યુવરાજસિંહ જાડેજાની સંપત્તિ પર થયો મોટો ખુલાસો, આ જગ્યાએ ખરીદ્યો લાખોનો બંગલો!

Dummy Kand: રાજ્યના ચકચારી ડમીકાંડને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે યુવરાજ સિંહના બંગલા અંગે પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. એટલે કે આવનારા સમયમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 

યુવરાજસિંહ જાડેજાની સંપત્તિ પર થયો મોટો ખુલાસો, આ જગ્યાએ ખરીદ્યો લાખોનો બંગલો!

ભાવનગરઃ ડમી કાંડનો પર્દાફાશ કરનાર અને તોડકાંડના આરોપી યુવરાજસિંહ જાડેજા અંગે વધુ એક ખુલાસો થયો છે. આ ખુલાસો યુવરાજસિંહની સંપત્તિ અંગેનો છે. પોલીસનો દાવો છે કે યુવરાજસિંહે એક બંગલો પણ ખરીદ્યો હતો. આ દાવો યુવરાજસિંહની મશ્કેલી વધારી શકે છે.

તોડકાંડના મુખ્ય આરોપી યુવરાજસિંહના રિમાન્ડ પૂરા થતા તેમને ભાવનગર જેલમાં મોકલાયા છે. જો કે તેમના કેસમાં ખુલાસાનો સિલસિલો યથાવત્ છે. પોલીસે આરોપીઓના ઘરેથી તોડકાંડની લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી છે, જો કે હવે વાત પ્રોપર્ટી પર પણ આવી છે.  

પોલીસના સૂત્રોનું માનીએ તો યુવરાજસિંહ જાડેજાએ દહેગામ તાલુકામાં એક બંગલો ખરીદ્યો હતો. પોલીસને મળેલી એક ડાયરીમાં તેની વિગતો સામે આવી છે. ડાયરીમાં 13 લાખ રૂપિયા બિલ્ડરને આપ્યા હોવાનો પણ ઉલ્લેખ છે. યુવરાજસિંહે ખરીદેલી પ્રોપર્ટીની કિંમત 30 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ માટે એક લાખ 47 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી હતી. 

યુવરાજસિંહને દહેગામનો બંગલો ખરીદવા માટે તેમના સસરાએ રૂપિયા આપ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. તેમના સસરા બેંકમાં મોટી રકમ જમા કરાવવા ગયા તે સમયના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઉપરાંત ભાવનગરથી 6 લાખ રૂપિયા આંગડિયા મારફતે પણ મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ 6 લાખ રૂપિયામાંથી 89 હજાર રૂપિયા રિકવર કર્યા છે.

ઝી 24 કલાકની ટીમ દહેગામમાં આવેલા યુવરાજસિંહની માલિકીના બંગલા પર પહોંચી હતી. આ એ જ બંગલો છે, જેની ડીલ માટે યુવરાજસિંહના સસરાએ નાણાં મોકલ્યા હતા. દહેગામની વ્રજગોપી રેસિડેન્સીમાં 29 નંબરનો બંગલો યુવરાજસિંહની માલિકીનો છે. જો કે બંગલાની માલિકી અંગે સોસાયટીના રહીશો પણ અજાણ છે. 

યુવરાજસિંહ પર 1 કરોડનો તોડ કર્યો હોવાનો આરોપ છે, જેમાંથી પોલીસે મોટા ભાગની રકમ રીકવર કરી છે. પોલીસને અત્યાર સુધી જુદી જુદી જગ્યાએથી 88 લાખ 50 હજાર રૂપિયા જેટલી રકમ મળી છે. જેમાંથી મોટા ભાગની રકમ યુવરાજના સાળા કાનભા અને શિવુભા પાસેથી રિકવર કરાઈ છે. જેમાંથી 3 લાખ રૂપિયા યુવરાજે બાતમીદારને ચૂકવ્યા હોવાનું જણાવાય છે. 

આ તમામ ખુલાસા યુવરાજસિંહની મુશ્કેલી વધારી રહ્યા છે. જો કે સોમવારે પોલીસના જાપ્તામાં યુવરાજે દાવો કર્યો હતો કે હજુ ગેમ બાકી છે... આ બાકીની ગેમ શું છે, તે હવે જોવું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news