શું ગુજરાત સરકાર સરકારી શાળાઓને તાળાં મારી દેશે? સરકારને 19,963 શિક્ષકોની ભરતી કરવામાં રસ નથી
Teachers Vacancy : છેલ્લા ત્રણ વર્ષમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. સરકાર હજી સુધી શિક્ષકોની ભરતી કરતુ નથી. તો બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના આંકડા બહુ ઉંચા છે
Trending Photos
Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે બાળકોનું ભણતર જોખમમાં છે. કારણ કે આંકડો કહે છે કે, રાજ્યની 1657 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક છે. આવામાં શિક્ષકો જ નથી તો બાળકોને અભ્યાસ કોણ કરાવશે તે સવાલ છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વર્ષ 2022-23ની સ્થિતિમાં ધોરણ 1થી 8માં 19 હજાર 963 શિક્ષકોની જગ્યા ખાલી છે. જેના કારણે સંખ્યાબંધ શાળાઓને તાળા લાગ્યા અથવા તો શાળાને મર્જ કરી દેવાની ફરજ પડી. આ સમાચાર તાજેતરમાં આવ્યા છે, ત્યારે આ વચ્ચે વધુ એક સમાચાર એવા છે કે, દિલ્હી-તમિલનાડુ કરતા ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની જગ્યા વધુ ખાલી છે. 2022-23ના આંકડા અનુસાર, ગુજરાતમાં 19,963 શિક્ષકની જગ્યા ખાલી છે.
ગુજરાતમાં સતત શિક્ષણ તંત્રની પોલ ખૂલતી રહે છે. સરકાર શિક્ષણ વિભાગમાં સૌથી વધુ બજેટ ફાળવતી હોવા છતા શિક્ષણમાં ધાર્યુ પરિણામ આવતુ નથી. ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળેલું છે. વર્ષ 2022-23ના આંકડા કહે છે કે, ગુજરાતમાં ધોરણ 1 થી 8 સુધીના મંજૂર થયેલી શિક્ષકોની જગ્યા હજી સુધી ભરાઈ નથી. કુલ 19,963 જગ્યાઓ ખાલી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. સરકાર હજી સુધી શિક્ષકોની ભરતી કરતુ નથી. તો બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના આંકડા જોઈએ કે, કયા રાજ્યમાં કેટલી જગ્યા ખાલી છે તો...
- દિલ્હી - 5883
- હરિયાણા - 3097
- હિમાચલ પ્રદેશ - 1788
- પંજાબ - 129
- તમિલનાડુ - 1753
- કેરળ - 2018
લોકસભા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જે આંકડા અપાયા છે, તેમાં શિક્ષકોની મોટી સંખ્યામાં જગ્યા ખાલી હોય કે મંજૂર કરાયેલી જગ્યા ભરાઈ ન હોય તેમાં ગુજરાત મોખરા પર છે. એટલુ જ નહિ, શિક્ષકોની મંજૂર થયેલી જગ્યાઓ પણ છેલ્લા બે વર્ષમાં સીધી 41 હજારની ઘટાડી દેવાઈ છે.
શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું
ગુજરાતમાં શિક્ષણના કથળેલા શિક્ષણ અંગે ગુજરાત કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, ગુજરાતમાં ધોરણ 1 થી 8માં 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટ્યું છે. વર્ષ 2022 - 23 ની સ્થિતિએ હવે રાજ્યમાં 19,963 શિક્ષકોની જગ્યા ખાલી છે. વર્ષ 2021 - 22 માં 2.44 લાખ શિક્ષકોની મંજૂર જગ્યા હતી, જે ઘટીને વર્ષ 2022 - 23 માં 2.03 લાખ થઈ છે. સંખ્યાબંધ શાળાઓને તાળા વાગતા તેમજ અનેક શાળા મર્જ કરી દેવાતા ગંભીર સ્થિતિ ઉદભવી છે. રાજ્યમાં 1657 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે, એવામાં મહેકમ ઘટાડાતા અનેક સવાલો ઉદ્દભવ્યા છે.
કોંગ્રેસે જણાવ્યું કે, ગુજરાતમાં ફરજ બજાવતા શિક્ષકોની સંખ્યા વર્ષ 2022 - 23 માં 1.83 લાખ થઈ છે. ગત વર્ષે રાજ્યમાં 13 હજાર શિક્ષકોની જગ્યા ખાલી હતી, પરંતુ હવે શિક્ષકોની ખાલી જગ્યા વધીને 19,963 થઈ છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર છે, છેલ્લા 20 વર્ષમાં શિક્ષણની સ્થિતિ કથળી છે. ગુજરાતની 4 કરોડ વસ્તીમાં જેટલી શાળાઓ અને શિક્ષકોનું મહેકમ હતું તે સતત ઘટી રહ્યું છે. રાજ્યની વસ્તી 6.50 કરોડ થઈ છે ત્યારે શિક્ષકોની સંખ્યા અને શાળાઓ વધવાને બદલે ઘટી રહી છે. સરકારી શાળાઓ બંધ થાય, ખાનગી શાળાઓને વેગ મળે એ માટે ગાંધીનગરથી સુનિયોજિત કાવતરું રચવામાં આવ્યું છે. નવી શિક્ષણનીતિ મુજબ 76 હજાર શિક્ષકોની ઘટ રાજ્યમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે