સરકારનો મોટો નિર્ણયઃ દક્ષિણના રાજ્યોમાં ભારે વિરોધ પછી કરશે નવી 'શિક્ષણ નીતિ'માં ફેરફાર
સરકાર દ્વારા જે નવી 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2019'નો જે ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો, તેમાં બિન-હિન્દી રાજ્યોના વિદ્યાર્થીઓ માટે ધોરણ-5 સુધી સ્થાનિક ભાષા ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષાનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો હતો
Trending Photos
નવી દિલ્હીઃ દક્ષિણના રાજ્યોમાં ભારે વિરોધ પછી સરકારને તેની નવી 'શિક્ષણ નીતિ-2019'માં ફેરફાર કરવાની ફરજ પડી છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં બિન-હિન્દી રાજ્યોમાં ત્રણ ભાષાની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, જેના અનુસાર બિન-હિન્દીભાષી રાજ્યોમાં સ્થાનિક ભાષા ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષા ભણાવાનું નક્કી કરાયું હતું. સરકાર દ્વારા જે નવી 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2019'નો જે ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો, તેમાં બિન-હિન્દી રાજ્યોના વિદ્યાર્થીઓ માટે ધોરણ-5 સુધી સ્થાનિક ભાષા ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષાનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો હતો.
નવી 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2019'નો જે નવો સુધારેલો ડ્રાફ્ટ રજૂ કરાયો છે તેમાં સરકારે લખ્યું છે કે, "તરલતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જે વિદ્યાર્થીઓ ત્રણ ભાષામાંથી એક અથવા એકથી વધુ ભાષાનો અભ્યાસ કરી રહ્યા છે તેને તેઓ ગ્રેડ-6 અથવા ગ્રેડ-7માં પણ અભ્યાસ કરી શકે છે. માધ્યમિક શાળાના અભ્યાસ દરમિયાન સ્થાનિક બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થી ત્રણ ભાષા (એક ભાષા લીટરેચર સ્તરની)માં નિપુણતા ન મેળવી લે."
તમિલનાડુ અને કર્ણાટકથી માંડીને તમામ બિન-હિન્દીભાષી રાજ્યોએ ત્રણ ભાષાની આ નીતિ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. તેમનો એવો દાવો હતો કે કેન્દ્ર સરકાર તેમના ઉપર હિન્દી ભાષા ઠોકી બેસાડવા માગે છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ શિક્ષણ નીતિમાં ભાષાનો અભ્યાસ કરવો એ પસંદગીની બાબત હોવી જોઈએ, નહીં કે ઠોકી બેસાડેલી બાબત.
સિદ્ધારમૈયાએ એક પછી એક ટ્વીટ કરતા જણાવ્યું કે, "આપણી ધરતી વિવિધતામાં એક્તા ધરાવે છે. ભાઈચારો જાળવી રાખવા માટે શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ જરૂરી છે. કોઈ પણ પ્રકારનું દબાણ ઊભું કરવું એ આપણા સમાજિક કાયદાની વિરુદ્ધ છે. અમારા માટે કન્નડ ભાષા એક ઓળખ છે. બીજી ભાષા શીખવી એ અમારી પસંદગીની બાબત હોવી જોઈએ, નહીં કે ઠોકી બેસાડેલી બાબત."
તેમણે વધુમાં જણાવ્યું કે, "નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બિન-હિન્દી ભાષી રાજ્યો પર હિન્દી ભાષા ઠોકી બેસાડવામાં આવી રહી છે. આ બાબત અમારી લાગણીની વિરુદ્ધ છે. જો કેટલાક લોકોની દૃષ્ટિએ સ્થાનિક ઓળખ અસંગત છે, તો પછી હિન્દી ઠોકી બેસાડવી એ પણ અમારા રાજ્યો પર એક પ્રકારનો હિંસક હુમલો જ છે."
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે