તાંત્રિકના ચક્કરમાં ફસાતા પહેલા ચેતજો! વિધિનો ડોળ કરી મહિલાને નિર્વસ્ત્ર કરી, પછી માણ્યું શરીરસુખ

આટલેથી ન અટકતા ઢોંગી તાંત્રિક કશ્યપ રામાનુજ દ્વારા મહિલાને બદનામ કરવાની ધમકીઓ આપી ચાર ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી ભોગ બનનાર મહિલા પોલીસ પાસે ન્યાય માટે જતા પોલીસ દ્વારા ત્રણ દિવસ સુધી મહિલાને ધક્કા ખવડાવવામાં આવ્યા હતા.

તાંત્રિકના ચક્કરમાં ફસાતા પહેલા ચેતજો! વિધિનો ડોળ કરી મહિલાને નિર્વસ્ત્ર કરી, પછી માણ્યું શરીરસુખ

હાર્દિક દીક્ષિત/વડોદરા: આમ તો વડોદરા શહેર પોલીસના વખાણ ભાગ્યે જ તમે સાંભળ્યા હશે. તેવામાં વધુ એક વિવાદનું મોર પિંછ ગોત્રી પોલીસે ઉમેર્યું છે. શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તાંત્રિકનો ભોગ બનેલા કેટલાક નિર્દોષ નાગરિકોને પોલીસની ગેરવર્તણૂકનો કડવો અનુભવ થયો છે.

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો કશ્યપ રામાનુજ નામના ઈસમે પોતે તાંત્રિક હોવાની ઓળખ આપી એક મહિલા સાથે ચાર ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો એક મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલાના જણાવ્યા અનુસાર કશ્યપ દ્વારા તાંત્રિક વિધિના સહારે સારા વ્યવસાયમાં સેટ કરી આપવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ કશ્યપ રામાનુજે તાંત્રિક વિધિનો ડોળ કરી ભોગ બનનાર મહિલાને નિર્વસ્ત્ર કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા ઢોંગી તાંત્રિક કશ્યપ રામાનુજ દ્વારા મહિલાને બદનામ કરવાની ધમકીઓ આપી ચાર ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી ભોગ બનનાર મહિલા પોલીસ પાસે ન્યાય માટે જતા પોલીસ દ્વારા ત્રણ દિવસ સુધી મહિલાને ધક્કા ખવડાવવામાં આવ્યા હતા.

ઢોંગી તાંત્રિક કશ્યપ એ એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી સામે આવતા શારીરિક અડપલાનો ભોગ બનનાર અન્ય મહિલાઓ પણ હિંમત જૂટવી પોલીસ સમક્ષ ન્યાય માટે પહોંચી હતી. તેવામાં ગોત્રી પોલીસ દ્વારા ભોગ મહિલાઓ સહિત તાંત્રિક થકી છેતરપિંડીનો ભોગ બનનાર એક પુરુષ ફરિયાદી સાથે ગેરવર્તણૂંક કરી સવારથી રાત સુધી ફરિયાદ લેવાને બદલે પોલીસ સ્ટેશન બહાર જ બેસાડી રાખવામાં આવ્યા હતા. હદ તો ત્યારે થઈ કે જ્યારે મીડિયા દ્વારા દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાનું નિવેદન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારે ગોત્રી પોલીસ સ્ટેશનના જાંબાઝ સ્ટાફ દ્વારા મીડિયા સમક્ષ સમગ્ર ઘટના અંગે પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોત્રી પોલીસ દ્વારા ફરિયાદીને ઇનવે કેબિનમાં બંધ કરી કેબિન અંદરથી બંધ કરી દેવામાં આવી હતી.

સવારથી રાત સુધી પોલીસે અન્ય ભોગ બનનાર નિર્દોષ નાગરિકોની ફરિયાદ ન લેતા પોતાના નાના બાળકો સાથે આવેલી મહિલા સહિત અન્ય બે ફરિયાદી રોષે ભરાયા હતા. દુષ્કર્મનો ભોગ બનનાર મહિલા ફરિયાદીને પોલીસે ઈનવે કેબિનમાં બેસાડી દરવાજો અંદરથી લોક કરી દેવાતા ગોત્રી પોલીસના પાપે સવારથી પરેશાન થઈ રહેલા અન્ય ભોગ બનનાર મહિલાઓ દ્વારા કેબિનનો દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો. છતાં ખાખીના નશામાં ધૂત એક મહિલા PSI સહિત કેબિનમાં હાજર અન્ય બે પોલીસ કર્મીઓએ કેબિનનો દરવાજો નહોતો ખોલ્યો.

ગોત્રી પોલીસના આ પ્રકારના વર્તનના કારણે તાંત્રિકનો ભોગ બનેલા નાગરિકો ડઘાઈ ગયા હતા અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફરિયાદ લેવી તો ઠીક ગોત્રી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી દ્વારા યોગ્ય જવાબ સુધ્ધા આપવામાં નથી આવતો. જ્યારે પોલીસ સમક્ષ રજૂઆત કરવા માટે જઈએ ત્યારે ગોત્રી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અમારી સાથે આરોપીઓ જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. સવારથી નાના બાળક સાથે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે બેઠા છીએ. છતાં પોલીસે અમારી વ્યથા સાંભળવાની તસદી સુધ્ધા લીધી નથી. ગોત્રી પોલીસના આ પ્રકારના દુર્વ્યવહારના કારણે કાયદો અને વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

ઉલ્લેખનીય છે કે ગોત્રી પોલીસ દ્વારા સવારથી જ ઢોંગી તાંત્રિક કશ્યપ રામાનુજને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ભોગ બનનાર નાગરિકો પણ સવારથી ફરિયાદ આપવામાં માટે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા છતાં ગોત્રી પોલીસ દ્વારા ભોગ બનનાર નાગરિકોની ફરિયાદ લેવામાં આવી નહોતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટના મીડિયાથી પણ છુપાવવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત ગોત્રી પોલીસના પાપે શહેર પોલીસની કાર્ય પદ્ધતિ શંકાના ઘેરામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news