દિયોદર પોલીસની ગાડી પર હુમલો કરીને યુવતીનું અપહરણ: 4ને દબોચ્યા, અપહરણનો વીડિયો વાયરલ
મુલકપુર પાસે પોલીસની ખાનગી ગાડી ઉપર અજાણ્યાં શખ્સોએ હુમલો કરી બળજબરીથી યુવતીનું અપહરણ કરીને ફરાર થઇ જતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ રાજસ્થાનથી અપહરણકર્તાઓના ચૂંગલમાંથી અપહૃત યુવતીને છોડાવી 4 ઈસમોની અટકાયત કરી છે.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: દિયોદર પોલીસ પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીને પોતાની ખાનગી ગાડીમાં નિવેદન લખવવા શિહોરી લઈ જતી હતી, તે દરમિયાન મુલકપુર પાસે પોલીસની ખાનગી ગાડી ઉપર અજાણ્યાં શખ્સોએ હુમલો કરી બળજબરીથી યુવતીનું અપહરણ કરીને ફરાર થઇ જતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ રાજસ્થાનથી અપહરણકર્તાઓના ચૂંગલમાંથી અપહૃત યુવતીને છોડાવી 4 ઈસમોની અટકાયત કરી છે.
દિયોદર પોલીસ પોતાની ખાનગી ગાડી લઈ દિયોદરના એક ગામના પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીને લઈ શિહોરી નિવેદન લખાવવા જઈ રહી હતી. તે દરમિયાન મુલકપૂર પાસે સફેદ કલરની ગાડીમાં સવાર અજાણ્યા શખ્સોએ પોલીસની ખાનગી ગાડી રોકી ધોકા લાકડી વડે ગાડીમાં તોડફોડ કરી અને પોલીસકર્મી પર હુમલો કરી ગાડીમાં સવાર પ્રેમલગ્ન કરનાર યુવતીનું બળજબરીથી અપહરણ કર્યું હતું અને ફરાર થઇ ગયા હતા.
જોકે સમગ્ર ઘટનાનો વિડિઓ વાઇરલ થતા હડકંપ મચી ગયો જેને લઈને બનાસકાંઠા પોલીસે ગુનાની ગંભીરતા જોઈને એલસીબી સહિત પોલીસની અલગ અલગ 6 જેટલી ટીમો બનાવી તપાસ આદરી હતી. જે બાદ પોલીસને બાતમી મળી હતી કે અપહરણકર્તાઓ યુવતીનું અપહરણ કરીને રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડામાં ફરી રહ્યા છે.
જેના આધારે પોલીસે અપહરણકર્તાની ગાડીને પિંડવાડા પહોંચી ચારેબાજુથી કોડન કરીને અપૃહત યુવતીને અપહરણકર્તાઓની ચૂંગલમાંથી બચાવી લીધી હતી અને ભડથ ગામના મનુભા વાઘેલા અને ધનભા વાઘેલા તેમજ, મુડેઠા ગામના વિક્રમસિંહ રાઠોડ, અને પાલડી ગામના પ્રવિણ ઠાકોર નામના આરોપીઓની અટકાયત કરી કાંકરેજના થરા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીના નામ
- (1) મનુભા ઉર્ફે મુસાભાઇ આઈદાનસિંહજાતે વાઘેલા (રહે. ભડથ તાલુકો ડીસા)
- (2) વિક્રમસિંહ કુંવરસિંહ રાઠોડ. (રહે દુદાણી પાર્ટી મુડેઠા)
- (3) ધનભા ઉર્ફે ભયલુ કપૂરસિંહ વાઘેલા. (રહે કુંભાણી પાટી ભડથ તાલુકો ડીસા)
- (4) પ્રવીણભાઈ નાનજીભાઈ ઠાકોર (પાલડી તાલુકો ડીસા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે