આવ કેન્સર મને થા! ગુજરાતીઓ હોંશે હોંશે પેટમાં પધરાવે છે ઝેર, ગુટખા કે સિગારેટની નથી જરૂર

Gujarat News:  2020માં કેન્સરને કારણે થતા મૃત્યુની બાબતમાં ગુજરાત દેશના ટોચના 10 રાજ્યોમાંનું એક છે, રાજ્યમાં કેન્સરને કારણે 38306 લોકોના મોત થયા છે. ગુજરાતમાં 60 લાખ ખેડૂતો પૈકી 9 લાખ ખે઼ડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે. આ સાથે ગુજરાતમાં તમાકુની ખેતી પણ થાય છે એ પણ ન ભૂલો, ગુજરાત કેન્સરની પ્રોડક્ટસની ખેતી કરે છે.

આવ કેન્સર મને થા! ગુજરાતીઓ હોંશે હોંશે પેટમાં પધરાવે છે ઝેર, ગુટખા કે સિગારેટની નથી જરૂર

Gujarat Cancer: ગુજરાતમાં થાય છે 'કેન્સર'ની ખેતી! જાણીને ચોંકવાની જરૂર નથી, અહેવાલ વાંચશો તો ખુલી જશે આંખો. કોરોના રોગચાળાએ અત્યાર સુધી લોકોને મોતની ભેટ આપી છે. એટલું જ નહીં એક એવી બીમારી પણ છે જે કોરોના કરતાં પણ વધુ ઘાતક સાબિત થઈ છે. હા, તમે સાચું સાંભળ્યું છે, જે કોરોના કરતાં પણ વધુ ઘાતક છે, જે કેન્સર છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે 5.12 લાખથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે એક જ વર્ષમાં કેન્સરને કારણે 7.70 લાખ લોકોના મોત થયા છે. કેન્સરને કારણે થતા મૃત્યુની બાબતમાં ગુજરાત દેશના ટોચના 10 રાજ્યોમાંનું એક છે. ભારતમાં વર્ષ-૨૦૨૨માં કેન્સરના ૧૪ લાખથી વધુ દર્દીઓ હતા. ગુજરાતમાં કેન્સર પેદા કરતા તમાકુની પણ એટલા જ મોટાપાયે ખેતી થાય છે. ખેડૂતો માટે આ રોકડિયો પાક હોવાથી સરકાર તેનો વિરોધ કરતી નથી પણ તમાકુની ખેતી નવા કેન્સરના રોગો પેદા કરે છે. 

ગુજરાતમાં કેન્સરના હજારો દર્દીઓઃ
વર્ષ-૨૦૨૩માં આ આંકડો ૧૫ લાખે પહોંચ્યો છે. તે પૈકી ગુજરાતમાં કેન્સરના ૭૩ હજાર દર્દીઓ છે. ગુજરાતમાં મોંઢાના કેન્સરના કેસ સૌથી વધારે જોવા મળી રહ્યા છે. અમદાવાદ સિવિલ કેમ્પસ સ્થિત કેન્સર હોસ્પિટલમાં વર્ષ 2023માં પુરુષોમાં મોંના કેન્સરના સૌથી વધુ કેસ આવ્યા છે, બીજા નંબરે પુરુષોમાં જીભના કેન્સરના 982 કેસ છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના સૌથી વધુ 1431 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગર્ભાશયના કેન્સરના 942 કેસ આવ્યા છે. એકંદરે સિવિલની કેન્સર હોસ્પિટલમાં વર્ષે 25 હજારથી વધુ કેન્સરના દર્દી નોંધાયા છે. તમાકુ સિગારેટના વ્યાસનના કારણે મોંઢાના કેન્સરના કેસ સતત વધ્યા છે. રાજ્યમાં 10માંથી ત્રણ કેન્સરગ્રસ્ત પુરુષને મોંઢાનું કેન્સર છે. તબીબોનું કહેવું છે કે, કેન્સર સામે લડવા માટે જાગૃતિ ખૂબ જરૂરી છે.

ગુજરાત કેન્સરમાં ભારતમાં ટોપ ટેનમાં

હવે ગુજરાતમાં કેન્સરના સૌથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. હવે પંજાબને પછાડીને ગુજરાત કેન્સરમાં ભારતમાં ટોપ ટેનમાં આવી ગયું છે. ગુજરાતમાં સ્તન કેન્સરના ૩૦ ટકા અને મોંઢાના કેન્સરના ૩૬ ટકા દર્દીઓ છે, જે જંતુનાશકો અને તમાકુના કારણે છે. દેશમાં માત્ર વર્ષ 2020માં જ 13.92 લાખ નવા દર્દીઓનું નિદાન થયું હતું, જ્યારે આ સમયગાળા દરમિયાન 7 લાખ 70 હજાર 230 લોકોના મોત થયા હતા.

સતત વધી રહ્યાં છે કેન્સરથી મોતઃ
ડેટા દર્શાવે છે કે કેન્સરના કેસ અને મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષોમાં, 2013માં 11.67 લાખથી વધુ કેસોની અંદાજિત સંખ્યા વધીને 2022માં 14.61 લાખ કેસ થઈ ગઈ છે, જેમાં 25%નો વધારો નોંધાયો છે. દરમિયાન, આ સમયગાળા દરમિયાન મૃત્યુની અંદાજિત સંખ્યા 6.63 લાખથી વધીને 8.09 લાખ થઈ છે, જે લગભગ 22% ની વૃદ્ધિ નોંધાવી છે. એવો અંદાજ છે કે 2025 સુધીમાં કેસોની સંખ્યા વધુ વધીને 15.7 લાખ થઈ જશે. ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીએ આગાહી કરી છે કે ભારતમાં 2040 સુધીમાં કેસ વધીને 20.8 લાખ થઈ જશે. રોગના કેસ મૃત્યુ દરને કુલ નિદાનમાંથી રોગથી મૃત્યુ પામેલા લોકોની ટકાવારી તરીકે માપવામાં આવે છે. 2014 અને 2022 ની વચ્ચે, ભારતમાં કેન્સરના કેસ મૃત્યુ દર રાષ્ટ્રીય સ્તરે લગભગ 55% છે.

આ છ રાજ્યો પણ જવાબદાર

વાસ્તવિક આંકડાઓના સંદર્ભમાં, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં કેન્સરના કેસોની અંદાજિત ઘટનાઓમાં છ રાજ્યોનો હિસ્સો 50% થી વધુ છે. જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ અને કર્ણાટક છે. દર વર્ષે અંદાજિત મૃત્યુના 50% થી વધુ માટે આ છ રાજ્યો પણ જવાબદાર છે. જેઓ વ્યસની છે તેમણે 30 વર્ષની ઉંમરે જ આ ટેસ્ટ કરાવવો જોઈએ. આનાથી કેન્સર માત્ર પ્રથમ સ્ટેજમાં જ નહીં પરંતુ તે પહેલાં પણ જાણી શકાય છે અને સારવાર આપીને મૃત્યુને અટકાવી શકાય છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ કેન્સરની સારવારની સારી સુવિધા ઉપલબ્ધ નથી.

ગુજરાતના ખેતરોમાં બેફામ વપરાય છે જંતુનાશકઃ
ગુજરાતનાં ખેતરોમાં ૬,૨૦૦ મેટ્રિક ટન જંતુનાશકો ઉપરાંત ૪ હજાર ટન ફૂગનાશકો અને ખડનાશકો મળીને કુલ ૧૦,૨૦૦ ટન જંતુનાશકોનો વપરાશ થઈ રહ્યો છે. તથા ૧,૮૨,૨૦૦ હેક્ટરમાં ૪,૦૭,૦૬૦ મેટ્રિક ટન તમાકુ ઉત્પન્ન કરીને અને બીડી, સિગારેટ, તેમ જ ગુટખાના કારણે કેન્સર વધી રહ્યું છે. ખેતરમાં ઉગાડતા દરેક ટામેટાં, બટાકા, સફરજન, નારંગી, ચીકુ, ઘઉં, ડાંગર અને દ્રાક્ષ જેવી ખાદ્ય ચીજો પર આ ઝેરી રસાયણોનો છંટકાવ કરે છે. ઘાતક તત્વો ફળો અને શાકભાજી અને તેના બીજમાં પ્રવેશ કરે છે. જે લોકો ખાય છે.

