રાજ્યસભા ચૂંટણી માટે જો એસ.જયશંકરનું નામ નિશ્ચિત તો, બીજા ઉમેદવાર માટે આ નામ છે ચર્ચામાં...

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને વિવિધ અટકળો ચાલી રહી છે. જેમાં એક બેઠક પર કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકરનું નામ નિશ્ચિત છે, તો બીજી બેઠક પર ભાજપ કોને ઉતારશે તે ચર્ચાનો વિષય રહ્યો છે. આ ચર્ચા વચ્ચે ભાજપ સ્થાનિક ચહેરાને ભાજપ ઉતારી શકે છે. ત્યારે આ વચ્ચે આજે સુપ્રિમ કોર્ટમાં થયેલી સુનવણીમાં 25 જૂન સુધી ચૂંટણી પંચને જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. 

રાજ્યસભા ચૂંટણી માટે જો એસ.જયશંકરનું નામ નિશ્ચિત તો, બીજા ઉમેદવાર માટે આ નામ છે ચર્ચામાં...

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને વિવિધ અટકળો ચાલી રહી છે. જેમાં એક બેઠક પર કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકરનું નામ નિશ્ચિત છે, તો બીજી બેઠક પર ભાજપ કોને ઉતારશે તે ચર્ચાનો વિષય રહ્યો છે. આ ચર્ચા વચ્ચે ભાજપ સ્થાનિક ચહેરાને ભાજપ ઉતારી શકે છે. ત્યારે આ વચ્ચે આજે સુપ્રિમ કોર્ટમાં થયેલી સુનવણીમાં 25 જૂન સુધી ચૂંટણી પંચને નોટિસ ફટકારી કોંગ્રેસની માંગ મુદ્દે જવાબ માંગ્યો છે. આવતા મંગળવાર સુધી ચૂંટણી પંચે જવાબ આપવાનો રહેશે. જેના બાદ આવતા મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી હાથ ધરાશે. 

રાજ્યસભાની ખાલી પડેલ બે બેઠકો માટે પેટા ચૂંટણી ભાજપ દ્વારા કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકરને ગુજરાતમાંથી લડાવે તેવી પ્રબળ શક્યતા છે. ત્યારે બીજી બેઠક પર જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, પૂર્વ મેયર કાનાજી ઠાકોર, ગુજરાત બક્ષી પંચના પૂર્વ પ્રમુખ ભગવાનદાસ પંચાલના નામ હાલ ચર્ચાઈ રહ્યા છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત ભાજપના કેટલાક નેતાઓ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. 

બળવંતસિંહ રાજપૂતને મળવાની શક્યતા વધુ
ભાજપનું આલાકમાન બળવંતસિંહ રાજપૂત પર બીજા ઉમેદવાર તરીકે ભાજપ પસંદગી ઢોળે તેવી પ્રબળ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. વર્ષ 2017માં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણી બળવંતસિંહ રાજપૂત હારી ગયા હતા. ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ત્યારે આ વખતે તેમની પર પસંદગીનો કળશ ઢોળે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, બળવંતસિંહ રાજપૂત આ પહેલા રાજ્યસભાની ચૂંટણી લડ્યા હતા અને અહેમદ પટેલ સામે બળવંતસિંહ રાજપૂતની હાર થઈ હતી. 

અત્યાર સુધી એમ કહેવાઈ રહ્યું હતું કે, ચૂંટણી પંચના બે અલગ અલગ સમયે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજવાના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ આ મામલે પિટીશન દાખલ કરી છે. આ મામલે આજે સુનવણી થવાની હતી. જેના બાદ જ ભાજપ બીજા ઉમેદવારનું નામ જાહેર કરે તેવુ ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ કોંગ્રેસની અરજી પણ આજે સુપ્રિમ કોર્ટે સુનવણીમાં મંગળવાર એટલે કે 25 જૂન સુધી ચૂંટણી પંચને જવાબ દાખલ કરવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી હાથ ધરે એનો મતલબ એ થાય કે, રાજ્ય સભામાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ પણ 25 તારીખે મંગળવાર છે. એટલે ભાજપ કદાચ 25 જૂનની રાહ પણ જોઈ શકે છે અને બાદમાં ઉમેદવારની જાહેરાત પણ કરી શકે છે. 

...અથવા નવુ નામ પણ જાહેર કરે
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચૂંટણીના રસાકસીભર્યાં માહોલમા હંમેશા છેલ્લે સુધી ગુપ્તતા જાળવવામાં અને છેલ્લી ઘડીએ નવુ નામ જાહેર કરવા માટે પ્રખ્યાત છે. બધાની ધારણા વચ્ચે તેઓ તમામ ગણતરી ઉંધી પાડીને નવા ઉમેદવારને જાહેર કરી શકે છે. 

કોંગ્રેસની પિટીશન 
ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કીરને બે સીટો પર અલગ અલગ ચૂંટણીના નિર્ણયને પડકાર આપ્યો છે. કોંગ્રેસ દ્વારા અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા ખાલી કરવામાં આવેલી સીટ પર એકસાથે ઈલેક્શન કરવાની માંગ કરાઈ છે. અરજીમાં કહ્યું છે કે, એક જ દિવસે બંને સીટ પર અલગ અલગ ઈલેક્શન કરવુ અસંવિધાનિક અને સંવિધાનની વિરુદ્ધ છે. ગુજરાતમાં રાજ્યસભામાં ખાલી થયેલી બે સીટ પર 5 જુલાઈના રોજ ઈલેક્શન થવાનું છે.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news