#TeachersDaySpecial : જે ભણવાનાં લાખો રૂપિયા થાય તે મફતમાં શીખવાડે છે આ શિક્ષક
Trending Photos
ચેતન પટેલ/સુરત :આજે શિક્ષક દિવસ (Teachers day) છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “બાળક અથવા મનુષ્યના શરીર, મન અને આત્મામાં, શ્રેષ્ઠ જે કાંઈ છે તે બધું બહાર આવવું એને હું શિક્ષણ કહું છું અને જે તે આપી શકે એ જ સાચો શિક્ષક. ગાંધીજીના આ વાક્યો સુરત (Surat) ના શિક્ષક નરેશ મહેતા દ્વારા ચરિતાર્થ કરાયું છે. જે વિદ્યાર્થીઓ ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે આવા વિદ્યાર્થીઓ માટે નરેશ મહેતાએ યુટ્યૂબ પર 650 જેટલા વીડિયો બનાવ્યા છે. સહેલાઇથી વિડીયો મળી રહે. આ માટે QR કોડ પણ તૈયાર કર્યા છે. એવું જ નહીં શાળા ડ્રોપ કરનાર 200થી વધુ બાળકીઓને ધોરણ 10ની પરીક્ષા આપવા મદદ પણ કરી છે.
આ પણ વાંચો : આ ગુજ્જુ ક્રિકેટરની પત્નીએ એવું કામ કર્યું, જે આજ સુધી કોઈ ક્રિકેટરની પત્નીએ નથી કર્યું....
ગરીબ વિદ્યાર્થીઓ માટે વરદાન બન્યા
સુરતના સંત ડોંગરેજી મહારાજ સરકારી શાળાના શિક્ષક (Happy Teachers Day 2021) ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વરદાન બની ગયા છે. આદર્શ શિક્ષક કેવી રીતે વિદ્યાર્થીઓના ઉત્થાન માટે કટીબદ્ધ હોય છે કે સુરતના શિક્ષક નરેશ મહેતાએ સાબિત કર્યું છે. ગરીબ અથવા તો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મોંઘા કોચિંગ કરી શકતા નથી. આવા વિદ્યાર્થીઓ ઘરમાં જ રહી નિશુલ્ક કોચિંગ મેળવી રહેલા આ માટે નરેશ મહેતાએ યુ ટ્યુબ ચેનલ શરૂ કરી. જેમાં તેઓએ 650 વીડિયો વિદ્યાર્થીઓ માટે અપલોડ કર્યા છે. તેના QR કોડ રીલીઝ પણ તેઓએ કર્યા છે. જેથી નબળી પરિસ્થિતીના વિદ્યાર્થીઓ વીડિયો પરથી વિનામૂલ્યે માર્ગદર્શન મેળવી શકે. લોકડાઉનના સમયે તેમના યુ ટ્યુબ ચેનલનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો હતો. સારા માર્ક્સ લાવવા પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓ મોંઘા કોચિગ લેતા હોય છે. ત્યારે મસમોટી ફી ન ભરી શકનાર વિદ્યાર્થીઓ માટે સુરત નગર પ્રાથમિક શાળા ક્રમાંક 114 સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેશ મહેતાએએવા નવી પેપર સ્ટાઇલના દાખલાના સોલ્યુશનના વિડિયો અને તેના QR કોડ તૈયાર કર્યા છે.
ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ પર કરે છે ફોકસ
ગણિતનું પેપર દરેક વિદ્યાર્થી અને વાલીઓ માટે મોટા પડકાર સમાન છે. ગણિત જેવા વિષયનું પેપર વિદ્યાર્થીઓ સરળતાથી આપી શકે તે માટે સરકારી શાળાના શિક્ષક દ્વારા આ પહેલ કરી છે. તેમણે "નરેશ મહેતાએડયુ'' ચેનલ વીડિયો અપલોડ કર્યા છે. QR કોડના માધ્યમથી વીડિયો જોઈ વિદ્યાર્થીઓ ને તમામ દાખલાઓ સમજવામાં આસાન થઈ જાય છે. જો વિદ્યાર્થીઓ કોઇ ચેનલ કે, વોટ્સએપમાં લિંક ન મેળવી શકે તો કોડ સ્કેન કરીને વીડિયો નિહાળી શકશે. તેમના ગણિત, અંગ્રેજી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં વીડિયો અત્યાર સુધીમાં 6 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જોઇ ચુક્યા છે. સાથે શિક્ષક નરેશ મહેતા દર વર્ષે કોઇપણ કારણસર અભ્યાસ છોડી દેનાર દીકરીઓને એક્ષ્ટર્નલ પરીક્ષા માટે ફ્રીમાં તૈયારી કરાવે છે. શાળા ડ્રોપ કરનાર આશરે ૩૫ થી ૪૦ દીકરીઓ દર વર્ષે તેમના કારણે ધોરણ 10નું પરીક્ષા આપે છે 5 વર્ષમાં 215 દીકરીઓએ ધોરણ-10 અને 12ની પરીક્ષા આપી ચૂકી છે. ધોરણ 10ની પરીક્ષા આપનાર કેટલીક દીકરીઓની ઉંમર 22 વર્ષ પણ છે. એવું જ નહીં નરેશ મહેતાએ બાલમંદિર અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે કાર્ટૂનના અવાજમાં કાર્ટુન બોલતા હોય એવા વિડિયો પણ તૈયાર કર્યા છે. જેથી બાળકો રમત રમીને પણ શિક્ષણનો લાભ લઇ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે