અત્યાર સુધી 'ઘોર અન્યાય' થતો હતો જમ્મુ અને લદ્દાખ સાથે...ખાસ વાંચો અહેવાલ 

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા માટે સંકલ્પ રજુ કર્યો. ગૃહ મંત્રીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370ના ખંડ (1) સિવાય કોઈ ખંડ લાગુ રહેશે નહીં. અમિત  શાહે જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક 2019 સદનમાં રજુ કર્યું.

અત્યાર સુધી 'ઘોર અન્યાય' થતો હતો જમ્મુ અને લદ્દાખ સાથે...ખાસ વાંચો અહેવાલ 

નવી દિલ્હી: આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા માટે સંકલ્પ રજુ કર્યો. ગૃહ મંત્રીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370ના ખંડ (1) સિવાય કોઈ ખંડ લાગુ રહેશે નહીં. અમિત  શાહે જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક 2019 સદનમાં રજુ કર્યું. ગૃહ મંત્રીએ ભારતના બંધારણની કલમ 370(1) સિવાયની તમામ ખંડો રદ્દ કરવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરથી કલમ 35એ પણ હટાવી દીધી છે. 

આજે મોદી સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણયો લેવાયા

હેલો નિર્ણય- જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ભલામણ

બીજો નિર્ણય- જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 35એ સંપૂર્ણ રીતે હટાવવામાં આવી. 

ત્રીજો નિર્ણય- જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યાં. 

ચોથો નિર્ણય- જમ્મુ અને કાશ્મીર હવે અલગ કેન્દ્રીયશાસિત પ્રદેશ રહેશે. 

પાંચમો નિર્ણય- લદ્દાખ હવે વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. 

રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે અમે જે બિલ અને સંકલ્પ લઈને આવ્યાં છીએ તેના પર તમે તમારા મત રજુ કરી શકો છો. કલમ 370(3) હેઠળ પ્રાપ્ત કાયદાને ખતમ કરતા જમ્મુ કાશ્મીર પુર્નગઠન 2019 વિધેયક રજુ  કર્યો. આ વિધેયક મુજબ જમ્મુ કાશ્મીરને હવે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવશે. લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે. આ વિધેયક રાજ્યસભામાં રજુ થતા જ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. 

રાજ્યના મતવિસ્તાર ક્ષેત્રની સીમા નક્કી કરવાની પ્રક્રિયા
કોઈ પણ રાજ્યના મતવિસ્તારની સીમા નક્કી કરવાની પ્રક્રિયા. બંધારણમાં દર 10 વર્ષે પરિસીમન કરવાની જોગવાઈ છે. પરંતુ સરકાર જરૂરિયાત મુજબ પરિસીમન કરે છે. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં કુલ 87 બેઠકો પર ચૂંટણી થાય છે. 87 બેઠકોમાંથી કાશ્મીરમાં 46, જમ્મુમાં 37 અને લદ્દાખમાં 4 વિધાનસભા બેઠકો છે. પરિસીમનમાં સીટોમાં ફેરફારમાં વસ્તી અને મતદારોની સંખ્યાનું પણ ધ્યાન અપાય છે. 

એવું કહેવામાં આવે છે કે પરિસીમન કરવામાં આવે તો જમ્મુની સીટો વધી જાય અને કાશ્મીરની સીટો ઘટી જાય. કારણ કે 2002ની વિધાનસભા ચૂંટણીમાં જમ્મુના મતદારોની સંખ્યા કાશ્મીરના મતદારોની સંખ્યાથી લગભગ 2 લાખ કરતા વધુ હતી. જમ્મુમાં 31 લાખ રજિસ્ટર્ડ મતદારો હતાં. કાશ્મીર અને લદ્દાખના બધા મળીને કુલ 29 લાખ મતદારો હતાં. 

કાશ્મીરના ભાગમાં વધુ વિધાનસભા બેઠકો કેમ?
એ સમજવા માટે આપણે જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસને સમજવો પડશે. વર્ષ 1947માં જમ્મુ અને કાશ્મીર રજવડાનો ભારતમાં વિલય થયો. ત્યારે રાજ્યમાં હરિ સિંહનું શાસન હતું. વર્ષ 1947 સુધી શેખ અબ્દુલ્લા કાશ્મીરીઓના સર્વસામાન્ય નેતા તરીકે લોકપ્રિય થયા હતાં. 

જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિ સિંહ, શેખ અબ્દુલ્લાને પસંદ કરતા નહતાં. પરંતુ શેખ અબ્દુલ્લાને પંડિત નહેરુના આશીર્વાદ હતાં. પંડિત નહેરુની સલાહ પર જ મહારાજા હરિ સિંહે શેખ અબ્દુલ્લાને જમ્મુ અને કાશ્મીરના વડાપ્રધાન બનાવ્યાં. વર્ષ 1948માં શેખ અબ્દુલ્લા રાજ્યના વડાપ્રધાન બન્યા બાદ મહારાજા હરિ સિંહની શક્તિઓ લગભગ ખતમ થઈ ગઈ હતી. ત્યારબાદ શેખ અબ્દુલ્લાએ રાજ્યમાં પોતાનું ધાર્યું કરવાનું શરૂ કરી દીધુ. વર્ષ 1951માં જ્યારે જમ્મુ કાશ્મીરની વિધાનસભાના ગઠનની પ્રક્રિયા શરૂ થઈ. ત્યારે શેખ અબ્દુલ્લાએ જમ્મુને 30 વિધાનસભા બેઠકો, કાશ્મીરને 43 અને લદ્દાખને માત્ર 2 બેઠકો આપી દીધી. 

વર્ષ 1995 સુધી જમ્મુ અને કાશ્મીરમાં આ સ્થિતિ રહી. વર્ષ 1993માં જમ્મુ અને કાશ્મીરમાં પરિસીમન માટે એક આયોગ બનાવવામાં આવ્યો હતો. 1995માં પરિસીમન આયોગના રિપોર્ટને લાગુ કરાયો. પહેલા જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં કુલ 75 બેઠકો હતી  પરંતુ પરિસીમન બાદ રાજ્યની વિધાનસભામાં 12 સીટો વધારાઈ. હવે કુલ 87 સીટો હતી. જેમાં કાશ્મીરમાં 46, જમ્મુમાં 37 અને લદ્દાખમાં 4 સીટો છે. આટલા વર્ષો વિત્યા બાદ પણ જમ્મુ અને લદ્દાખ  સાથે  થયેલા અન્યાયને ખતમ કરવાની કોઈ કોશિશ થઈ નહીં. 

આ જ કારણ હતું કે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં હંમેશા નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવી કાશ્મીર કેન્દ્રીત પાર્ટીઓનું વર્ચસ્વ રહેતું હતું. આ પાર્ટીઓ બંધારણની કલમ 370 અને કલમ 35એને હટાવવાનો વિરોધ કર્યાં કરતી હતી. આ જ કારણ છે કે કાશ્મીરમાંથી ભાગલાવાદી માનસિકતા ખતમ થતી નહતી. 

જુઓ LIVE TV

જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાનું રાજકીય ગણિત આ પ્રકારે હતું કે દરેક પરિસ્થિતિમાં કાશ્મીર કેન્દ્રીત પાર્ટીઓનું જ વર્ચસ્વ રહેતું હતું. જો જમ્મુ અને લદ્દાખની 37 અને 4 બેઠકોને જોડવામાં આવે તો પણ ફક્ત 41 બેઠકો થાય છે. આ કાશ્મીરની 46 બેઠકોથી પણ 5 ઓછી છે. આ જ કારણ છે કે જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં હંમેશા મુખ્યમંત્રી કાશ્મીરના જ રહેતા હતાં. 

જમ્મુ અને કાશ્મીરમાં બહુમતીની સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 44 બેઠકોની જરૂર હોય છે. કાશ્મીરમાં મુસલમાનોની વસ્તી 98 ટકા છે. સાંપ્રદાયિક રાજકારણ કરવામાં ઉસ્તાદ જમ્મુ અને અને કાશ્મીરના ક્ષેત્રીય પક્ષો ખુબ સરળતાથી કાશ્મીરની 46 બેઠકોને જીતીને બહુમતના આંકડાને મેળવી લેતા હતાં. 

આ રાજકીય પરિસ્થિતિઓમાં સૌથી વધુ અન્યાય જમ્મુ અને લદ્દાખની સાથે થઈ રહ્યો છે. કાશ્મીર કેન્દ્રીત પાર્ટીઓની સરકારમાં જમ્મુ અને લદ્દાખ સાથે સાવકો વ્યવહાર થતો રહ્યો હતો. મોદી સરકારે આ સમસ્યાને જડથી ખતમ કરવાનો નિર્ણય લીધો છે. જમ્મુ અને કાશ્મીરના નક્શાને જોઈએ તો અહીં 61 પ્રતિશત જમીન લદ્દાખ છે. જ્યાં આતંકવાદની કોઈ અસર નથી. જ્યારે 22 ટકા જમ્મુમાં આતંકવાદનો ખાતમો લાંબા સમય અગાઉ થઈ ચૂક્યો છે. પરંતુ રાજ્યના 17 ટકા ભાગમાં જ આતંકવાદ અને અલગાવવાદ સક્રિય છે. કાશ્મીર ઘાટીમાં 10 જિલ્લા છે જ્યાં આતંકવાદની ઘટનાઓ થતી રહે છે. જેમાંથી દક્ષિણ કાશ્મીરના 4 જિલ્લાઓ શોપિયા, પુલવામા, કુલગામ અને અનંતનાગ જ આતંકવાદનો ગઢ મનાય છે. 

અત્રે જણાવવાનું કે પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પણ હંમેશા પરિસીમનને ટાળવાની કોશિશ કરેલી છે. નવા પ્રકારે પરિસીમનમાં સૌથી મોટી અડચણ તેમણે જ પેદા કરી હતી. વર્ષ 2002માં નેશનલ કોન્ફરન્સની સરકારે પરિસીમનને 2026 સુધી રોક્યું હતું. આથી અબ્દુલ્લા સરકારે Jammu and Kashmir Representation of the People Act 1957 અને જમ્મુ કાશ્મીરના બંધારણના  Section 47(3) માં ફેરફાર કર્યો હતો. 

 Section 47(3) માં થયેલા ફેરફાર મુજબ વર્ષ 2026 બાદ જ્યાં સુધી જનસંખ્યાના યોગ્ય આંકડા સામે ન આવે ત્યાં સુધી વિધાનસભાની બેઠકોમાં ફેરફાર કરવો જરૂરી નથી. વર્ષ 2026 બાદ જનગણતરીના આંકડા 2031માં આવશે. આથી જો જોવા જઈએ તો હવે જમ્મુ અને કાશ્મીરમાં પરિસીમન 2031 સુધી ટળ્યું છે. ફારુક અબ્દુલ્લા સરકારના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમમાં પણ અરજી દાખલ થઈ હતી. પરંતુ 2010માં સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી હતી. 

આખરે શું છે કલમ 370
જમ્મુ અને કાશ્મીરનો ભારત સાથે સંબંધ કેવો રહેશે તેનો ડ્રાફ્ટ જમ્મુ અને કાશ્મીરની સરકારે જ નક્કી કર્યો હતો. રાજ્યની બંધારણીય સભાએ 27 મે 1949ના રોજ  કેટલાક ફેરફાર સાથે આર્ટિકલ 306એ (હવે આર્ટિકલ 370)ને સ્વીકારી હતી. ત્યારબાદ 17 ઓક્ટોબર 1949ના રોજ આર્ટિકલ 370 ભારતના બંધારણનો ભાગ બની. 

આ કારણસર છે કલમ 370 વિવાદમાં 

1. જમ્મુ અને કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા હોય છે, ઝંડો  પણ અલગ હોય છે. 
2. J&Kમાં રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન અપરાધ ગણાતો નથી. 
3. દેશની સુપ્રીમ કોર્ટના તમામ આદેશ જમ્મુ અને કાશ્મીરમાં માન્ય હોતા નથી. 
4. સંસદ જમ્મુ અને કાશ્મીરને લઈને સીમિત ક્ષેત્રમાં જ કાયદો બનાવી શકે છે. 
5. રક્ષા, વિદેશ, સંચારને બાદ કરતા કેન્દ્રના કોઈ કાયદા આ રાજ્યમાં લાગુ થતા નથી. 
6. કેન્દ્રના કાયદાને લાગુ કરવા માટે J&K વિધાનસભાની સહમતી જરૂરી હોય છે. 
7. નાણાકીય ઈમરજન્સી માટે બંધારણની કલમ 360 જમ્મુ અને કાશ્મીરમાં લાગુ હોતી નથી. 
8. કાશ્મીરમાં હિન્દુ-શીખ અલ્પસંખ્યકોને 16% અનામત મળતું નથી. 
9. જમ્મુ અને કાશ્મીરમાં 1976નો શહેરી જમીન કાયદો લાગુ પડતો નથી. 
10. કલમ 370ના કારણે કાશ્મીરમાં RTI અને RTE લાગુ થતા નથી. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષ નહીં પરંતુ 6 વર્ષનો હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news