શું વધુ પડતું ગળ્યું ખાવાથી થાય છે ડાયાબિટીસ? શુગર અને ડાયાબિટીસ વચ્ચે શું કનેક્શન..જાણો એક્સપર્ટનો અભિપ્રાય
સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે વધુ ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય છે. પરંતુ શું સાચે જ એવું હોય છે? આ અંગે સર્ટિફાઈડ ન્યૂટ્રિશનિસ્ટ ડો. પ્રીતિ શેઠ શું કહે છે તે ખાસ જાણો.
Trending Photos
આજકાલની આધુનિક જીવનશૈલીના કારણે ડાયાબિટીસની સમસ્યા વકરી રહી છે. દુનિયાભરમાં કરોડો લોકો આ બીમારીથી પીડાય છે. આજકાલ ફક્ત વૃદ્ધો જ નહીં પરંતુ યુવાઓ અને બાળકો પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ ખોટી ખાણી પીણી અને ખરાબ લાઈફસ્ટાઈલ છે. સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે વધુ ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય છે. પરંતુ શું સાચે જ એવું હોય છે? આ અંગે સર્ટિફાઈડ ન્યૂટ્રિશનિસ્ટ ડો. પ્રીતિ શેઠ શું કહે છે તે ખાસ જાણો.
શુગરનો પ્રકાર અને પ્રમાણ કેટલું મહત્વ ધરાવે
ડો. પ્રીતિના જણાવ્યાં મુજબ ડાયાબિટીસ વિશે અનેક ગેરસમજ લોકોમાં જોવા મળે છે. લોકોનું માનવું હોય છેકે વધુ પડતી શુગર ખાવાથી ડાયાબિટીસ થાય છે. પરંતુ ખરેખર તો આ કહેવું થોડું જટિલ છે. દરેક ભોજનમાં શુગર હોય છે કારણ કે શરીર દરેક ચીજને અંતમાં ગ્લૂકોઝ કે શુગરમાં ફેરવે છે. દરેક ભોજનનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ (GI) અને તેમાં રહેલા ફાયબરનું સ્તર એ નક્કી કરે છે કે શુગર કેટલી ઝડપથી શરીરમાં અવશોષિત થાય છે. જેમ કે ફળ કુદરતી શુગરથી ભરપૂર હોય છે પરંતુ તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, આથી તે ડાયાબિટીસ માટે ઓછા જોખમી હોય છે. સામાન્ય ધારણાથી વિપરિત ફળોથી ડાયાબિટીસ થતો નથી કારણ કે તેમાં ફ્રૂક્ટોઝ હોય છે જે સામાન્ય શુગરથી ઓછું નુકસાનકારક હોય છે. ફ્રૂક્ટોઝની પ્લાઝમા ગ્લૂકોઝ પર અસર ઓછી હોય છે. આથી તેને ડાયાબિટીસ ડાયેટમાં સામેલ કરી શકાય છે.
શું છે આ ડાયાબિટીસ?
વધુ શુગર ખાવાથી સીધે સીધો ડાયાબિટીસ થતો નથી. અસલમાં તે ત્યારે થાય છે જ્યારે શરીર ઈન્શ્યુલિન યોગ્ય રીતે બનાવી શકતું નથી કે પછી શરીરની કોશિકાઓ ઈન્શ્યુલિન પ્રત્યે અસંવેદનશીલ થઈ જાય છે. આ કારણે લોહીમાં શુગરનું સ્તર વધવા લાગે છે અને ડાયાબિટીસના લક્ષણો જેમ કે વધુ તરસ લાગવી, વારંવાર પેશાબ કરવા જવું, વજન ઘટવું વગેરે જોવા મળે છે.
ડાયાબિટીસથી કેવી રીતે બચવું
ડાયાબિટીસથી બચવા માટે તમારે ખાણી પીણી અને જીવનશૈલીમાં સુધારો લાવવો જોઈએ. આ ઉપરાંત કેટલીક ખાસ વાતો પર ધ્યાન આપવાની જરૂર છે. જેમ કે...
વધુ શુગર અને પ્રોસેસ્ડ ફૂડ્સથી બચો
પ્રોસેસ્ડ શુગર જેમ કે કોલ્ડ ડ્રિંક્સ, અને પેકેજ્ડ જ્યૂસ ડાયાબિટીસના જોખમને વધારે છે. આ સાથે જ બજારમાં જે ઓટ્સ બિસ્કિટ કે જેને સ્વસ્થ વિકલ્પ ગણવામાં આવે છે તેમાં પણ શુગરનું પ્રમાણ વધુ હોય છે. આથી સારું એ છે કે તમે સીધા ફળ ખાઓ અને પ્રોસેસ્ડ ફૂડ્સથી દૂર રહો.
શરીર માટે શુગરનું યોગ્ય પ્રમાણ અને પ્રકાર જરૂરી છે
શરીરને ઉર્જા માટે ગ્લૂકોઝની જરૂર હોય છે. જે મગજના કામને પણ સારું કરે છે. ઓછી શુગર લેવાથી મગજમાં થાક અને ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ધ્યાન રાખો કે શુગરનું યોગ્ય પ્રમાણ અને યોગ્ય સ્ત્રોતથી જ શુગર લો જેમ કે ફળોથી, પ્રોસેસ્ડ ફૂડથી નહીં.
સ્વસ્થ જીવનશૈલી અપનાવવી મહત્વપૂર્ણ
ડાયાબિટીસથી બચવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને યોગ્ય વજન જાળવી રાખવું જરૂરી છે. પોતાના ભોજનમાં ફાઈબરથી ભરપૂર આહાર જેમ કે શાકભાજી, બદામ, અને અખરોટ સામેલ કરો. તમારા સૂવાના સમય નિયમિત રાખો અને સ્ક્રીન ટાઈમ ઓછો કરો. કમર અને હિપનું વજન વધુ હોય તો તેન નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરો. શુગરને તમારા ડાયેટમાંથી સંપૂર્ણ રીતે ખતમ કરવાની જરૂર નથી. બસ ધ્યાન આપો કે તમે યોગ્ય પ્રમાણમાં અને કુદરતી સ્ત્રોતોથી શુગર લો. નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે ડાયાબિટીસના જોખમને ઘટાડી શકો છો.
(અહેવાલ સાભાર ધ હેલ્થ સાઈટ ડોટ કોમ)
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. આ કોઈ પણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. આથી વધુ જાણકારી માટે હમેશા કોઈ વિશેષજ્ઞ કે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે