વડોદરાના સામૂહિક આપઘાત કેસમાં લાખો ખંખેરનારા જ્યોતિષીઓના નામ ખૂલ્યા

વડોદરાના સામૂહિક આપઘાત કેસમાં લાખો ખંખેરનારા જ્યોતિષીઓના નામ ખૂલ્યા
  • સોની પરિવારે કેટકેટલા જ્યોતિષીઓને રૂપિયા આપ્યા તે લિસ્ટ જાણીને તો પોલીસ પણ ચોંકી ઉઠી 
  • સોની પરિવાર પુષ્કરમાં દર્શન કરવા ગયો હતો, ત્યાં પણ જ્યોતિષને 4 લાખ આપ્યા હતા
  • અમદાવાદના જ્યોતિષ પ્રહલાદ જોશીએ 2 લાખ પડાવ્યા હતા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના સોની પરિવારના 6 સભ્યોના આપઘતાના પ્રયાસનો મામલામાં આપઘાતનો પ્રયાસ કરનાર ભાવિન સોનીએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જ્યોતિષીઓએ 35 લાખ પડાવ્યાનો આરોપ ભાવિન સોનીએ લગાવ્યો છે. જેમાં હવે કયા કયા જ્યોતિષીઓએ રૂપિયા પડાવ્યા તેમના નામ ભાવિને આપ્યા છે. ત્યારે પોલીસે આ જ્યોતિષીઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સોની પરિવારે કેટકેટલા જ્યોતિષીઓને રૂપિયા આપ્યા તે લિસ્ટ જાણીને તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

40 લાખનું મકાન વેચવાના ચક્કરમાં 45 લાખનું દેવુ થયું 
વડોદરા સામુહિત આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાવિન સોલંકીએ આપેલા નિવેદનમાં દેવાના ડુંગરમાં દબાઈ જતા સામુહિક આપઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં નરેન્દ્ર સોની ઘણા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. આવક ઓછી હોવાથી તેમણે પોતાના મકાન પર અંદાજે 45 લાખની લોન અને વેચાણ પેટે મેળવ્યા હતા. પરંતુ તેમના મકાન પર પહેલાથી જ 15 લાખની લોન લીધેલી હોવાથી જેને મકાન વેચ્યું તેમના નામે દસ્તાવેજ ન કરી શક્યા. જેના લીધે સતત તણાવ વધતો ગયો અને ભાડાના મકાનમાં રહેવા મજબુર બન્યા હતા. સાથે ભાવિન સોનીએ જણાવ્યું કે, સ્વાતિ સોસાયટીના માલિકીનું મકાન 40 લાખમાં વેચવાના ચક્કરમાં 45 લાખનું દેવું થઈ ગયું હતું. જેમાંથી બહાર નીકળવા માટે મકાન વિધિ કરાવવાનું કહી 9 જેટલા જ્યોતિષીઓએ 32 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેથી મુક્તિના બદલે દેવું વધી ગયું હતું અને તેના જ કારણે આપઘાતનો નિર્ણય કર્યો હતો.

કયા કયા જ્યોતિષીઓએ કેટલા રૂપિયા પડાવ્યા 
ભાવિને પોલીસને કેટલાક જ્યોતિષીઓનું નામ આપ્યું છે. જેમાં ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષ હેમંત જોશીનું નામ ખૂલ્યું છે. હેમંત જોશીએ અમદાવાદના જ્યોતિષ સ્વરાજ જોશી સાથે નરેન્દ્ર સોનીનો ભેટો કરાવ્યો હતો. બંનેએ મળીને સોની પરિવાર પાસેથી 13.50 લાખ ખંખેર્યા હતા. તો અમદાવાદના જ્યોતિષ પ્રહલાદ જોશીએ 2 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના રાણીપમાં રહેતા જ્યોતિષ સમીર જોશીએ 5 લાખ પડાવ્યા હતા. આ વચ્ચે સોની પરિવાર પુષ્કરમાં દર્શન કરવા ગયો હતો, ત્યાં પણ જ્યોતિષને 4 લાખ આપ્યા હતા. અહીં હૃદય ચીરી દે તેવી વાત તો એ છે કે, પરિવાર પુષ્કરમાં જ્યોતિષ વિધિ કરવા જાય તે પહેલાનો મોતને ગળે લગાવ્યું હતું. તો વડોદરાના પાણીગેટ આયુર્વેદિક ચાર રસ્તા પાસે રહેતા જ્યોતિષ સાહિલ વોરાએ તંત્રમંત્રના નામે સોની પરિવાર પાસેથી 3.50 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના જ્યોતિષ વિજય જોશી અને અલ્કેશે મળી 4.50 લાખ પડાવ્યા હતા. આમ, આતમામ જ્યોતિષીઓએ સોની પરિવારને વિશ્વાસમાં લઈ વાસ્તુદોષ કરાવવાના બહાને 35 લાખ પડાવ્યા હતા. 

પોલીસની લોકોને અપીલ, લોકો બુદ્ધિનો ઉપયોગ કરી નિર્ણય લે 
સામૂહિક હત્યાકાંડ મામલે વડોદરાની ડીસીપી ઝોન 4ના લખધીર સિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું કે, ભાવિનનું નિવેદન લેવાયું છે. 2018 માં સોની પરિવારે 40 લાખમાં મકાન વેચવા જાહેરાત આપી હતી. તેના બાદ હેમંત જોશી જ્યોતિષનો 2019 માં સંપર્ક થયો હતો. આ બાદ તેમણે 23 લાખની બેંક પાસેથી લોન લીધી હતી. આ સાથે જ વડોદરા પોલીસે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી કે, લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી નિર્ણય કરે. કોઈ જ્યોતિષે છેતરપિંડી કરી હોય તો પોલીસનો સંપર્ક કરો. ભાવિન સોનીએ પોલીસ સમક્ષ આપઘાતના પ્રયાસ બદલ અફસોસ વ્યક્ત કર્યો છે. હાલ સારવાર લઈ રહેલી બે મહિલાઓની હાલત ગંભીર છે. 
 

Vadodara: સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં સામે આવ્યું જ્યોતિષી કનેક્શન, 4 પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી

4 પાનાની સ્યૂસાઈડ નોટ મૂકીને પરિવારે મોત વ્હાલુ કર્યું 
વડોદરા સામુહિક આત્મહત્યા કેસમાં પુત્ર ભાવિનનું પોલીસે ગઈકાલે નિવેદન લીધું હતું. મેજિસ્ટ્રેટની હાજરીમાં નિવેદન લેવાયું હતું. સામૂહિક આપઘાત પહેલા સોની પરિવારે સ્યુસાઇડ નોટ લખી હતી. સોની પરિવાર પાસેથી 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી છે. હાલ પોલીસે સ્યુસાઇડ નોટને એફએસએલમાં મોકલી છે. 

સોની પરિવારે બધી દિશામાં ઘોડા દોડાવ્યા, છતાં આર્થિક ભીંસમાં સપડાયા 
શહેરના સમા વિસ્તારમાં સાંજના સમયે બનેલી ઘટના સૌ કોઇને હચમચાવી નાખનાર દુખઃદ ઘટના છે. આર્થિક ભીંસમાં આવી ગયેલા એક જ પરિવારના 6 સભ્યોએ જીવનનો અંત લાવવાનુ નક્કી કર્યું અને કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા મેળવી ગટગટાવી લીધી હતી. ત્યાર બાદ પરિવારના જ એક સભ્યએ પોલીસ ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી. શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોની પ્લાસ્ટીકની સમગ્રીનો વેપાર કરતા હતા. છેલ્લા એક દોઢ વર્ષથી ધંધામાં આર્થિક મંદી આવતા ઠપ્પ થઇ ગયો હતો. ધંધામાં મંદીના કારણે આખુ પરિવાર આર્થિક ભીંસમાં આવી ગયુ હતુ. નરેન્દ્રભાઇનો પુત્ર ભાવીન કોમ્પ્યૂટરનો જાણકાર હોવાથી તે રિપેરીંગ સહિત અન્ય કોમ્પ્યૂટરનુ કામ કરતો હતો. તેવામાં પરિવારે આર્થિક સંક્રમણમાંથી બહાર નિકળવા માટે પોતાનુ મકાન પણ વેચવા માટે કાઢી નાખ્યું હતુ. જોકે કોઇ કારણોસર તે મકાનનો થયેલો સોદો પણ કેન્સલ કરવો પડ્યો હતો.

