21 વિપક્ષોએ કરી વાયુસેનાની પ્રશંસા, સેનાને ફરી આપ્યું પોતાનું સમર્થન
ભારત અને પાકિસ્તાનની સરહદ પર હાલ જે પ્રકારે તંગદીલીનું વાતાવરણ સર્જાયું છે, તેના વચ્ચે બુધવારે કોંગ્રેસ અને દેશના અન્ય વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં ભારતીય વાયુસેના પ્રત્યે સમર્થન વ્યક્ત કરાયું હતું
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસ સહિત દેશના 21 વિરોધ પક્ષોએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ કરેલી કાર્યવાહીની પ્રશંસા કરવાની સાથે જ આતંકવાદ સામેની લડાઈમાં સશસ્ત્ર દળો પ્રત્યે એકજૂથ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જોકે, તેમણે આરોપ પણ લગાવ્યો કે, પુલવામા હુમલા બાદ સત્તાધારી પક્ષના નેતાઓએ જવાનોનની શહાદતનું રાજનીતિકરણ કર્યું, જે ગંભીર ચિંતાનો વિષય છે.
ભારત અને પાકિસ્તાન સરહદ પર તંગદીલીભર્યા વાતાવરણ વચ્ચે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. બેઠક પછી આપવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદની નિંદા કરવામાં આવી હતી. વિરોધ પક્ષોએ જણાવ્યું કે, તેઓ આતંકવાદ સામેની નિર્ણાયક લડાઈમાં દેશના સશસ્ત્ર દળો અને સેનાને પોતાનું સમર્થન વ્યક્ત કરે છે.
તેમણે એવું પણ જણાવ્યું કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ સત્તાધારી પક્ષના નેતાઓએ જવાનોની શહાદતનું જે રીતે રાજનીતિકરણ કર્યું એ ગંભીર ચિંતાનો વિષય છે.
કોણ-કોણ સામેલ થયું હતું બેઠકમાં?
સંસદની લાયબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પક્ષના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, એ.કે. એન્ટની અને ગુલામ નબી આઝાદ, તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ એન. ચંદ્રાબાબુ નાયડુ, તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર, માકપા મહાસચિવ સીતારામ યેચુરી, ભાકપા મહાસચિવ સુધાકર રેડ્ડી, લોકતાંત્રિત જનતા દળના નેતા શરદ યાદવ, બીએસપીના સતીશ ચંદ્ર મિશ્રા અને આરજેડીના મનોજ ઝા સામેલ થયા હતા.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના સંજય સિંહ, ડીએમકેના ટી. શિવા, ઝારખંડ મુક્તિ મોરચાના શિબૂ સોરેન, રાલોસપાના ઉપેન્દ્ર કુશવાહા, ઝારખંડ વિકાસ મોરચાના અશોક કુમાર, 'હમ'ના જીતનરામ માંઝી, તેલંગાણા જન સમિતિના કોનાડદરમ, જદ(એસ)ના કુવાર દાનિશ અલી, કેરળ કોંગ્રેસ(એમ)ના કે.કે. જોસ મણિ અને અન્ય વિરોધ પક્ષના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે