અહેમદ પટેલની કોંગ્રેસના ખજાનચી તરીકે નિમણૂક કરતા રાહુલ ગાંધી
રાજ્ય સભાના સાંસદ એવા અહેમદ પટેલ અગાઉ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના અંગત સચિવ હતા, અગાઉ પણ તેઓ ખજાનચીના પદ પર રહી ચૂક્યા છે
Trending Photos
નવી દિલ્હીઃ 2019ની સામાન્ય ચૂંટણીના પડઘા વાગવાના શરૂ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં મંગળવારે કેટલીક મહત્ત્વની જગ્યાઓ પર જાણીતી વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો પણ સમાવેશ થાય છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અહેમદ પટેલની પક્ષના ખજાનચી પદે નિમણુક કરી છે. અહેમદ પટેલ મોતિલાલ વોરાનું સ્થાન લેશે, જેમને પક્ષની વહિવટી શાખાના સેક્રેટરી જનરલ ઈન-ચાર્જ બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે, મોતિલાલ વોરા ઘણા લાંબા સમયથી કોંગ્રેસના ખજાનચી પદે હતા.
પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના અંગત સચિવ એવા અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ છે. તેઓ પક્ષ માટે ફંડ ખેંચા લાવનારા પ્રમુખ વ્યક્તિઓમાંના એક છે અને અગાઉ પણ તેઓ ખજાનચી પદે રહી ચૂક્યા છે.
અન્ય મહત્ત્વની નિમણુકોમાં રાહુલ ગાંધીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માને કરણ સિંઘની જગ્યાએ પક્ષના વિદેશ વિભાગના ચેરપર્સન બનાવ્યા છે. લુઝિન્હો સેલેરિઓને એઆઈસીસીના આસામ સિવાયનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોનાં જનરલ સેક્રેટરી ઈન-ચાર્જ બનાવાયા છે, તેઓ સી.પી. જોષીનું સ્થાન લેશે. લોકસભાનાં પૂર્વ સ્પીકર મિરા કુમારને કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણાયક બોડી કોંગ્રેસ વર્કિંગ કમિટિના કાયમી સભ્ય બનાવાયા છે.
પક્ષના અંદર લગભગ એક મહિના બાદ ફરીથી ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ રાહુલ ગાંધીએ જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટિની નવી ટીમ બનાવી હતી ત્યારે અનેક પીઢ નેતાઓ જેવા કે દિગ્વિજય સિંઘ, જનાર્દન દ્વિવેદી, કમલ નાથ, સુશિલ કુમાર શિંદે અને કરણ સિંઘને પડતા મુક્યા હતા. નવી કોંગ્રેસ વર્કિંગ કમિટિમાં 23 સભ્યો છે, 19 કાયમી આમંત્રિત સભ્યો છે અને 9 વિશેષ આમંત્રિત છે.
રાહુલ ઉપરાંત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મન મોહન સિંઘ, કોંગ્રેસના તમામ પૂર્વ મુખ્યમંત્રીઓ અશોક ગેહલોત, ઓમન ચાંડી, તરુણ ગોગોઈ, સિદ્ધારામૈયા અને હરિશ રાવતનો પણ કોંગ્રેસ વર્કિંગ કમિટિમાં સમાવેશ કરાયો છે.
બાકાત રાખવામાં આવેલા નેતાઓમાં મુખ્ય જોઈએ તો પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંઘ, જેઓ અગાઉ કાયમી આમંત્રિત સભ્ય હતો, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંઘ હુડા, હિમાચલના પૂર્વ મુખ્ય મંત્રી વિરભદ્ર સિંઘ અને પક્ષના પીઢ નેતાઓ જેવા કે મોહન પ્રકાશ, ઓસ્કર ફર્નાન્ડિસ, સી.પી. જોષી અને મોહસિના કિદવઈનો સમાવેશ થાય છે. જોકે, હૂડાના પુત્ર દિપેન્દર સિંઘનો વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી પહેલાં કોંગ્રેસ વર્કિંગ કમિટિને વિખેરી નાખવામાં આવી હતી. અગાઉની કમિટિને પક્ષની વાર્ષિક બેઠક માર્ચ મહિનામાં ન મળે ત્યાં સુધી સ્ટિયરિંગ કમિટિ બનાવી દેવાઈ હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટિ પક્ષના તમામ મહત્ત્વનાં નિર્ણયોમાં સલાહકાર પેનલ તરીકે કામ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે