માનવતા શર્મશાર કરતી ઘટના ગુજરાતમાં બની, દલિત વૃદ્ધના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં ન કરવા દીધા
Vadodara News : દલિત સમાજના લોકોએ વડું પોલીસ મથકમાં ગામેઠા ગામનાં સરપંચના પતિ નગીનભાઈ પટેલ સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
Trending Photos
Dalit Samaj : ગુજરાતમાં માનવતા નેવે મૂકાઈ છે તેવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના પાદરામાં ગામેઠા ગામે બની માનવતાને શર્મશાર કરે તેવી ઘટના બની હતી. દલિત વૃદ્ધના મૃતદેહો કલાકો સુધી અગ્નિ સંસ્કાર કરાયા ન હતા. મૃતદેહ કલાકો સુધી પડી રહ્યો હતો. વરસાદના કારણે મુખ્ય સ્મશાનમાં વ્યવસ્થા ન થતા અન્ય સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા જતાં ગામ લોકોએ તેમને અગ્નિ સંસ્કાર કરવા ન દીધા. ત્યારે આ ઘટનાને પગલે ભારે હોબાળો થયો હતો. આ બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી હતી. પોલીસે 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ગામના સરપંચ સહિત તાલુકા પંચાયતનના પૂર્વ પ્રમુખ સહિત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બન્યું એમ હતું કે, વડોદરાના પાદરા તાલુકામાં ગામેઠા ગામ આવેલું છે. જ્યાં દલિત સમાજના 68 વર્ષીય વૃદ્ધ કંચનભાઈ વણકરનું નિધન થયું હતું. આ બાદ તેમની અંતિમ યાત્રાની નીકળી હતી. પરિવાર તેમના મૃતદેહને લઈને અંતિમ સંસ્કાર માટે નીકળ્યો હતો. પરિવાર તેમના મૃતદેહને લઈને વડુ ગામમાં પહોંચ્યો ત્યારે ગામના સરપંચના પતિ નગીનભાઈ પટેલ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને અંતિમસંસ્કાર અટકાવી દીધા હતા.
આ જાણીને પરિવાર ભોંઠો પડ્યો હતો. મૃતક દલિત સમાજના હોવાથી તેમના અંતિમ સંસ્કાર અટકાવી દેવાયા હતા. આ કારણે ગ્રામજનો અને દલિત સમાજના લોકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં વણકરનો મૃતદેહ 15 કલાક સુધી રઝળી પડ્યો હતો. ગ્રામજનોએ ગામના સ્મશાનમાં તેમના તેમના અંતિમ સંસ્કાર કરવા ન દીધા. તેથી સ્મશાનથી દૂર ખુલ્લી જગ્યામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ મામલો એટલો ગરમાયો હતો કે, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. વિવાદ સર્જાતાં વડું પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે ગામજનોને બહુ જ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, સાથે જ વધતો વિવાદ અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતું ગામજનો માન્યા ન હતા. તેઓએ મૃતદેહના અંતિમ સંસ્કાર ન થવા દીધા. આખી તેમને સ્મશાનથી દૂર ખુલ્લી જગ્યામાં અંતિમસંસ્કાર કરવાની ફરજ પાડી હતી. આમ, જ્ઞાતિવાદને કારણે એક વૃદ્ધનો મૃતદેહ કલાકો સુધી રઝળ્યો હતો. સવારથી મોડી સાંજ થઇ ગઇ અને વરસાદનો પણ માહોલ હોવાથી પરિવારજનો અને દલિત સમાજના લોકોએ સ્મશાનથી દૂર ખૂલ્લી જગ્યામાં કંચનભાઈ વણકરના અંતિમસંસ્કાર કર્યા હતા.
દલિત સમાજના અગ્રણી ભરતભાઈએ જણાવ્યું હતું કે ગામમાં એક જ સ્મશાન છે, દલિત સમાજનું અલગ સ્મશાન નથી. દલિત સમાજની વ્યક્તિનું અવસાન થતાં ગામના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવા ન દેતાં આજે ફરિયાદ કરવા માટે આવ્યા છે. અમે દલિત પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવે એવી રજૂઆત પણ વડું પોલીસને કરવામાં આવી છે. આ બાદ આ ઘટનામાં ગામના સરપંચ સહિત કુલ 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. દલિત સમાજના લોકોએ વડું પોલીસ મથકમાં ગામેઠા ગામનાં સરપંચના પતિ નગીનભાઈ પટેલ સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે