લોકોના ખિસ્સા ખાલી કરાવશે આ મોંઘવારી, અમદાવાદમાં આસમાને પહોંચ્યા શાકભાજીના ભાવ, જનતા પરેશાન
Increase in prices of vegetables: ચોમાસામાં પડેલા ભારે વરસાદ બાદ સામાન્ય રીતે શાકભાજીના ભાવ વધી જાય છે, તેની સાથે ગૃહિણીઓની ચિંતા પણ વધી જાય છે. શાકભાજીના વધતા ભાવે વિખેર્યુ ગૃહિણીઓનું બજેટ...
Trending Photos
સપના શર્મા, અમદાવાદઃ મોંઘવારીથી ત્રસ્ત જનતાની મુશ્કેલી સતત વધી રહી છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. હવે અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. રસોડામાં સ્વાદ વધારતી દરેક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં સસ્તો વધારો થઈ રહ્યો છે. શાકભાજીના ભાવ વધતા લોકો શાકવગર ખાવા માટે મજબૂર બન્યાં છે. ગરીબો અને સામાન્ય લોકોની સ્થિતિ તો વધુ ખરાબ થઈ ગઈ છે.
આસમાને પહોંચ્યા શાકભાજીના ભાવ
રાજ્યમાં ઓગસ્ટના અંતમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ સતત વધી રહ્યાં છે. જીવનજરૂરી વસ્તુના ભાવ વધવાને કારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો લીલા મરચાનો ભાવ 100થી 120 રૂપિયા કિલો પહોંચી ગયો છે. લસણ તો 400 રૂપિયા કિલો મળી રહ્યું છે. આદુનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ સિવાય ગુવાર 80-100 રૂપિયા, કંડોળા 140-160 રૂપિયા, ફણસી 140-160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે.
ધાણાનો ભાવ 240થી 260 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ચોળી અને ટિંડોળાનો ભાવ 100 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. ફ્લાવરે પણ સદી ફટકારી દીધી છે. ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીનો ભાવ 60 રૂપિયા થઈ ગયો છે. આ સિવાય ભીંડો, ટામેટા, બટાટા સહિત અનેક વસ્તુઓના ભાવમાં ખુબ વધારો થયો છે.
અમદાવાદમાં શાકભાજીના ભાવ
લસણ- 400 રૂપિયા કિલો
લીલા મરચા- 100થી 120 રૂપિયા કિલો
આદુ- 200 રૂપિયા કિલો
ધાણા- 240થી 260 રૂપિયા કિલો
ગુવાર- 80થી 100 રૂપિયા કિલો
કંટોળા- 140થી 160 રૂપિયા કિલો
ફ્લાવર 120થી 140 રૂપિયા કિલો
ડુંગળી 60 રૂપિયા કિલો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે