ખેડૂત પુત્રએ એવુ દિમાગ દોડાવ્યું કે, ખેતીમાં અઘરું લાગતું પિયતનું કામ હવે ચપટી વગાડતા થઈ જાય તેવું મશીન બનાવ્યું

Today Positive Story : એન્જિનિયરીંગનો અભ્યાસ કરીને ખેડૂત પુત્રએ એવુ મશીન બનાવ્યું, જે ખેતીમાં પિયતની સમસ્યા દૂર કરી દેશે

ખેડૂત પુત્રએ એવુ દિમાગ દોડાવ્યું કે, ખેતીમાં અઘરું લાગતું પિયતનું કામ હવે ચપટી વગાડતા થઈ જાય તેવું મશીન બનાવ્યું

ગોંડલ :આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. દેશના ગામડા વિસ્તારોમાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ખેતી કરવું સહેલુ નથી, ખેતી કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત. જોકે હવે બદલાતા સમય સાથે જગતનો તાત પણ ખેતીમાં બદલાવ લાવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના નાના એવા ગામ કોલીથળમાં એક ખેડૂત પુત્રએ એક એવું મશીન બનાવ્યું છે કે જેની મદદથી ખેતરમાં પિયત કરવાનું કઠિન ગણાતું કામ પણ આસાન લાગવા લાગ્યું છે. તો સાથે જ આ મશીનના કારણે ખેતરમાંથી વેસ્ટ જતું પાણી પણ બચાવી શકાય છે. 

ખેડૂત પુત્રએ ટેકનોલોજીથી પિયતની સમસ્યા દૂર કરી
ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને આરે છે ત્યારે હવે ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા વિવિધ ખેત પાકોને પિયત કરવાનો સમય આવી રહ્યો છે. ખેત પાકોને પિયત કરવું એ પણ એક કઠિન કામ છે. જોકે રાજકોટ જિલ્લાના કોલીથળ ગામમાં એક ખેડૂત પુત્ર જિગ્નેશ સાવલિયાએ અનોખું મશીન બનાવ્યું છે. આ મશીનથી ખેતરમાં રહેલા ક્યારો જ્યારે પાણીથી ભરાઈ જાય છે ત્યારે આ મશીનની મદદથી ખેતરમાં મોટા અવાજથી સાયરન વાગશે કે જેથી ખેડૂતને પણ ખ્યાલ આવી જશે કે તેમના ખેતરનો ક્યારો ભરાઈ ગયો છે. તેથી જ પાણી વેસ્ટ જાય એ પહેલાં જ ખેડૂત આ પાણીને બીજા ક્યારામાં પાણી વાળી દેશે. 

ટેકનોલોજીનો અભ્યાસ કામમાં આવ્યો 
આ મશીન બનાવનાર જીગ્નેશ સાવલિયા નામના ખેડૂત પુત્ર જણાવે છે કે, તેઓ ખેડૂત પુત્ર હોવાથી ખેતરોમાં કામ માટે જતા આવતા. ત્યારે ખેડૂતોની પિયત સમયે થતી સમસ્યા આંખમાં કણાની માફક ખટકતી. ખેડૂતો પોતાના ખેતરમાં પિયત આસાનીથી કરી શકે તે માટે તેઓ કંઈક કરવા ઈચ્છતા હતા. આ સમસ્યા દૂર કરવામાં તેમને પોતાનો મિકેનિક એન્જિનિયરિંગો અભ્યાસ કામમાં આવ્યો. તેમણે ટેકનોલોજીની મદદ લીધી અને આ મશીન બનાવ્યું. 

gondal_farmer_zee2.jpg

હવે ખેડૂતોને રાત ઉજાગરો નહિ કરવો પડે
આજની યુવા પેઢી એ ખેતીથી દૂર ભાગી રહી છે. કેમકે ખેતરમાં કામ કરવું એ ખૂબ મુશ્કેલ છે, તેમજ અતિ મહેનત માંગી લેતું હોય છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં મિકેનિક એન્જિનિયરનો અભ્યાસ કરેલ ખેડૂત પુત્ર ખેતીથી દૂર જવાના બદલે ખેતીની નજીક ગયા અન ખેડૂતોને પડતી સમસ્યાનો પણ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે બનાવેલા મશીને ખેતીમાં પીયતનું કામ ઘણું આસાન કર્યું. ખાસ કરીને જ્યારે રાત્રિના સમયે પિયત કરવાનું હોય ત્યારે ખેડૂતોને આખી રાત ઉજાગરા કરવા પડતા હોય છે. જ્યાં સુધી પાણીનો ક્યારો ન ભરાઈ જાય ત્યાં સુધી ખેડૂતોએ જાગતું રહેવું પડતું હોય છે. પાણીનો એક ક્યારો ભરાતા આશરે 30 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. આવા અનેક ક્યારાઓ ખેતરમાં હોય છે. ખેડૂતોએ પોતાનો ક્યારો ભરાયો છે કે નહિ તે જોવા જવું પડતું હોય છે જે સમયે રાત્રિના સમયે ખેતરમાં સાપ વીંછી જેવા ઝેરી જીવ જંતુનો પણ ડર ખેડૂતોને સતાવતો હોય છે. ત્યારે આ મશીનની મદદથી ખેતરમાં ખેડૂતોને જોવા જવાની જરૂર પડતી નથી. જેથી તેઓ ખતરો પણ ટાળી શકે છે. 

ખેતીમાં થતો પાણીને બગાડ બચાવી શકાશે 
આ ઉપરાંત અનેકવાર એવું બનતું હોય છે કે જ્યારે ખેતરમાં પાણીનો ક્યારો રહી જાય એ સમયે ખેડૂતને રાત્રિના સમયે ઊંઘ પણ આવી જતી હોય છે અથવા તો કોઈ કારણથી ખેતરમાં રહેલો ક્યારો ભરાઈ જાય તેમનો ખ્યાલ આવતો નથી. પરિણામે મોટા પ્રમાણમાં પાણી વેસ્ટ જતું હોય છે. સામાન્ય રીતે પાંચ વીઘા ખેતરમાં પાણીના પિયત આપવા માટે ઘણી વખત અન્ય ત્રણ વીઘામાં આપી શકાય તેટલું પાણી વેસ્ટ થઈ જતું હોય છે. જોકે મશીનના આ સાયરનની મદદથી પાણીનો ક્યારો ભરાઈ જતો એની સાથે જ સાયરન વાગી જાય છે, જેથી ખેડૂત પણ પોતાનું વેસ્ટ જાતું પાણી બચાવી શકે.

સમય હંમેશા પરિવર્તન ઈચ્છતો હોય છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ હવે ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે અને મુશ્કેલભરી ગણાતી ખેતીને ટેકનોલોજીની મદદથી સરળ કરી રહ્યા છે. જોકે હજુ પણ અનેક એવા ખેતકામ છે કે જેમાં જો ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ થાય તો જગતના તાતને સાચા અર્થમાં રાહત મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news