'કોરોના એક્સપ્રેસ' મમતા બેનરજીને બંગાળમાંથી બહાર કરી નાખશે: અમિત શાહ
પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે ભાજપ બંગાળને સોનાર બાંગ્લા બનાવવા માંગે છે. ભાજપ સંસ્કારી બંગાળ બનાવવા માંગે છે. બંગાળની જનતાને પીએમ મોદીનું સમર્થન છે. 6 વર્ષમાં ગરીબોના બેન્કમાં ખાતા ખોલ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે બંગાળમાં પહેલી વર્ચ્યુઅલ રેલીની શરૂઆતમાં બંગાળ (West Bengal) ની પવિત્ર ભૂમિને પ્રણામ કરતા કહ્યું કે કોરોનાથી જીવ ગુમાવનારાઓના આત્માને શાંતિ મળે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં જનસંવાદનો રસ્તો શોધ્યો છે. બંગાળમાં ભાજપ કાર્યકરોનું બલિદાન ભાજપના નિર્માણમાં મહત્વનું છે. રાજકારણમાં હિંસાને કોઈ સ્થાન નથી. આ રેલી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દિલ્હીથી જ કરવામાં આવી રહી છે. રાજકીય રીતે જોવા જઈએ તો પશ્ચિમ બંગાળ ભાજપ માટે ખુબ મહત્વનું છે. પાર્ટી એ લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે નજર આગામી વિધાનસભા ચૂંટણી પર છે. અમિત શાહે કહ્યું કે બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં 42 બેઠકોમાંથી 18 બેઠકો ભાજપે જીતી હતી. તે તેમના માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે. પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે ભાજપ બંગાળને સોનાર બાંગ્લા બનાવવા માંગે છે. ભાજપ સંસ્કારી બંગાળ બનાવવા માંગે છે. બંગાળની જનતાને પીએમ મોદીનું સમર્થન છે. 6 વર્ષમાં ગરીબોના બેન્કમાં ખાતા ખોલ્યા છે.
તેમણે કહ્યું કે મમતા બેનરજીએ શ્રમિકોનું અપમાન કર્યું છે. શ્રમિક ટ્રેનને તમે કોરોના એક્સપ્રેસ કહી છે પરંતુ તે જ તમને રાજ્યમાંથી બહાર કરશે. તમે મજૂરોના ઘાવ પર મીઠું ભભરાવી રહ્યાં છો અને તેઓ આ અપમાન ક્યારેય ભૂલશે નહીં. શાહે કહ્યું કે જે બંગાળમાં રવિન્દ્ર સંગીતની ધુન સંભળાતી હતી તે બંગાળ આજે બોમ્બ ધડાકાથી હચમચી રહ્યું છે. ગોળીઓનો અવાજ, હત્યાઓ, અને લોકોની ચિત્કારથી સન્નાટો છવાયો છે. કોમી તોફાનોથી તેના આત્માને ખુબ મોટુ નુકસાન થયું છે.
મમતા બેનરજી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મમતા સરકાર આયુષ્યમાન ભારત યોજનાને બંગાળમાં લાગુ થવા દેતા નથી. ગરીબોને મફત સારવારનો લાભ મળતો નથી. કેજરીવાલે આયુષ્યમાન ભારત યોજનાનો સ્વીકાર કર્યો પરંતુ મમતા બેનરજીએ નહીં. આયુષ્યમાન યોજનાથી દેશના ગરીબોની મફત સારવાર થઈ રહી છે. અમારી સરકાર 6 વર્ષથી સમસ્યાઓનું સમાધાન કરી રહી છે.
મમતા બેનરજીને આડે હાથ લેતા તેમણે કહ્યું કે મમતાદીદી તમે હિસાબ માંગતા રહો, હું તો હિસાબ લઈને આવ્યો છું. પરંતુ તમે પણ કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની સરકારનો હિસાબ આપો અને ક્યાંક બોમ્બ ધડાકા કે બંધ થયેલી ફેક્ટરીઓના નંબર ખોટા ન આપી દેતા. ભાજપના માર્યા ગયેલા કાર્યકરોની સંખ્યા જરૂરી બતાવજો.
અમિત શાહે કહ્યું કે મમતાદીદી તમે કેમ બંગાળના ખેડૂતોને પરેશાન કરો છો. તેઓ સાઈક્લોન અમ્ફાનથી હેરાન પરેશાન છે. કેમ તેને સાડા 6000ની રકમ લેતા રોકો છો. તમે શનિવારે લિસ્ટ આપો અમે સોમવાર સુધીમાં તમને પૈસા મોકલી દઈશું. તેના પર રાજકારણ ન રમો.
સીએએ પર અમિત શાહ બોલ્યા કે મે તે દિવસે મમતા બેનરજીનો ચહેરો જોયો હતો. તેઓ ખુબ ગુસ્સામાં હતાં. યોગ્ય રીતે નામ લેવાની તમીઝ પણ રહી ન હતી. બાંગ્લાદેશથી જે બંગાળીઓ આવ્યાં હતાં તેમણે તમારું શું બગાડ્યું. તેમને નાગરિકતા મળે તેનાથી તમને શું તકલીફ હતી. તમે સીએએનો વિરોધ કરી રહ્યા છો. બંગાળની જનતા તમને રાજકીય શરણાર્થી બનાવવાની છે.
પીએમ મોદી પર અમિત શાહે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ ખુબ જરૂરી હતું. બહારથી આવેલા શરણાર્થીઓ અનેક વર્ષો સુધી ઓળખ વગર રહત. તેમની સરકારે પણ વાત ન સાંભળી કારણ કે તૃષ્ટીકરણનું રાજકારણ કરવાનું હતું. પરંતુ મોદી સરકાર સીએએ લાવી અને તેમણે 1947નું વચન પૂરું કર્યું.
કાશ્મીરથી કલમ 370 હટાવવા પર અમિત શાહે કહ્યું કે બંગાળના જ શ્યામા પ્રસાદ મુખરજીએ કાશ્મીર માટે કાશ્મીરની ધરતી પર જીવ આપ્યો. મોદીએ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવી અને 35એ હટાવવાનો પ્રસ્તાવ સંસદમાંથી પાસ કરાવ્યો અને તેને જડથી ઉખાડીને ફેંકી દીધી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે