મોરબીની શાન ગણાતો ઝુલતો પુલ નવા વર્ષથી ફરી થશે શરૂ, રિપેરીંગનું કામ થયું પૂર્ણ

મોરબીમાં રાજવી પરિવાર દ્વારા મચ્છુ નદી પર બનાવવામાં આવેલો ઝુલતો પુલ સાત મહિના બાદ ફરી શરૂ થવા જઈ રહ્યો છે. પુલનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે અને નવા વર્ષથી તેને શરૂ કરવામાં આવશે. 
 

મોરબીની શાન ગણાતો ઝુલતો પુલ નવા વર્ષથી ફરી થશે શરૂ, રિપેરીંગનું કામ થયું પૂર્ણ

હિમાંશુ ભટ્ટ, મોરબીઃ વિશ્વમાં એક માત્ર કહી શકાય તેવો ઝુલતો પુલ મોરબીમાં આવેલો છે. આ પુલ છેલ્લા ઘણા સમયથી રિપેરીંગ કામને કારણે બંધ હતો. પરંતુ હવે તેનું સમારકામ પૂર્ણ થઈ જતાં આ પુલ ફરી લોકો મ માટે ખુલ્લો મુકવામાં આવશે. નવા વર્ષથી ફરી લોકો આ પુલની મજા માણી શકશે. આજે પુલના સમારકામ બાદ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે તેના વિશે માહિતી આપી હતી. 

રાજવી પરિવારે બનાવ્યો હતો આ પુલ
મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે અને આ પુલ જર્જરીત હતો. માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ હતો. જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસે તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે જુલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે થઈને જિંદાલ કંપની સાથે વાટાઘાટ કરીને તેને અનુરૂપ મટીરીયલ મંગાવીને નિષ્ણાંત પાસે આ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે. આગામી 15 વર્ષ સુધી મેન્ટેનન્સ અને રિપેરીંગની સાથે સમગ્ર જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોંપવામાં આવી છે. વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઝુલતો પુલ આગામી સમયમાં રાત્રિના સમયે પણ ખુલ્લો રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news