ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના ત્રાસથી કંટાળેલો યુવક ચીઠ્ઠી લખીને ગુમ થયો
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત 11 લોકોના ત્રાસથી કંટાળેલા યુવક ચીઠ્ઠી લખીને ગુમ થયો છે. કરજણના હિતેશ વાળંદ નામના યુવાને ‘આત્મહત્યા કરું છું...’ તેવી ચીઠ્ઠી લખીને ગુમ થયો છે. હિતેશ વાળંદનો આરોપ છે કે, ધારાસભ્ય તેમની પાસેથી નાણાંની માંગણી કરી માનસિક ત્રાસ આપતા હતા. ધારાસભ્યનો પુત્ર સહિત 11 લોકોને મારી મોત માટે જવાબદાર ગણજો તેવું યુવાને ચીઠ્ઠીમાં લખ્યું છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત 11 લોકોના ત્રાસથી કંટાળેલા યુવક ચીઠ્ઠી લખીને ગુમ થયો છે. કરજણના હિતેશ વાળંદ નામના યુવાને ‘આત્મહત્યા કરું છું...’ તેવી ચીઠ્ઠી લખીને ગુમ થયો છે. હિતેશ વાળંદનો આરોપ છે કે, ધારાસભ્ય તેમની પાસેથી નાણાંની માંગણી કરી માનસિક ત્રાસ આપતા હતા. ધારાસભ્યનો પુત્ર સહિત 11 લોકોને મારી મોત માટે જવાબદાર ગણજો તેવું યુવાને ચીઠ્ઠીમાં લખ્યું છે.
નર્મદા નદી પાસેથી યુવકનું બાઈક મળ્યું
કરજણનો ગુમ થનાર હિતેશ વાળંદ નામના યુવકે વ્યાજ આપવાનું બંધ કરતાં ધારાસભ્ય તરફથી ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. નર્મદા નદી પાસે યુવાન હિતેશ વાળંદનું બાઈક મળ્યું છે. કરજણ પોલીસે યુવાનની નદીમાં તપાસ કરી છે, પણ હજી સુધી હિતેશ વાળંદનો મૃતદેહ મળ્યો નથી.
હિતેશ વાળંદે ચીઠ્ઠીમાં લખ્યું કે...
હું હિતેશભાઇ જાતે આ ત્રાસ લખીને આપું છે. આજથી મારી જિંદગીમાંથી મુક્ત થાઉં છું. એનું કારણ છે કે આજે લોકોએ મારી પર ખૂબ દબાણ કર્યું છે. કોરોનાના કારણે બે માસથી મારો ધંધો બંધ થયો હતો. તેથી હું વ્યાજ નથી આપી શકતો., પણ કોને ખબર બધા મારા જેવા સીધા માણસને હેરાન કેમ કરવા લાગ્યા. આજે લોકોને મેં વ્યાજ આપ્યું ત્યાં સુધી ત્રાસ ના આપ્યો અને હવે ધંધો બંધ થયો ત્યારે મને ગમે તેમ ત્રાસ આપે છે. હવે મારાથી બદનામી સહન નહિ થાય. હું મારા જીવનનો ત્યાગ કરું છું. આ લોકોના ત્રાસથી જેમનાં નામ લખું છે એ જવાબદાર છે. મુકેશભાઇ રણછોડ લીલોડ, કેયૂરભાઇ મુકેશભાઇ લીલોડ, પટ્ટભાઇ અશોકભાઇ લીલોડ, મિલનભાઇ ભરૂચ, પ્રેસવાળા-રાજુભાઇ વેમરડી આ લોકોના ટોર્ચરથી હું આત્મહત્યા કરવા મજૂર થયો છું એમાં જે લોકોએ મારી ઇજજત બગાડી એમના નામ પણ આપું છું મોસીનભાઇ રસીદભાઇ લીલોડ, ફેજુદ્દીન રસુલભાઇ નકુમ લીલોડ, રફિકભાઇ નકુમ લીલોડ, નાગજીભાઇ પટેલ લીલોડ, આ બધું કામ મને ખબર છે કોણે કરાવ્યું ખાસ મેઇન વ્યક્તિ છે, અક્ષય પટેલ લીલોડ, રૂષી પટેલ લીલોડ, હું આજથી નદીમાં કૂદીને મારી આત્મહત્યા કરું છું, જેના જવાબદાર આ બધા જ હશે... આવું કોઇ સીધી વ્યકિત જોડે ના થાય એ માટે તમે કડક પગલાં લેવા વિનંતી. જય શ્રી રામ. નર્મદે હર હર નર્મદા. હું પોતે લિ.હિતેશભાઇ એન.વાળંદ આજથી આત્મહત્યા કરું છે.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં થશે મોટા પરિવર્તન, સંગઠનના જૂના ચહેરા બદલાશે
હું હિતેશ વાળંદને એક વર્ષથી નથી મળ્યો - અક્ષય પટેલ
તો બીજી તરફ, આ ઘટના મામલે ધારાસભ્ય અક્ષય પટેલે કહ્યુ કે, ગુમ થનાર યુવાન હિતેશ વાળંદને તેઓ છેલ્લા એક વર્ષથી નથી મળ્યા. યુવાન સાથે પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી. યુવાને કેમ ખોટા ખોટા નામો લખ્યા તે પોલીસ તપાસનો વિષય છે. મારી સાથે રાજકીય કિન્નાખોરી રાખીને નામ લખાયું હોય પોલીસ ફરિયાદમાં તેવી શક્યતા છે. છેલ્લાં એક-દોઢ વર્ષમાં મળ્યા નથી અને કોઇ નાણાકીય લેવડ-દેવડ કરી નથી. ગુજરાત પોલીસ પર મને વિશ્વાસ છે. યોગ્ય તપાસ કરશે. મારા નામનો કોના કહેવાથી ઉલ્લેખ કરવામાં આવ્યો તેની પણ તપાસ થવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે