આખરે કોર્ટે દાખલો બેસાડ્યો! વર્ષ 2019માં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં પિતાને ફટકારી મોટી સજા

આ ઘાતકી હત્યાનો કેસ આજે ભાવનગરની નામદાર કોર્ટમાં ચાલી જતાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ એલ.એસ.પીરઝાદા એ આ કેસના આરોપી પિતાને જીવે ત્યાં સુધી કોઈપણ જાતની માફી વગર આજીવનકેદની સજા તેમજ રૂ.10,000 નો દંડ ફટકાર્યો છે.

આખરે કોર્ટે દાખલો બેસાડ્યો! વર્ષ 2019માં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં પિતાને ફટકારી મોટી સજા

નવનીત દલવાડી/ભાવનગર: શહેરના વિદ્યાનગર પોલીસ લાઈનમાં રહેતા અને ભાવનગર પોલીસબેડામાં આસાન વિભાગમાં ફરજ બજાવતા સુખદેવ નાજાભાઈ શિયાળે વર્ષ 2019 માં 01 લી સપ્ટેમ્બરના રોજ ઘરકંકાસમાં ખૂની ખેલ ખેલી બપોરે તેની પત્નીને ઘરના બીજા રૂમમાં પૂરી દઈ તેમના 3 માસુમ પુત્રોની ધારિયાના ઘા ઝીંકી ઠંડા કલેજે ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ઘાતકી હત્યાનો કેસ આજે ભાવનગરની નામદાર કોર્ટમાં ચાલી જતાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ એલ.એસ.પીરઝાદા એ આ કેસના આરોપી પિતાને જીવે ત્યાં સુધી કોઈપણ જાતની માફી વગર આજીવનકેદની સજા તેમજ રૂ.10,000 નો દંડ ફટકાર્યો છે.

બે વિવાહિત વ્યક્તિનો સંબંધ હંમેશા વિશ્વાસના પાયા પર ટકેલો હોય છે અને એમાં જો એક પણ પાયો હલી જાય તો ગમે તેવા સુખી સંસારને તહેસ નહેસ કરી નાખે છે. ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલને પોતાની પત્નીના ચારિત્ર્ય અંગે શંકા હતી, જેમાં તેમના ત્રણ સંતાનો પણ પોતાના નથી એવી શંકા તેના મનમાં ઘર કરી ગઈ હતી, અને એજ શંકાએ આ પરિવાર ની સુખી જિંદગી નરક બનાવી દીધી, શંકાના વમળોએ એવો તો ખેલ ખેલ્યો કે જેમાં ત્રણ ત્રણ નાના બાળ સંતાનોએ દુનિયાની સાચી પરખ થયા પૂર્વે પોતાનો જીવ ગુમાવ્યો. 

ભાવનગરમા બનેલી આ ઘટના લોકોના કાળજા કંપાવનારી છે અને જેમાં હેવાન બનેલા પોલીસ કોન્સ્ટેબલે હેવાનિયતના તમામ સીમાડા ઓળંગી પત્ની પરની ચારિત્ર્યની શંકાના આધારે આ સંતાનો પોતાના નથી એવી લઘુતાગ્રંથિ બાંધી ત્રણ ત્રણ માસુમોના ઠંડા કલેજે જીવ લઈ લીધા, હત્યા બાદ પોલીસ કંટ્રોલમાં પણ સામેથી ઘટના અંગેની જાણ કરતા પોલીસે ઘાતકી હથિયાર સાથે પોલીસ જવાનની ધરપકડ કરી લીધી હતી, પરંતુ ખરો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે મૃત્યુ પામેલા ત્રણે સંતાનો નો DNA રિપોર્ટ આવ્યો, અને એમાં પુરવાર થયું કે, શંકાના આધારે જેને બીજાના સંતાનો સમજી મારી નાખ્યા હતા, એ તો પોતાના જ હતા. પરંતુ હવે શું, માત્ર પસ્તાવા સિવાય તેની પાસે કંઇ જ બચ્યું ન હતું, જ્યારે કોર્ટ દ્વારા સંતાનોની ઘાતકી હત્યા બદલ અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવી.

