ગાયના હુમલામાં ઘાયલ થયા બાદ નીતિન કાકાએ શું કહ્યું, જાણો

 Har Ghar Tiranga : મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે લીધા, તિરંગા યાત્રા દરમ્યાન કરણપુર શાક માર્કેટમાં બની ઘટના, ઢીંચણના ભાગે ઇજા પહોંચતા નીતિન પટેલ હોસ્પિટલમાં સારવાર લઈ ઘરે પરત ફર્યા 

ગાયના હુમલામાં ઘાયલ થયા બાદ નીતિન કાકાએ શું કહ્યું, જાણો

મહેસાણા :મહેસાણાના કડીમાં તિરંગા યાત્રા દરમિયાન એક અનિચ્છનીય ઘટના બની. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કાર્યકરો અને આગેવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા, ત્યારે અચાનક દોડતી આવેલી એક ગાય ભીડમાં ઘૂસી ગઈ, ગાયે નીતિન પટેલ સહિત કેટલાક લોકોને અડફેટે લીધા. ગાયની ટક્કર વાગતા નીતિન પટેલ રસ્તા પર પટકાયા. તેમને ઢીંચણના ભાગે ઈજા પહોંચી, અફરા તફરી મચી ગઈ. આ પરિસ્થિતિમાં પણ નીતિન પટેલે તિરંગાનું માન જાળવ્યું. તેમણે તિરંગો પકડી રાખ્યો અને તેને જમીન સાથે સ્પર્શવા ન દીધો. ઘૂંટણના ભાગે ઈજા થતા નીતિન પટેલને તુરંત કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા, જ્યાં સારવાર લીધા બાદ તેઓ પોતાના નિવાસ સ્થાને જવા રવાના થયા હતા. ઈજાને કારણે તેમને ચાલવામાં તકલીફ પડી રહી છે, જેને જોતાં તબીબીઓ તેમને થોડા સમય સુધી આરામ કરવાની સલાહ આપી છે. 

ઘટના બાદ ઈજાગ્રસ્ત નીતિન પટેલે કહ્યું કે, આજે કડીમાં ભાજપની તિરંગાયાત્રા હતી. શહેરના 70 ટકા વિસ્તારમાં રેલી ફરી હતી. ત્યાં અચાનક ગાય દોડતી આવી હતી અને ટોળામાં ઘુસી ગઈ હતી. દોડાદોડમાં ઘસારો મારા પર આવ્યો અને હું નીચે પડી ગયો. મારા સિવાય પણ ચાર પાંચ લોકો પર પટકાયા હતા. જોકે તરત જ આજુબાજુના કાર્યકરોએ અને પોલીસે મને ઘેરી લીધો અને ગાયને બાજુમાં કરી હતી. તે સમયે ઉભા થવામાં મને તકલીફ લાગતી હતી. તેથી હું તાત્કાલિ હોસ્પિટલ ગયો હતો. હોસ્પિટલમાં પગનો એક્સ રે કરાવ્યો તેમાં ઢીંચણના ક્રેક દેખાઈ છે. સિટી સ્કેન કરાવતા ડોક્ટરે 20 દિવસનો આરામ કરવા સૂચવ્યું છે. 

તો રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યા વિશે તેમણએ કહ્યું કે, રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન ચિંતિત છે, આજની યાત્રામાં ગાય ક્યાંથી આવી તે ખ્યાલ નથી. હાલના તબક્કે ગૌચરનો અને રખડતા ઢોરનો પ્રશ્ન ઉચિત નથી. આવા બનાવો બનતા રહેતા હોય છે. પણ આવા બનાવો સ્વાભાવિક ઘટના છે. લાખો પશુઘનમાંથી કઈ ગાય ક્યાં ભટકાય એ નક્કી નહિ. શહેર-ગામ કે રસ્તા પર શું બને એ નક્કી ન હોય. પશુધનને નિયંત્રણમાં રાખવું શક્ય નથી. રખડતાં ઢોરને નિયંત્રણમાં રાખવા જરૂરી છે. 

રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ લાંબા સમયથી યથાવત છે. આજે કડીમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે લેતા તેમને હેરલાઈન ફ્રેક્ચર થયું છે. કડીમાં તિરંગાયાત્રા દરમિયાન આ ઘટના બની. આ પહેલા પણ કડીમાં શાળાએ જતા વિદ્યાર્થીને ઢોરે અડફેટે લેતા તેને ઈજાઓ થઈ હતી. ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ ઢોરનો ત્રાસ જોવા મળે છે. પાટણમાં ભરબજારે આખલા યુદ્ધ ચડ્યા અને અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું. આખાલના યુદ્ધના કારણે વાહનના માલિકોને હજારો રૂપિયાનું નુકસાન થયું છે. આવા જ દ્રશ્યો રાજકોટના ધોરાજીથી સામે આવ્યા. જ્યા ભરબજારે 3-3 આખલા યુદ્ધે ચડ્યા અને આસપાસથી પસાર થતા લોકોના જીવ ઊંચા કરી દીધા. તો પંચમહાલમાં પણ ભરબજારે આખલા .યુદ્ધ ચડ્યા અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા. આવા તો અનેક કિસ્સાઓ છે. સવાલ એ છે કે, આખરે આ આખલાઓથી કે રખડતાં ઢોરના આતંકથી આઝાદી ક્યારે મળશે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news