સુરતના કાપડ માર્કેટને આ દિવાળી ફળશે, આ સીઝનમાં આટલા કરોડનો વેપાર થવાનો છે અંદાજ
surat textile market business update : સુરત માર્કેટમાં દિવાળીની રોશની જોવા મળી, દિવાળીના દોઢ મહિનાની સિઝનમાં 10 હજાર કરોડ રૂપિયાનો થશે વેપાર
Trending Photos
Diwali 2023 પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના કાપડ માર્કેટમાં દિવાળીની રોશની જોવા મળી રહી છે. દક્ષિણ ભારત, ઉત્તર ભારત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશના પૂર્વ રાજ્યોના કાપડ બજારોના વેપારીઓ દિવાળીની ખરીદી કરવા સુરત આવવા લાગ્યા છે. આ વખતે દિવાળીના દોઢ મહિનાની સિઝનમાં 10,000 કરોડ રૂપિયાના વેપારની અપેક્ષા વેપારીઓ રાખી રહ્યા છે. સુરતના 70 હજાર કાપડના વેપારીઓએ આ માટે તૈયારીઓ કરી લીધી છે. છેલ્લા એક સપ્તાહમાં લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. દિવાળીની સિઝનના બાકીના 45 દિવસોમાં પ્રતિદિન રૂ. 200 કરોડથી વધુનો બિઝનેસ થવાની અપેક્ષા છે. આ હિસાબે આગામી દોઢ મહિનામાં 9 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ શકે છે.
સુરતનો કાપડનો વેપાર છેલ્લા 10 મહિનાથી ધીમો ચાલી રહ્યો છે. દરમિયાન દિવાળીની સીઝન શરૂ થઈ ગઈ છે. સારી શરૂઆત સાથે, વેપારીઓને આશા છે કે કારોબાર 2021ની જેમ નહીં તો ઓછામાં ઓછા ગયા વર્ષની જેમ જ રહેશે. 10 મહિનાથી સુસ્ત રહેતા કાપડના વેપારમાં તેજી આવવાની આશા સાથે વેપારીઓએ પોતાની તરફથી તૈયારીઓ કરી લીધી છે. નોંધનીય છે કે કોવિડ પછી વર્ષ 2021 માં સુરતનો કાપડનો વેપાર દિવાળીની સીઝનમાં એવા સ્તરે પાછો ફર્યો હતો કે વેપારીઓ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે તે પછી વર્ષ 2022 માં સુરતનો કાપડનો વેપાર ભાગ્યે જ રૂ. 10 હજાર કરોડ સુધી પહોંચી શક્યો છે.
કાપડના વેપારી દિનેશ કટારીયાએ જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં દરરોજ સરેરાશ 150 કરોડ રૂપિયાના કપડાં અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે છે. જે ઓક્ટોબરમાં 250 થી 300 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. એક પાર્સલમાં રૂ. 30,000 થી રૂ. 35,000નો સામાન હોય છે. એક ટ્રકમાં આવા 200 પાર્સલ હોય છે. જેની કુલ કિંમત 70 લાખ રૂપિયા છે. જો દરરોજ 300 ટ્રક કાપડ બહારના બજારોમાં જાય તો 200 કરોડથી વધુનો બિઝનેસ થશે.
ફોસ્ટા અધ્યક્ષ કૈલાસ હકીમે જણાવ્યું કે, સુરતના કાપડના વેપારીઓને દિવાળી પછી પણ સારા વેપારની આશા છે. તેનું કારણ લગ્નની સીઝન છે. દિવાળી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં છે અને ફરીથી તે લગ્ન માટેનો શુભ સમય છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નો થવાના કારણે કાપડનો વ્યવસાય સારો રહેવાની ધારણા છે. દિવાળીમાં પાંચમથી જ ધંધાકીય મૂવમેન્ટ જોવા મળશે. જોકે, કાપડના વેપારીઓ દિવાળીની સિઝનની ગણતરી જુદી રીતે કરે છે. વેપારીઓ માટે દોઢ મહિનાની દિવાળીની સીઝન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે