ગોવા કોંગ્રેસને મોટો ઝટકો, 2 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, ભાજપમાં થશે સામેલ

બે કોંગ્રેસ ધારાસભ્યો દયાનંદ સોપટે અને સુભાષ શિરોડકર શિરોડાએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ પ્રમોદ સાવંતને આપી દીધું છે. 
 

  ગોવા કોંગ્રેસને મોટો ઝટકો, 2 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, ભાજપમાં થશે સામેલ

નવી દિલ્હીઃ ગોવામાં મંગળવારે રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. રાજ્યમાં બે કોંગ્રેસ ધારાસભ્યોએ મંગળવારે પાર્ટીને ઝટકો આપતા રાજીનામું આપી દીધું. ત્યારબાદ બંન્નેએ ભાજપમાં જોડાવાની વાત કરી છે. ગોવા કોંગ્રેસના આ બે ધારાસભ્યો દયાનંદ સોપટે અને સુભાષ શિરોડકર શિરોડાએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપી દીધું છે. તેની ખાતરી વિધાનસભા અધ્યક્ષે કરી દીધી છે. 

જાણવા મળી રહ્યું છે કે બંન્ને ધારાસભ્યો મંગળવારે સાંજે પાંચ કલાકે ભાજપમાં સામેલ થશે. મહત્વનું છે કે ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર છેલ્લા કેટલાક દિવસથી બિમાર ચાલી રહ્યાં છે. તેઓ દિલ્હી એમ્સમાં પોતાની સારવાર કરાવીને ગોવા તરપ ફર્યા છે. 

મંગળવારે સવારે કોંગ્રેસ ધારાસભ્યો દયાનંદ સોપટે અને સુભાષ શિરોડકર શિરોડાએ ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સુભાષ શિરોડકર શિરોડાએ પત્રકારોને કહ્યું હતું કે, અમે ભાજપમાં સામેલ થવાના છીએ. અમે માનીએ છીએ કે અમારી સાથે 2 થી 3 કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડશે. પરંતુ અત્યારે નહીં તો થોડા દિવસ બાદ આમ જરૂર કરશે. 

બીજીતરફ ગોવા વિધાનસભાના સ્પીકર પ્રમોદ સાવંતે બંન્ને ધારાસભ્યોના રાજીનામા પર કહ્યું કે, કોંગ્રેસના બે ધારાસભ્યો સુભાષ શિરોડકર શિરોડા અને દયાનંદ સોપટેના રાજીનામાં મળ્યા છે. બંન્નેએ સ્વીકાર્યું કે તે પોતાની ઈચ્છાથી કરી રહ્યાં છે, તેમના પર કોઈ દબાવ નથી. મેં બંન્નેના રાજીનામાંનો સ્વીકાર કર્યો છે. આ પ્રક્રિયા જલ્દી પૂર્ણ થઈ જશે. તેની એક-એક કોપી વિધાનસભાના તમામ ધારાસભ્યો, સરકાર અને ચૂંટણી પંચને મોકલી આપવામાં આવશે. 

ગોવા વિધાનસભાના સ્પીકરે કહ્યું કે, વિધાનસભામાં હાલના સભ્યોની સંખ્યા 38 છે, તેમાં ભાજપના 14, કોંગ્રેસના 14, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના 3, ગોવા ફોવરવર્ડના 3, એનસીપીના 1 અને 3 અપક્ષ છે. આ વિશે ચૂંટણી પંચને જાણ કરી દીધી છે. હવે ચૂંટણી પંચ પર છે કે, તે ક્યારે પેટાચૂંટણી કરાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news