લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા રાજ્યભરમાં હંગામો, જાણો ક્યાં શું થયું

લોકરક્ષક દળની પરીક્ષા કેન્સલ થતા અચાનક ચાલુ પરીક્ષાએ પરીક્ષાખંડમાંથી બહાર જવાનું કહેવાતાં પેપર આપી રહેલાં યુવાનો પણ થોડો સમય આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા રાજ્યભરમાં હંગામો, જાણો ક્યાં શું થયું

અમદાવાદ: ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની 9500થી વધુ પોસ્ટ માટેની ભરતી પરીક્ષાનું પેપર લીક થતાં આખી પરીક્ષા જ રદ કરવામાં આવી છે. ગુજરાતનાં 8 લાખથી વધુ યુવાન-યુવતીઓ આ પરીક્ષા આપવા આવ્યા હતા. પણ પેપર શરૂ થાય તેની થોડી મિનિટો પહેલા જ સોશિયલ મીડિયામાં પેપર લીક થઈ ગયું હતું. જેની જાણ રાજ્ય પરીક્ષા ભરતી બોર્ડને થઈ અને તમામ સેન્ટરોને પરીક્ષા મોકૂફ રાખવાની જાણ કરાઈ હતી.

જોતજોતામાં જ આખા ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાનાં સમાચાર વહેતા થઈ ગયા. મોડા ભાગનાં પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્સલ થવાનાં સમાચારથી અજાણ હતા. જેથી હજારો યુવાનોએ પરીક્ષા આપવાની શરૂઆત પણ કરી દીધી હતી. પણ જેમ જેમ જાણ થઈ, તેમ તેમ પરીક્ષાર્થીઓને પરીક્ષા પેપર છોડી પરીક્ષાખંડની બહાર જવા કહી દેવાયું હતું. અચાનક ચાલુ પરીક્ષાએ પરીક્ષાખંડમાંથી બહાર જવાનું કહેવાતાં પેપર આપી રહેલાં યુવાનો પણ થોડો સમય આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

લોકરક્ષક દળની ભરતી પરીક્ષા આપવાં માટે ગુજરાતનાં ખૂણેખૂણાથી યુવાનો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યાં હતા. પણ પરીક્ષા જ રદ થતાં પરીક્ષાર્થીઓમાં નિરાશા અને આક્રોશ જોવા મળ્યો હતો. જાણો ગુજરાતના કયા જિલ્લામાં કેવો માહોલ સર્જાયો છે.

અમદાવાદ
પેપર લીક થયા બાદ લોકરક્ષક દળની પરીક્ષા રદ થવાના મામલે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પાલડી ચાર રસ્તા ખાતે પણ કેટલાક લોકો વિરોધ કરવા પહોંચી ગયા હતા. જો કે તેઓ રસ્તા પર આવીને વિરોધ કરે અને વાહનચાલકોને અડચણ રૂપ બને તે પહેલા જ 20 લોકોની અટકાયત પોલીસે કરી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. રાજ્યસરકારના ગૃહવિભાગ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. ઉગ્ર વિરોધ થતા નવરંગપુરા પોલીસે NSUI કાર્યકરોની અટકાયત કરી છે.

વડોદરા
લોકરક્ષક ભરતીની પરીક્ષા રદ્દ કરવામાં આવતા વડોદરામાં પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પરીક્ષાર્થીઓએ પરીક્ષા મોકૂફ રખાતા પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પરીક્ષા રદ થતા પરીક્ષાર્થીઓની ભીડ એસ ટી ડેપો સહિત રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાને કારણે એસ ટી ડેપો સહિત રેલવે સ્ટેશન પર પોલીસનો કાફલો ખડકવામાં આવ્યો છે.

વલસાડ
વલસાડ લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા એસ ટી વિભાગે વધારાની બસ મુકી છે. વલસાડથી 10 જેટલી વધુ બસ મુકવામાં આવી છે. વલસાડથી વાપી, કપરાડા, વલસાડ, ચીખલી, નવસારી સહિત દમણ માટે અને વ્યારા, સુરત માટે બસો મુકવામાં આવી છે. આ સાથે જ જરૂર પડતા વધુ બસ મુકવાની વાત એસ ટી તંત્રએ કરી છે.

પાલનપુર
લોકરક્ષકની પરીક્ષા રદ થતાં પાલનપુરમાં પરીક્ષાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને રસ્તો ખુલ્લો કરવાનું કામ હાથ ધર્યું હતું.

બોટાદ
બોટાદમાં લોકરક્ષક પરીક્ષાનું પેપર રદ થતા ગઢડામાં પરીક્ષાર્થીઓ અને કોંગ્રેસે હોબાળો માચાવ્યો હતો. પરીક્ષાર્થીઓએ ગઢડા ચાર રસ્તા પર ચક્કાજામ કરી રસ્તા પર બેસી જઇને વિરોધ કર્યો હતો. રસ્તા પર ઉતરેલા પરીક્ષાર્થીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં લોક રક્ષક દળની પરીક્ષા રદ થતા પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પરીક્ષાર્થીઓએ રસ્તા પર બેસી વિરોધ કરી સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમરેલી
અમરેલીમાં લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા પરીક્ષાર્થીઓ નારાજ થયા હતા. અમરેલી જિલ્લામાં 64 સેન્ટર પર લોકરક્ષક દળની પરિક્ષા લેવાની હતી. પરિક્ષાનું પેપર લીક થવાના કારણે રદ થતા દૂર દૂરથી પરિક્ષા આપવા પહોંચેલા પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા હતા. અમરેલી એસ.ટી ડેપોમાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી હતી. પરિક્ષા રદ થતા નારાજ પરીક્ષાર્થીઓ ઘરે જવા માટે પરત ફર્યા હતા.

આણંદ 
લોકરક્ષકની પરીક્ષા રદ થતા અનેક જિલ્લાઓમાં પરીક્ષાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. આણંદ કેન્દ્ર ખાતે પરીક્ષા રદ થયા બાદ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ હતાશા સાથે બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા. પરંતુ મોટી સંખ્યામાં ઉમટી પડેલા પરીક્ષાર્થીઓ સામે બસની સંખ્યા મર્યાદિત હતી. જેને લઈને પરીક્ષાર્થીઓને રઝળવાનો વારો આવ્યો હતો.

મહેસાણા
મહેસાણામાં લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષાર્થીઓ નિરાશ થઇ પરત ફર્યા હતા. ત્યારે મહેસાણા જિલ્લામાં 97 કેન્દ્ર પર પરીક્ષા યોજાવાની હતી. પરીક્ષા રદ થતા પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રોના પેકેટ નહીં ખોલવાનું જણાવવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news