સામૂહિક આપઘાત કેસ : નરેન્દ્રભાઈના મૃતદેહ પાસે ફોન રણકતો રહ્યો, ભાનમાં આવ્યા બાદ પુત્રવધુ ઉર્વીએ પોતાના જ ગાલ પર લાફા માર્યાં

આ રીતે કોલ્ડ ડ્રિંકમાં ઝેરી દવા મેળવી ગટગટાવી
ચારેતરફથી ભીંસમાં મૂકાયેલા સોની પરિવારના માસૂમ બાળક સહિત 6 સભ્યોએ કોલ્ડ ડ્રિંક ઝેરી દવા મેળવી જીવનનો અંત લાવવાનુ નક્કી કરી લીધું હતું. આ દરમિયાન બુધવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ સોની પરિવારના 6 સભ્યોએ કોલ્ડ ડ્રિંક્સમાં મેળવેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ ઘરના એક મોભીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું “અમે બધાએ ઝેર પી લીધુ છે, ઘરને તાળુ માર્યું છે અને ચાવી બહાર નાખી છે.” પોલીસ કંટ્રોલ રૂમમાં આ ફોન આવતા જ સ્થાનિક પોલીસને તાત્કાલીક જાણ કરતા તેઓ દોડી આવ્યાં હતા. જ્યાં ઘરનો દરવાજો ખોલતા જ તમામ સભ્યો રૂમમાં નીચે પડેલા જોવા મળ્યાં હતા. જેમની તપાસ કરતા નરેન્દ્રભાઇ સોની તેમની 16 વર્ષીય પુત્રી રીયા અને 4 વર્ષનો પૌત્ર પાર્થ મૃત્યુ પામેલા જણાઇ આવ્યાં હતા. જ્યારે ભાવીન સોની તેની માતા ઉર્વશીબેન અને પત્ની દિપ્તીબેન અર્ધબેભાન હાલતમાં મળી આવતા તેઓ તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેઓની હાલ સારવાર ચાલી રહીં હોવાનુ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં સામે આવ્યું જ્યોતિષી કનેક્શન, 4 પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી

ભરત વાઘેલા ચેક લેવા પહોંચે તે પહેલા જ પરિવારે ઝેર પીધું 
આ દરમિયાન સ્વાતિ સોસાયટીમાં એક એવી વ્યક્તિ પહોંચી  હતી, જેના જણાવ્યાં અનુસાર સોની પરિવાર આર્થીક ભીંસમાં હોવાની વાતને સમર્થન મળ્યું હતુ. આર્થિક ભીંસમાં આવી ગયેલા સોની પરિવારે સ્વાતિ સોસાયટીમાં આવેલુ પોતાનુ મકાન રૂ. 27 લાખમાં વેચવા કાઢ્યું હતુ. જેથી ભરત વાઘેલા નામના યુવક સાથે આ બાબતે સોદો પણ નક્કી થતા તેમણે એડવાન્સ પેટે રૂ. 2 લાખ સોની પરિવારને ચૂકવ્યાં હતા. જોકે એકા એક સોની પરિવારે આ સોદો કેન્સલ કરી એડવન્સ પેટેલ લીધેલી રકમ પણ પરત કરી હતી. જેમાં બે લાખમાંથી એક લાખ રોકડા અને એક લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેન્કમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. જેથી ભરત વાઘેલાએ સોની પરિવારને આ બાબતે જાણ કરતા તેમણે આજે રૂપિયા લેવા માટે ભરતને સાંજે ઘરે બોલાવ્યો હતો. ભરત વાઘેલા સ્વાતિ સોસાયટીમાં પહોંચે તે પહેલા જ સોની પરિવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

હાલ શહેર પોલીસ દ્વારા ફોન કોલ્સ ના આધારે પ્રાથમિક દ્રષ્ટિએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે સાથે સાથે આર્થિક ભીંસ સિવાયના કયા કયા કારણો સમગ્ર મામલે જવાબદાર છે તે મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આજુબાજુમાં રહેતા તમામ લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા સમગ્ર મામલે કેટલા લોકો જવાબદાર છે પરિવારને આપઘાત પાછળ ધકેલનાર કોણ છે તેના ઉપર પોલીસ પડદો ઉઠાવશે તેમ લાગી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news