વડોદરાની નામાંકીત હોટલમાં 3 વર્ષીય માસૂમનું મોત, જન્મદિવસના એક દિવસ પહેલા બની કરૂણાંતિકા
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી નામાંકીત એકસપ્રેસ રેસીડેન્સી હોટલમાં 15 ઓકટોબર શનિવારના રોજ રાત્રે બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાની નામાંકીત હોટલમાં 3 વર્ષના માસૂમ બાળકનું ખુલ્લી પાણીની નીકમાં પડી જવાથી ડૂબી જવાના કારણે મોત નીપજતાં હડકંપ મચી જવા પામ્યો છે. હોટલ સંચાલકની બેદરકારીના કારણે એક ત્રણ વર્ષના માસૂમનું મોત નીપજતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી નામાંકીત એકસપ્રેસ રેસીડેન્સી હોટલમાં 15 ઓકટોબર શનિવારના રોજ રાત્રે બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેયાંશ તેના ભાઈ અને માતા સાથે બર્થ ડે પાર્ટીમાં આવ્યો હતો. હોટલના રેસ્ટોરન્ટ અને લોન વચ્ચે ખુલ્લી પાણીની 3 ફૂટ ઉંડી નીક હતી, જે તરફ પાર્ટી ચાલતી હતી તે સમયે રેયાંશ અને અન્ય બાળકો રમતા હતા તે સમયે રેયાંશ એકાએક રમતા રમતા ખુલ્લી પાણીની નીકમાં પડી ગયો, નીકમાં બે ફૂટ પાણી હતું. જેથી રેયાંશ તેમાં ડૂબી ગયો.
બાદમાં રેયાંશની માતાએ તેની શોધખોળ કરતા બાળક ખુલ્લી પાણીની નીકમાં ડૂબેલું મળી આવ્યું, રેયાંશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. સમગ્ર ઘટના મામલે સયાજીગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
પોલીસે સમગ્ર મામલે હોટલ સંચાલક અને મેનેજરને નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા, જ્યાં બંનેની પૂછપરછ કરી...3 વર્ષના માસૂમ બાળક રેયાંશના મોત મામલે પોલીસ હોટલ સંચાલકને બચાવવાની ભૂમિકા નિભાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસે હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે પણ હોટલ સંચાલક સામે કેમ ગુનો નથી નોંધી રહ્યા તે સવાલ ઉઠી રહ્યો છે...હોટલના મેનેજરે સમગ્ર મામલે કહ્યું કે ઘટનાને લઈ અમે દિલગીર છીએ, મેનેજમેન્ટની કોઈ ભૂલ નથી. અમે હવે આવી ઘટના ન બને તેની તકેદારી રાખીશું
મહત્વની વાત છે કે હોટેલ સંચાલકે બનાવેલી પાણીની નીકના કારણે આજે એક પરિવારે ત્રણ વર્ષનું બાળક ગુમાવ્યું. તેમ છતાં પોલીસ હોટલ સંચાલક સામે કાર્યવાહી કરવાના બદલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર ઘટના પર ઢાંકપીછોડો કરી રહી છે. હોટલ સંચાલક સામે કાર્યવાહી કેમ નહિ તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ જુઓ વીડિયો:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે