'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજનાના લીરેલીરા, વલસાડમાં દીકરીઓ કરી રહી છે શાળાની સફાઈ

વલસાડ જિલ્લામાં વરસાદ દરમિયાન શાળાના ક્લાસરૂમમાં ભરાઈ જતા પાણીના નિકાલનું કામ ભણવા આવતી દીકરીઓ પાસે કરાવાતું હોવાનો વીડિયો વાયરલ થતાં હોબાળો 
 

'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજનાના લીરેલીરા, વલસાડમાં દીકરીઓ કરી રહી છે શાળાની સફાઈ

વલસાડઃ વલસાડ જિલ્લામાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ પાસે સફાઈનું અને શાળાના સમારકામનું કામ કરાવાતું હોવાના બે જુદા-જુદા વીડિયો શુક્રવારે વાયરલ થયા હતા. નાની દીકરીઓ ક્લાસરૂમમાંથી પાણી કાઢવાનું કામ કરતી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ જોતાં સરકારની 'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજનાના લીરેલીરા ઉડી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. 

એક તરફ સરકાર મોટા ઉપાડે 'બેટી બચાઓ, બેટી પઢાઓ'ના નારા સાથે દીકરીઓના શિક્ષણ પર ભાર મુકી રહી છે. દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર જાત-જાતનાં પગલાં ભરી રહી છે, પરંતુ તેની સામે વાસ્તવિક્તા કંઈક જુદી જ છે. સ્કૂલમાં ભણવા જતી દીકરીઓ પાસે શિક્ષકો દ્વારા કામ કરાવાતું હોવાના વીડિયો અવાર-નવાર બહાર આવતાં રહે છે. આવી સ્થિતિમાં ક્યાંથી ભણશે ગુજરાત?

વલસાડ જિલ્લાના સરીગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા, ભંડારવાડા-સરીગામનો એક વીડિયો શુક્રવારે વારયલ થયો હતો. જેમાં વરસાદના કારણે ક્લાસરૂમમાં ભરાઈ ગયેલા પાણી બહાર કાઢવાનું અને ક્લાસરૂમની સફાઈનું કામ શાળામાં અભ્યાસ કરવા આવેલી નાની-નાની દીકરીઓ પાસે કરાવાઈ રહ્યું છે. આ દીકરીઓને જ્યારે પુછ્યું કે, તમારે ત્યાં સફાઈ કરવા કોઈ કર્મચારી આવતા નથી, ત્યારી દીકરીઓએ ના પાડી હતા. તેમને પુછ્યું કે, તમે આ કામ દરરોજ કરો છો તો દીકરીઓએ હા પાડી હતી. 

આવો જ એક બીજો વીડિયો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામનો બહાર આવ્યો છે. જેમાં બાળકો પાસે શાળાની છત પર ચડીને નળિયાં ગોઠવવાનું અને તાડપત્રી સરખી કરવાનું જોખમી કામ કરાવાઈ રહ્યું છે. વળી બાળકો જ્યારે આ કામ કરી રહ્યા છે ત્યારે તેમની દેખરેખ રાખનાર કોઈ વ્યક્તિ પણ નજરે ચડતી નથી. ગામના લોકો એ સવાલ પુછી રહ્યા હતા કે, શું અમે બાળકોને શાળામાં નળિયા ગોઠવવા માટે મોકલીએ છીએ? આ અંગે શાળા સંચાલકોએ કોઈ જવાબ આપ્યો ન હતો. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news