અમૂલ ફરી એકવાર આમૂલ પરિવર્તનની દિશાએ... પર્યાવરણને બચાવવા અનેક નવા પ્રોજેક્ટ લઈ આવ્યું

World Environment Day : અમૂલ થકી શ્વેત ક્રાંતિંની જેમ હવે ગેસ ક્રાંતિ માટેનાં પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં ખેડૂત દૂધ ઉત્પાદનની જેમ બાયોગેસનું પણ ઉત્પાદન કરી તેને એક નાના બલુનમાં ભેગો કરીને ગામમાં જ બાયોગેસનું ઉત્પાદન કરી ગેસનાં વેચાણ થકી પણ પોતાની આર્થિક આવકમાં વધારો કરી શકશે

અમૂલ ફરી એકવાર આમૂલ પરિવર્તનની દિશાએ... પર્યાવરણને બચાવવા અનેક નવા પ્રોજેક્ટ લઈ આવ્યું

બુરહાન પઠાણ/આણંદ :આજે સમગ્ર વિશ્વ પર ગ્લોબલ વોર્મિંગનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે પર્યાવરણને બચાવવા માટે આણંદની અમૂલ દ્વારા સહકારી ક્ષેત્રે પહેલ કરવામાં આવી છે, અને વરસાદી પાણીને જમીનમાં ઉતારવા, બાયોગેસ, ઓર્ગેનિક ખાતર, સોલાર સિસ્ટમ સહિત અનેક ક્ષેત્રે અમૂલ દ્વારા પર્યાવરણ બચાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આજે રાસાયણિક ખાતરનાં સતત થતા ઉપયોગનાં કારણે જમીનની ફળદ્રુપતા સતત ધટી રહી છે, અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે અમૂલ દ્વારા ખેડૂતો માટે ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. જેથી ખેડુતોને ગુણવત્તાસભર ઓર્ગેનિક ખાતર મળી રહે અને ખેડુતો ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા બચાવી શકે. આ માટે અમૂલ દ્વારા સતત ખેડુતોમાં પણ જાગૃતિ લાવવામાં આવી રહી છે.

અમૂલનાં મોગર ખાતે આવેલા ફાર્મ ખાતે પશુઓનાં છાણ મુત્રમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવા માટેનો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. જ્યાં દૈનિક 14 થી 16 કિલો બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, અને આ બાયોગેસને બલુનમાં સંગ્રહ કરવામાં આવે છે, અને ટેન્ક બલુનમાં ભરીને તેને કેન્ટીન ખાતે લઈ જવામાં આવે છે. જ્યાં કેન્ટીનમાં દૈનિક 50 કિલો ગેસની જરૂરિયાત સામે 16 કિલો ગેસ અમૂલનાં પ્લાન્ટમાંથી જ મળી રહે છે. તેમજ ફાર્મમાં કામ કરતા કર્મચારીઓનાં રૂમમાં પણ પાઈપલાઈન દ્વારા બાયોગેસ આપવામાં આવે છે. જેથી તેઓ પણ ધરવપરાશમાં આ ગેસનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત અમૂલ ડેરીનાં પ્લાન્ટ ખાતે પણ કેન્ટીનમાંથી દૈનિક ધોરણે નીકળતો વેસ્ટેજ પણ બાયોગેસ પ્લાન્ટમાં નાંખી તેમાંથી બાયોગેસનું ઉત્પાદન કરીને તેને કેન્ટીનમાં વાપરવામાં આવી રહ્યો છે.

અમૂલનાં મોગર ખાતેનાં ચોકલેટ પ્લાન્ટ ખાતે પર્યાવરણ અને ઉર્જા બચાવવા દેશનો સૌ પ્રથમ 72 ટી.આર (ટન રેફ્રીજરેશન)નો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, જેથી ચોકલેટ પ્લાન્ટને ઠંડો રાખવા માટે આ સોલાર ઉર્જાનો ઉપયોગ કરાય છે. જેનાથી દૈનિક 200 થી 225 યુનીટ વીજળીની બચત થાય છે. એટલે કે માસિક સાત હજાર યુનિટ વીજળીની બચત થતા વર્ષે વીજબીલમાં લાખો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે.

હાલમાં જ્યારે જમીનમાં જળસ્તર સતત નીચે જઈ રહ્યા છે, અને આગામી વર્ષોમાં પીવાનાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવો ભય રહેલો છે, ત્યારે આવનારી પેઢીને પીવાનાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડે નહી તે માટે અમૂલ ડેરી ખાતે તેમજ જુદા જુદા પ્લાન્ટમાં ચોમાસામાં વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે 75 થી વધુ વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. જેથી વરસાદી પાણીની રીચાર્જ કુવા દ્વારા જમીનમાં ઉતારીને જમીનમાં પાણીનાં સ્તર ઉંચા લાવી શકાય.

અમૂલનાં ચેરમેન રામસિંહ પરમાર અને મેનેજિંગ ડિરેકટર અમિત વ્યાસ દ્વારા અમૂલ થકી શ્વેત ક્રાંતિંની જેમ હવે ગેસ ક્રાંતિ માટેનાં પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં ખેડૂત દૂધ ઉત્પાદનની જેમ બાયોગેસનું પણ ઉત્પાદન કરી તેને એક નાના બલુનમાં ભેગો કરીને ગામમાં જ બાયોગેસનું ઉત્પાદન કરી ગેસનાં વેચાણ થકી પણ પોતાની આર્થિક આવકમાં વધારો કરી શકશે. જેનાથી ખેડૂતો વેસ્ટેજ તેમજ છાણ મૂત્રમાંથી બાયોગેસનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરી શકશે. તેમજ બાયોગેસ બાદ વધેલા વેસ્ટેજનો ખાતર તરીકે ઉપયોગ કરી શકશે. આમ અમૂલ દ્વારા પર્યાવરણ બચાવવા ક્ષેત્રે વિવિધ પ્રયાસો અને સંશોધનો કરવામાં આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news