાં ડૉ.પ્રકાશ આમટેનો રોલ જાણીતા અભિનેતા નાના પાટેકરે ભજવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news