આ શહેરમાં ધોળા દિવસે જતાં પણ લાગે છે ડર! રાહદારીઓના મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 7 સભ્યો ઝડપાયા

ઝડપાયેલ આરોપીના રિમાન્ડ દરમિયાન બીજા ગુન્હાઓ પણ બહાર આવે તેવી શક્યતા હાલ પોલીસ જોઈ રહી છે. ત્યારે હાલ તો વાપી પોલીસે તમામ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરતા દેવરાજ ગેંગનો આતંકમાં જરૂરથી લગામ આવી જશે. 

આ શહેરમાં ધોળા દિવસે જતાં પણ લાગે છે ડર! રાહદારીઓના મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 7 સભ્યો ઝડપાયા

નિલેશ જોશી/વાપી: ઔધોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં રાહદારીઓના મોબાઈલ સ્નેચિંગ કરીને તરખાટ મચાવતી એક મોબાઈલ સ્નેચર ગેંગના 7 સાગરીતો વલસાડ SOG પોલીસના ઝપટે ચઢી ગયા છે. આ પૂર ઝડપે બાઈક ચલાવી લોકોના મોબાઈલની સ્નેચિંગ કરતી ગેંગનો માસ્ટર માઈન્ડ દેવરાજ પણ ઝડપાઇ ગયો છે. આ ગૅંગ પાસેથી 50થી વધુના મોબાઈલ સાથે 3.40 લાખ મુદ્દામાલ ઝડપાયો છે. ત્યારે કોણ છે આ દેવરાજ અને દેવરાજ ગેંગનો કેવો હતો વાપી પંથકમાં આતંક?

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાહદારીઓને નિશાન બનાવતી ગેંગ સક્રિય બની હતી. સાંજના સમયે સુમસાન રસ્તાઓ પર પસાર થતા લોકોના મોબાઈલ લૂંટવાના ઇરાદે બાઈક લઇ નીકળી જતા અને ગુન્હાઓ આચરી પોલીસને પડકાર આપતા હતા. વલસાડ જિલ્લા SOG પોલીસને મળેલી બાતમીના આધારે SOG પોલીસની એક ટીમ વાપીના છેવાડે આવેલા ચણોદ વિસ્તારમાં વોચમાં હતી. 

એ દરમિયાન જ આ વિસ્તારમાં રોડ પર ઉભેલા કેટલાક યુવકો પર શંકા જતા પોલીસે પૂછપરછ કરી હતી. અને તેમની પ્રવૃત્તિઓ શંકાસ્પદ લાગતા પોલીસે તેમની અટકાયત કરી હતી. તમામને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતાં તેઓએ અત્યાર સુધી તેમણે કરેલા અનેક ગુનાઓની કબુલાત કરી હતી. પોલીસે આ ગુન્હામાં કુલ 7 આરોપીઓ પાસેથી 50 મોબાઈલ મળી અંદાજે 3 લાખ 40 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ મોબાઈલ સ્નેચરોએ અત્યાર સુધી વાપી અને આસપાસના વિસ્તારમાં કરેલા આવા અનેક ગુનાઓની કબૂલાત કરી છે અને હજુ પણ આગામી સમયમાં પોલીસની તપાસમાં અનેક ચોરીના ભેદ ઉકેલાવાની શક્યતા જોવાઇ રહી છે. આ આરોપીઓ વાપીના ગુંજન, ચણોદ અને ખુલ્લા રસ્તામાં પુરઝડપે બાઈક ચલાવતા હતા અને એકલદોકલ રાહદારીઓ પાસેથી મોબાઇલ લૂંટ કરી અને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી ફરાર થઈ જતા હતા.

આમ છેલ્લા કેટલાક સમયથી વાપી અને આસપાસના વિસ્તારમાં વધી રહેલા આવા બનાવોને રોકવા અને આ મોબાઈલ સ્નેચર ગેંગને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસ દોડી રહી હતી. એ વખતે જ વલસાડ જિલ્લા SOG પોલીસે મોબાઈલ સ્નેચિંગની દુનિયાનો માસ્ટર માઈન્ડ દેવરાજની પણ ધરપકડ કરી છે. દેવરાજ ગેંગ નામે ઓળખાતી આ ગેંગના અનેક સભ્યો છે. પોલીસે વાપી ટાઉન, જીઆઈડીસી અને ડુંગરા પોલીસ સ્ટેશનમાં આતંક મચાવતા આ ગેંગના કુલ 7 સભ્યોને જેલના હવાલે કર્યા છે.

આ સ્નેચર ગેંગમાં ઝડપાયેલ દેવરાજ આ તમામનો આકા હોવાનું બહાર આવ્યું છે. તમામ આરોપીઓના અગાઉના ગુનાહિત ભૂતકાળ અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીના રિમાન્ડ દરમિયાન બીજા ગુન્હાઓ પણ બહાર આવે તેવી શક્યતા હાલ પોલીસ જોઈ રહી છે. ત્યારે હાલ તો વાપી પોલીસે તમામ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરતા દેવરાજ ગેંગનો આતંકમાં જરૂરથી લગામ આવી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news