ગુજરાતના આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણી લેજો
The Ashant Dhara law In Bhavnagar : ભાવનગર શહેરના હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓની પેશકદમી વધી જતાં લોકો દ્વારા અશાંતધારો લાગુ કરવા માંગ ઉઠી હતી, ત્યારે ભાવનગરમા અશાંતધારો અમલી બનતા ભાજપ દ્વારા આતશબાજી કરાઈ
Trending Photos
Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગરમાં આખરે અશાંતધારો અમલી બન્યો છે, અગાઉ શહેરના પૂર્વ વિસ્તારમાં અશાંતધારો અમલી બનાવવામાં આવ્યો હતો. જ્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોની માંગને લઈને શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ અશાંતધારો અમલી બનાવવામાં આવ્યો છે. અશાંતધારો લાગુ કરવાની માંગ પૂર્ણ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે શહેર ભાજપ દ્વારા સરકારનો આભાર માની આતશબાજી સાથે લોકોના મોઢા મીઠા કરાવી ઉજવણી કરવામાં આવી હતી.
નવા વિસ્તારોનો અશાંત ધારામાં સમાવેશ કરાયો
ભાવનગર શહેરના હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓની પેશકદમી વધી જતાં લોકો દ્વારા અશાંતધારો લાગુ કરવા માંગ ઉઠી હતી. તેમજ ભાવનગર અશાંતધારા નાગરિક સમિતિ દ્વારા પણ સરકારમાં રજૂઆત કરી અશાંતધારો લાગુ કરવા માંગ કરી હતી. જેને લઇને શહેરના પૂર્વ વિસ્તારમાં 26 જુલાઈ 2023થી અશાંતધારાની અમલવારી શરૂ કરવામાં આવી હતી. પરંતુ નોટીફિકેશનમાં પૂર્વના કેટલાક વિસ્તારો અને પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં અશાંતધારો અમલી નહતો બન્યો. પરંતુ ત્યાર બાદ ફરી 25 જાન્યુઆરી 2024 ના બીજા નોટિફિકેશનમાં પૂર્વના બાકી રહી ગયેલા વિસ્તારનો પણ અશાંતધારામાં સમાવેશ કરી દેવામાં આવ્યો હતો.
કયા વિસ્તારોમાં લાગુ કરાયો કાયદો
જોકે ત્યાર બાદ પશ્ચિમ વિસ્તારના લોકો દ્વારા પણ અશાંતધારો લાગુ કરવા પ્રબળ માંગ ઉઠવા પામી હતી. જેને લઇને ભાવનગર અશાંતધારા નાગરિક સમિતિ દ્વારા આ બાબતે પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીને સાથે રાખી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળી ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં પણ અશાંતધારો અમલી બનાવવા રજૂઆત કરી હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારમાં અશાંતધારો લાગુ થયાની જાહેરાત કરી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં શહેરના રબ્બર ફેક્ટરી, નિર્મળનગર, નિલમબાગ, અનંતવાડી, માધવબાગ, તખ્તેશ્વર, વિદ્યાનગર, વિજયરાજનગર સહિતના વિસ્તારનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે.
ભાજપના કાર્યકર્તાઓએ ખુશી મનાવી
ભાવનગર શહેરના પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. અશાંતધારો અમલી બનતા હવે વિધર્મીઓ દ્વારા થઈ રહેલા પગપેશારાને રોક લાગશે. ત્યારે શહેર ભાજપ દ્વારા સરકારના નિર્ણયને વધાવી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ લોકોના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા, સાથે જ શહેરના મધ્યમાં આવેલા ઘોઘાગેટ ચોક ખાતે આતિશબાજી કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે