ગુજરાતના સ્થાપના દિવસ, આગામી 1 મેથી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાન શરૂ થશે

તા. ૧ લી મે, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી રાજ્યના ૧૪,૪૫૫ ગ્રામ પંચાયત વિસ્તારોના ખેડૂતોને આવરી લેવાય એ રીતે રાજ્યભરમાં ગ્રામીણ કક્ષાએ નિશુલ્ક તાલીમ મહાઅભિયાન હાથ ધરાશે. રાજ્યના તમામ ગામડાંઓ માટે ૧૦-૧૦ ગામોના એક એવા ૧,૪૭૩ ક્લસ્ટર્સ બનાવાયા છે. 
 

ગુજરાતના સ્થાપના દિવસ, આગામી 1 મેથી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાન શરૂ થશે

ગાંધીનગરઃ ગુજરાત સમગ્ર દેશ માટે 'મૉડેલ' રાજ્ય છે. પ્રાકૃતિક ખેતી અંગે પણ આખું ભારત ગુજરાત પાસેથી પ્રેરણા લે એ હેતુથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે 'મિશન મૉડ' પર કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સીએમડેશબૉર્ડના માધ્યમથી તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે સંવાદ કરીને ગુજરાત રાજ્યના આગામી સ્થાપના દિવસ; તા. ૧લી મેથી ગ્રામીણ કક્ષાએથી શરૂ થનારા પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
    
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જેમ ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો છે તેમ આખું ગુજરાત રાજ્ય સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતું રાજ્ય બને એ દિશામાં પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. ભારતના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે સતત ચિંતા સેવી રહ્યા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હવે 'મિશન મૉડ' પર કામ શરૂ કરવાની આવશ્યકતા છે. 

આ પણ વાંચોઃ અમદાવાદની પ્રતિષ્ઠિત સ્કૂલે વધારાની એક્ટિવિટીના નામે વાલીઓ પાસે માંગ્યા લાખો રૂપિયા
    
તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને વધુ સજાગતા અને અગ્રતાથી પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે કાર્યરત થવાનો અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, તમામ જિલ્લાઓમાં દર મહિને પ્રાકૃતિક ખેતીની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા થાય એ જરૂરી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય માર્કેટ મળી રહે એ માટે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અઠવાડિયામાં બે દિવસ ખાસ માર્કેટની વ્યવસ્થા ઊભી કરવા તેમને સૂચના આપી હતી. જે તે જિલ્લામાં શ્રેષ્ઠ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતર-વાડીની અઠવાડિયામાં એક વખત મુલાકાત લેવા પણ તેમણે કલેકટર્સ-ડીડીઓને અનુરોધ કર્યો હતો.
    
તા. ૧ લી મે, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી રાજ્યના ૧૪,૪૫૫ ગ્રામ પંચાયત વિસ્તારોના ખેડૂતોને આવરી લેવાય એ રીતે રાજ્યભરમાં ગ્રામીણ કક્ષાએ નિશુલ્ક તાલીમ મહાઅભિયાન હાથ ધરાશે. રાજ્યના તમામ ગામડાંઓ માટે ૧૦-૧૦ ગામોના એક એવા ૧,૪૭૩ ક્લસ્ટર્સ બનાવાયા છે. ૧૦ ગામ પૈકીના જ કોઈ ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા નિપૂણ ખેડૂત; કે જેને રાજ્ય સરકારે વિશેષ તાલીમ આપીને 'માસ્ટર ટ્રેઈનર' બનાવ્યા છે તે અને સાથે આત્મા-કૃષિ વિભાગના એક નિષ્ણાત પ્રતિનિધિ, બંને પોતાને ફાળવાયેલા દસ ગામોમાં ખેડૂતોને વિનામૂલ્યે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે. 
    