જો આપણે 2018 થી 2020 ની વાત કરીએ તો આ ત્રણ વર્ષમાં 22.54 લાખ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામ્યા છે. તેમજ આ વર્ષોમાં 40.75 લાખ લોકો તેનો શિકાર બન્યા છે. માત્ર વર્ષ 2020માં જ 13.92 લાખ નવા દર્દીઓનું નિદાન થયું હતું, જ્યારે આ સમયગાળા દરમિયાન 7 લાખ 70 હજાર 230 લોકોના મોત થયા હતા. ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી મુજબ, 2020 માં ભારતમાં કેન્સરના કેસોની અંદાજિત ઘટનાઓ 13.2 લાખથી વધુ હતી. ચીન 45.7 લાખ કેસ સાથે પ્રથમ ક્રમે અને અમેરિકા 22.8 લાખ કેસ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. 

ગુજરાતની ધરતીમાં ઠલવાય છે ઝેરઃ
ગુજરાતમાં અત્યારે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પરિણામે આ વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના વપરાશમાં 3,08,748 મેટ્રિક ટનનો ઘટાડો થયો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થતાં રૂપિયા 1,337.92 કરોડની બચત તો થશે જ પરંતુ લાખો ટન ઝેર ધરતીમાં ઠલવાતું ઓછું થયું છે. વર્ષ-2025 ના ગુજરાત સ્થાપના દિવસ સુધીમાં ગુજરાતમાં 20 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા લક્ષ્ય સાથે સૌ સાથે મળીને કામ કરીએ. આગામી પાંચ વર્ષમાં આખા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે અને ખેડૂતોની આવક બમણી થાય એટલું જ નહીં, ધરતીની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે તેઓ સતત ચિંતિત છે. તેમના વિચારોને તાકાત આપવા આપણે પૂરી પ્રમાણિકતા અને કર્તવ્યભાવનાથી આ કામમાં જોડાઈ જઈએ.

કારણ શું છે?
તમાકુ ઉત્પાદનોનું સેવન કેન્સર થવાનું સૌથી મોટું કારણ છે. ગુજરાતમાં પણ લોકો તમાકુનું સેવન વધુ કરે છે, જેના કારણે અહીં મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર અને જડબાનું કેન્સર વધુ જોવા મળે છે. દેશમાં કેન્સરને કારણે વધતા મૃત્યુનું મુખ્ય કારણ દર્દીઓનું હોસ્પિટલ મોડું પહોંચવું છે. ઉપરાંત, લોકો કેન્સર સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવા વિશે જાગૃત નથી. લોકોએ 40 વર્ષની ઉંમર પછી કેન્સર સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ. સરકારે વર્ષ ૨૦૧૮માં ૯ અને ૨૦૧૯માં ૧૮ જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો હતો; જેમાં બેનોમિલ, કાર્બારીલ, ડાયઝીનોન, ફેનારીમોલ, ફેન્થિઓન, લિન્યુરોન, મેથોક્સી એથિલ મર્ક્યુરી ક્લોરાઇડ, મિથાઈલ પેરાથિઓન, સોડિયમ સાયનાઈડ, થિયોમોટોન, ટ્રાઈડેમોર્ફિલ, એલેક્લોર, ડિક્લોરવોસ, ફોરેટ, ફોસ્ફેમિડોન, ટ્રાયઝોફોસ છે. બિયારણ પર પ્રક્રિયા કરવા માટે વપરાતી જંતુનાશક દવાઓ થિરમ, કેપ્ટાન, ડેલ્ટામેથ્રિન અને કાર્બેન્ડિઝમનો સમાવેશ પ્રતિબંધિત યાદીમાં થાય છે. કુલ ૨૭ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ છે. 66 જંતુનાશકો એવા છે વિદેશમાં પ્રતિબંધિત છે પણ દેશમાં છૂટથી વપરાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news