પત્નીએ 9 વર્ષની દિકરી પર દુષ્કર્મ ગુજારી રહેલા નરાધમ પતિને રંગેહાથ ઝડપ્યો

પિતાએ દીકરીને ધમકી આપી હતી કે જો આ બાબત અંગે કોઈને જાણ કરી તો તે તેની હત્યા કરી નાખશે. ત્યાર પછી પિતા જ્યારે પણ તક મળે ત્યારે દીકરી પર આવું નરાધમ કૃત્ય કરતો હતો. 
 

પત્નીએ 9 વર્ષની દિકરી પર દુષ્કર્મ ગુજારી રહેલા નરાધમ પતિને રંગેહાથ ઝડપ્યો

શરદકુમાર/ડીએનએ(અમદાવાદ): અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટનામાં પોલીસે છેલ્લા ચાર મહિનાથી પોતાની જ 9 વર્ષની ફુલ જેવી કોમળ દીકરી પર દુષ્કર્મ ગુજારતા એક 32 વર્ષિય પિતાની ધરપકડ કરી છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પોતાના જ ઘરમાં દીકરી પર બળાત્કાર ગુજારી રહેલા પતિને પત્નીએ રંગેહાથ ઝડપી લીધો. આ ઘટના પછી પત્નીએ પોતાના નરાધમ પતિ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રીક્ષાચાલક છે અને વટવામાં પોતાના પરિવાર સાથે રહે છે. આ ઘટના શનિવારની છે, જ્યારે તેની પત્ની કોઈ કામ માટે ઘરની બહાર ગઈ હતી, જ્યારે આરોપી અને તેની દીકરી ઘરમાં એકલા હતા. તકનો લાભ લઈને આરોપી પોતાની દીકરીને રૂમમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું. જોકે, આ દરમિયાન જ બહાર ગયેલી પત્ની ઘરે પાછી આવી ત્યારે તેણે આવું જઘન્ય કૃત્ય કરતાં તેના પતિને જોઈ લીધો હતો. 

પતિને આવું કૃત્ય કરતાં જોઈ ગયેલી પત્નીએ ગુસ્સે થઈને પતિને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. દીકરીને નરાધમ પિતાની ચુંગાલમાંથી છોડાવીને પત્ની તેના પિયર જતી રહી હતી. આ અંગે જ્યારે માતાએ દીકરીને પુછ્યું તો, દીકરીએ જણાવ્યું કે, ચાર મહિના પહેલા તેના પિતાએ તેના પર આ નરાધમ કૃત્ય ગુજારવાનું શરૂ કર્યું હતું. પિતાએ દીકરીને ધમકી આપી હતી કે જો આ બાબત અંગે કોઈને જાણ કરી તો તે તેની હત્યા કરી નાખશે. ત્યાર પછી પિતા જ્યારે પણ તક મળે ત્યારે દીકરી પર આવું નરાધમ કૃત્ય કરતો હતો. 

ઘટના અંગે વટવા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એચ.વી. સિસારાએ જણાવ્યું કે, "પિતાની ધમકીઓથી ડરી ગયેલી બાળકીએ ઘરમાં કોઈને વાત કરી ન હતી અને પિતાનો જુલમ સહન કરતી રહેતી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, સગીર બાળકી પર જ્યારે પણ ઘરમાં એકલી હોય ત્યારે નરાધમ પિતાએ અનેક વખત તેના પર બળાત્કાર ગુજાર્યો છે."

આ અંગે બાળકીની માતાએ રવિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. આરોપીની રવિવારે જ ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સામે આઈપીસીની ધારા 376(2), 376(AB), 377 અને પોસ્કો એક્ટની ધારા 3(A),4,5(C), 6 અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. પોલીસ ઘટનામાં વધુ તપાસ કરી રહી છે. 
  
જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news