વર્ષ 2019 માં 1 લી સપ્ટેમ્બરનો એ દિવસ હતો જયારે હેવાનીયતનો એક એવો ખેલ ખેલાયો કે જેમાં એક પિતાએ પોતાના ૩ માસુમ બાળકોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઠંડા કલેજે ઘાતકી હત્યા કરી નાખી હતી. ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનના 247 નંબરના ક્વાટર માં રહેતા સુખદેવ નાજાભાઈ શિયાળ કે જે ભાવનગર પોલીસબેડામાં આસાન વિભાગના ફરજ બજાવતા હતા અને જેમના 9 વર્ષના લગ્નજીવન દરમ્યાન 3 બાળકોનો જન્મ થયો હતો. ત્રણેય પુત્રો ખુશાલ, ઉદ્ધવ અને મનોમિત કે જેમની ઉમર 3 થી 7 વર્ષની હતી. 

સુખદેવના લગ્ન જીજ્ઞાબેન નામની યુવતી સાથે થયા હતા અને જેમાં લગ્નના ૬ માસ બાદ પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝગડાઓ શરૂ થયા હતા. જેમાં સુખદેવ તેની પત્નીને કહેતો કે તું જ્યારથી માર ઘરે આવી છો અને તારા હાથનું જમું છું ત્યારથી મને કઈક મેલું થઇ જાય છે અને આવા ઝગડા 9 વર્ષ સુધી ચાલ્યા, જેમાં ત્રણેય છોકરાવ છે તે મારા નથી તેમ સુખદેવ તેની પત્નીને અવારનવાર કહેતો હતો, આ ઝગડાનું રૌદ્રરૂપ વર્ષ 2019 ની 1 લી સપ્ટેમ્બરના રોજ એવું ભયાનકરૂપે સામે આવ્યું કે જે ઘટનાને લઈને ભાવનગર શહેરના લોકો સ્તબ્ધ થઇ ગયા. 

હેવાન પિતાએ તે દિવસે બપોરના સમયે તેની પત્નીને ઘરના બીજા રૂમમાં સૂઈ જવાનું કહી, પોતે બાળકો સાથે બીજા રૂમમાં પુરાઈ ગયો હતો, ત્યાર બાદ તેણે ત્રણ પુત્રો ખુશાલ, ઉદ્ધવ અને મનોમિત ને પોતાની બાજુમા સુવરાવી દીધા હતા, પરંતુ આ સમયે '''' એ માસૂમ બાળકો ને ક્યાં ખ્યાલ હતો કે જે પિતા તેને સુવરાવી રહ્યા છે એ દિવસ તેમનો અંતિમ દિવસ બનવાનો છે '''' સુખદેવ બાળકોના સૂઈ જવાની રાહ જોઈ રહ્યો હતો, અને જેવા બાળકો સૂઈ ગયા કે તેણે સૂતેલા એ માસૂમ બાળકોની એક બાદ એક તીક્ષ્ણ ધારિયા ના ઘા ઝીંકી હત્યા કરી નાખી. અને પોલીસ કંટ્રોલમાં ફોન કરી સમગ્ર ઘટના અંગે જાણ કરી. જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હત્યારા પોલીસ જવાન ને હથિયાર સાથે ઝડપી લીધો હતો. 

બીજા રૂમમાં પુરાઈ રહેલી પત્ની જીજ્ઞાબેન ને બહાર આવ્યા બાદ ઘટના અંગે ખબર પડતાં બેભાન થઈ ગઈ હતી, અને ત્યાર બાદ મસુમો ની હત્યા કરનાર પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આ હત્યાના કેસમાં બાળકો અને પિતાના ડી.એન.એ રીપોર્ટ કરાવ્યા તો રિપોર્ટ મેચ થઈ ગયા, ત્રણે સંતાનો સુખદેવ ના જ હોવાનું ફલિત થયું. અને ત્યાર બાદ સાડા ત્રણ વર્ષ સુધી ચાલેલા કેસમાં આજે આ હેવાન પિતાને કોર્ટે કડક સજા ફટકારી છે, જેમાં ભાવનગરની નામદાર કોર્ટના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ એલ.એસ.પીરઝાદા એ આ કેસમાં આરોપી પિતાને જીવે ત્યાં સુધી કોઈપણ જાતની માફી વગર આજીવનકેદની સજા તેમજ રૂ.10,000 નો દંડ ફટકાર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news