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જિલ્લા અધિકારીઓને પ્રેરક સંબોધનમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પાંચ-પચ્ચીસ  વર્ષ માટે ફળદાયી-લાભકર્તા હોઈ શકે, પરંતુ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટેના રાજ્ય સરકારના પ્રયાસોથી લોકોને પેઢીઓ સુધી લાભ પહોંચાડી શકાશે. 
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 'બૅક ટુ નેચર' નો મંત્ર આપ્યો છે, તેનો સંદર્ભ આપતાં તેમણે કહ્યું કે, અનેક પ્રશ્નોનો ઉકેલ પ્રકૃતિ પાસે જ છે. અત્યારે કોઈપણ વ્યક્તિમાં કોઈ પણ વયે ગંભીર રોગો જોવા મળી રહ્યા છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સના વધુ ઉપયોગથી સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નો સર્જાયા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અત્યંત જરૂરી છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક ખેતી માટે આદરેલા અભિયાનમાં સક્રિયતાથી સામેલ થવાનું જિલ્લા તંત્રના વરિષ્ઠ અધિકારીઓને આહ્વાન આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌના વિકાસ માટે સૌના વિશ્વાસપૂર્વક સૌના સાથથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વિસ્તાર વધારવા સૌના સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી રાજ્યના પ્રજાજનોને અનેક મોટા લાભ થશે તે નિશ્ચિત છે. 
    
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે તમામ કલેકટર્સ-જિલ્લા વિકાસ અધિકારીઓને સંબોધતાં કહ્યું કે, રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે રાજ્ય સરકારનો કૃષિ વિભાગ ખંતપૂર્વક કામ કરે છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને-પશુપાલકોને પ્રોત્સાહિત કરવા દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર પ્રતિમાસ રૂ. ૯૦૦ આપે છે. પ્રાકૃતિક ખેતી જ આપણું ભવિષ્ય છે. ગુજરાતને પ્રાકૃતિક ખેતીમય  બનાવીએ અને પ્રાકૃતિક ખેતીમાં નંબર-વન બનાવીએ તેવી અપિલ તેમણે કરી હતી. 
    
રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે, ખેડૂતો અખાત્રીજથી ખેતીની કામગીરીની શરૂઆત કરતા હોય છે. આ વખતે આપણે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાની શરૂઆત કરીએ. ડાંગ જિલ્લામાંથી પ્રેરણા લઈને અન્ય જિલ્લાઓ પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે તેજ ગતિથી કામ કરીએ. ગુજરાતના ૭૦% ગામડા ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડાઈ ગયા છે, ત્યારે ખેડૂતોને નિષ્ણાતોની તાલીમ આપવા ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનો પણ ઉપયોગ કરવાનું તેમણે સૂચન કર્યું હતું. 

આ પણ વાંચોઃ કાનભા ગોહિલના 5 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે ડમીકાંડમાં વધુ પાંચ લોકોની કરી ધરપકડ
    
પ્રાકૃતિક ખેત પેદાશોને વધુ સારું માર્કેટ મળી રહે અને વધુ ખરીદશક્તિ ધરાવતા ગ્રાહકો સુધી પ્રાકૃતિક ખેત પેદાશો પહોંચી શકે એ માટે સપ્લાય ચેનની સુદ્રઢ અને સુયોગ્ય વ્યવસ્થા કરવા કલેકટર્સ-ડીડીઓને તેમણે સૂચન કર્યું હતું. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને ગુજરાત સર્વોચ્ચ સ્થાન મેળવે એ માટે તેમણે નવા જોશ સાથે આ કામમાં જોડાવા સૌને અનુરોધ કર્યો હતો.
    
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે ૪,૩૨,૦૦૦  ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૧૨,૩૬,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે. ૧,૮૬,૦૦૦ ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર મહિને રૂ. ૯૦૦ આપી રહી છે. ડાંગ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, નર્મદા, ગીર સોમનાથ અને આણંદ જિલ્લામાં પ્રમાણમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આ કામને ગતિપૂર્વક આગળ વધારવા તેમને કલેક્ટર-જિલ્લા વિકાસ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news