10 ટકા આર્થિક અનામતઃ શૈક્ષણિક સંસ્થાઓમાં વધારવામાં આવશે 2 લાખ સીટ

શૈક્ષણિક સત્ર 2019-20માં જ દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં 1,19,983 સીટ વધારવામાં આવશે, બાકીની 95,783 સીટ આગમી વર્ષના શૈક્ષણિક સત્ર 2020-21માં વધારાશે 

10 ટકા આર્થિક અનામતઃ શૈક્ષણિક સંસ્થાઓમાં વધારવામાં આવશે 2 લાખ સીટ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે (આર્થિક અનામત) કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટેની અનામતને મંજૂરી આપી દેવાઈ છે. 10 ટકા આર્થિક અનામતના ક્વોટા માટે દેશની તમામ કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ 2 લાખ સીટ વધારવામાં આવશે. 

આ વર્ગના વિદ્યાર્થીઓને દેશની 158 કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ મળશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી આ અંગે અગાઉ જ સૂચના આપી દેવાઈ છે. 

10 ટકા આર્થિક અનામત લાગુ કરવા માટે સરકારે લગભગ રૂ.4300 કરોડ મંજૂર કર્યા છે. આ ફંડની મદદથી કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં વધારાના વિદ્યાર્થીઓ માટે માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. આ સાથે જ લગભગ 4000 નવા શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે. 

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય કેબિનેટ દ્વારા કુલ 2,14,766 સીટ વધારવાને મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2019-20ના શૈક્ષણિક સત્રમાં 1,19,983 સીટ વધારવામાં આવશે, બાકીની 95,783 સીટ આગમી વર્ષના શૈક્ષણિક સત્ર 2020-21માં વધારાશે.

કેબિનેટની બેઠકમાં એ બાબતની પણ સુચના આપવામાં આવી છે કે, આર્થિક અનામતને કારણે ઓબીસી, એસસી અને એસટી અનામતના ક્વોટામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવામાં આવે. એટલે કે, વર્તમાનમાં અનામત અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે તેમાં કોઈ પણ પ્રકારનો કાપ મુકવામાં ન આવે. 

Union cabinet approves 10 percent EWS reservations in 158 institutes

ઉલ્લેખનીય છે કે, બંધારણમાં 103મા સંશોધન અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગો માટે કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યસભામાં બંધારણ સંશોધન ખરડાને 9 જાન્યુઆરીના રોજ મંજૂરી મળી ગઈ હતી. તેની સાથે જ દેશમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં 10 ટકા આર્થિક અનામતની વ્યવસ્થા લાગુ થઈ ગઈ હતી. ત્યાર પછી દેશના અનેક રાજ્યો દ્વારા આ પ્રકારની જોગવાઈને પોતાને ત્યાં લાગુ કરવામાં આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news