વલસાડના ધરમપુરમાં આભ ફાટ્યું! 7 ઈંચ વરસાદથી હાહાકાર, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
Gujarat Monsoon: વલસાડના ધરમપુરમાં આભ ફાટ્યું હોય તેમ 6 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં ચારેબાજુ પાણી જ પાણી છે. આ સાથે જ ગુજરાતના 144 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ વરસ્યો છે.
Trending Photos
Gujarat Monsoon: ગુજરાતમાં હાલ મેઘરાજા ચારેબાજુ સટાસટી બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ થતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન વલસાડના ધરમપુરમાં આભ ફાટ્યું હોય તેમ 6 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં ચારેબાજુ પાણી જ પાણી છે. આ સાથે જ ગુજરાતના 144 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ વરસ્યો છે. 12 તાલુકામાં 4 ઈંચ કરતાં વધુ તો 38 તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો જુનાગઢના ભેસાણમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વિસાવદર તાલુકામાં 6 કલાકમાં 7 ઈંચ વરસાદ, અમરેલીના ધારી તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ, નવસારીના ખેરગામમાં સાડા ચાર ઈંચ વરસાદ, વલસાડના પારડી તાલુકામાં ચાર ઈંચ વરસાદ, વાપી, જલાલપોર અને મહુવામાં સાડા ત્રણ ઈંચ વરસાદ, વલસાડ અને ચીખલી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ અને તાલાલા અને નવસારી શહેરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. જુનાગઢ, જામનગર, રાજકોટ, સોમનાથ, અમરેલી, જિલ્લાઓમાં અન્યત્ર ત્રણથી પાંચ ઈંચ વરસાદથી સૌરાષ્ટ્ર જળતરબોળ થઈ ગયું હતું. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓજત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું સીધું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ભારે વરસાદને લઈને જમીનોનું પણ ધોવાણ થયું છે.
ધરમપુર તાલુકાનું ઉલસ પેંડી ગામ ખાતે મોટી દુર્ઘટના
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે ભારે વરસાદના કારણે ઉલસ પેંડી ગામ ખાતે જોગારી પરિવારનું મકાન તૂટી પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં પરિવારનો ચમત્કારી બચાવ તો ઘરવકરીનો સામાન દટાઈ ગયો છે. વલસાડ જિલ્લામાં મેઘ મહેર યથાવત છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે ભારે વરસાદના કારણે ઉલસ પેંડી ગામ ખાતે રહેતા પરશુરામ જોગારીનું મકાન તૂટી પડ્યું હતું. પરિવાર વહેલી સવારે રસોઈની તૈયારી કરી રહયું હતું. તે દરમિયાન મકાન પડવાનો અવાજ આવતા પરિવાર તાત્કાલિક ઘરની બહાર આવી જતા પરિવારનો ચમત્કારી બચાવ થયો હતો. તો પરિવારની મહિલાને નાની મોટી ઇજા થવા પામી હતી.
જોકે સમગ્ર ઘટનામાં મકાન પડતા પરિવારનો ઘર વખરીનો સામાન ઘરના કાટમાળમાં દટાઈ ગયો હતો. પરિવાર દ્રારા સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચ અને તલાટીને કરવામાં આવી હતી. તેમ છતાં તંત્રનો એક અધિકારી ત્યાં પહોંચ્યો ન હતો. પરિવારનું ઘર પડી જતા પરિવારે સરકાર પાસે આસ લગાવી છે કે સરકાર તેવોના વાહરે આવી મદદ તેવોની મદદ કરી સહાય ચૂકવે.
શંકર ધોધ સક્રિય થયો
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલ શંકર ધોધ સક્રિય થયો છે. ધોધ સક્રિય થતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠતા ગુજરાત જ નહી, મહારાષ્ટ્રથી સહેલાણીઓ ધોધની મજા લેવા આવતા હોય છે. વલસાડ જિલ્લામાં મેઘ મહેર થતા જિલ્લાના અંતળિયાળ વિસ્તારમાં આગેલા અનેધ ધોધ સક્રિય થયા છે, ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાઘવળ ગામ ખાતે આવેલ શંકર ધોધ સક્રિય થતા આલોકીક દશ્યો સર્જાયા હતા. વાઘવળ ગામે આવેલો શંકર ધોધ જોવા ગુજરાત જ નથી પરંતુ મહારાષ્ટ્રથી પણ સહેલાણીઓ ધોધની મજા લેવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. વરસાદ સાથે ધોધ પડતા ધરમપુરના પહાડોમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હતી. વાદળોથી ઘેરાયેલા પહાડો સાથે શંકર ધોધ એક આલોકીક નજારો ધરમપુર તાલુકા ખાતે જોવા મળ્યો હતો. ધરમપુરના પહાડોમાં સિમલા મનાલી જેવો માહોલ સર્જાયો હતો.
ધરમપુર ખાતે માન નદી બે કાંઠે વહી
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદ ના કારણે ધરમપુર ખાતે આવેલી માન નદી બે કાંઠે વહી રહી છે. માન નદી ઉપર આવેલો સિંદૂમ્બર ગામના દુકાન ફળિયા અને ભતાડી ફળિયાને જોડતો કોઝ-વે પાણીમાં ડૂબતા શાળાથી ઘરે જતા વિધાર્થીઓ અટવાયા હતા સાથે ગામ જનો પણ અટવાયા. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલી માન નદી બે કાંઠે વહી હતી. ત્યારે માન નદી બે કાંઠે વહેતા સિંદૂમ્બર ગામના દુકાન ફળિયા અને ભતાડી ફળિયાને જોડતો કોઝવે બંધ થઈ જવા પામ્યો હતો.
જેને લઈ શાળાએથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ અટવાયા હતા અને વિદ્યાર્થીઓ એ 10 થી 15 કિલોમીટરનો ચકરાવો કરવાનો વાળો આવ્યો હતો. દર વર્ષે ઉપરવાસમાં પડતા ભારે વરસાદના કારણે આ કોઝ-વે ઉપર પાણી ફરી વળતા બંધ થઈ જવા પામતો હોય છે. કોઝ-વે પર પાણી ફરી વળતા ગામજનોએ 10 થી 15 કિલોમીટરનો ચક્રવો કરી જવા મજબુર બન્યા છે. ત્યારે ગામજનો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. જિલ્લામાં વરસાદને કારણે 18 જેટલા રસ્તાઓ બંધ છે તો વહીવટી તંત્ર નદીઓની સપાટી પર સતત નજર રાખી બેઠું છે.
અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ
સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે. પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદને ગલે ભાદર-2, ઓઝત, ભુખી સહિતના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જિલ્લાના ઘેડ પંથકના 14 ગામના ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરો પાણીથી તરબોળ થઈ જતાં ધરતીપુત્રોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે તેમ છે. ઘેડ પંથકના ચીકાસા, ગરેજ, ભોગસર, છત્રાવા, કાસાબડ સહિતના ગામોમાં ખેતરો સરોવર બની ગયા છે. દૂર જોઈએ તો નદી કે દરિયો હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ખેડૂતોએ વાવણી કર્યા બાદ ખાબકેલા વરસાદથી સોયાબીન, કપાસ અને મગફળીના પાક પર પાણી ફરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે