વિલન વરસાદ વચ્ચે રિયલ હીરો બન્યા આ સુરતી સોસાયટીવાળા, 13 દીકરીઓ માટે પિયરીયા બન્યા

Gujarat Rains : કમોસમી વરસાદને કારણે એક સમાજના સમુહ લગ્ન અટવાયા હતા... પરંતું સોસાયટીના રહીશોએ પોતાનું વિશાળ પાર્કિંગ આપીને લગ્નપ્રસંગ કરવા દીધો 

વિલન વરસાદ વચ્ચે રિયલ હીરો બન્યા આ સુરતી સોસાયટીવાળા, 13 દીકરીઓ માટે પિયરીયા બન્યા

Surat News : ગઈકાલે વરસેલા કમોસમી વરસાદે બધુ વેરવિખેર કરી નાંખ્યું. તેમાં પણ જેમના ઘરમાં પ્રસંગો લેવાયા હતા, તેઓ મૂંઝાયા હતા. પ્રંસગોને ટાળી શકાય તેમ ન હોવાથી લોકોએ જેમતેમ કરીને પ્રસંગો પતાવ્યા. પરંતું આ વચ્ચે સુરતમાં એક સોસાયટીના રહીશોએ એવુ કામ કર્યું કે, તેઓ કમોસમી વરસાદ વચ્ચે રિયલ હીરો બની રહ્યાં છે. સુરતની મોટા વરાછાના એક એપાર્ટમેન્ટના રહીશો સમુહ લગ્નની ૧૩ દીકરીઓ માટે પિયરીયા બન્યા હતા. આવુ કામ તો કોઈ દેવદૂત જ કરી શકે. 

શિયાળાની શરૂઆતમાં જ કુદરતની કહેર અને લોકોની કઠણાઈ શરૂ થઈ છે. કેમ કે ભર શિયાળે વરસાદ શરૂ થયો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં કમનસીબીનો કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ એ લોકો પર કહેર બનીને વરસ્યો છે, જેમના ઘરે પ્રસંગો લેવાયા હતા. ત્યારે સુરતમાં એક સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરાયું હતું. સુરતમાં શ્રી પ્રજાપતિ યુવા વિકાસ દ્વારા એક ફાર્મમાં સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતું. ત્યારે રવિવારે આયોજિત સમુહ લગ્નમાં અચાનક વરસાદ વિધ્ન બન્યો હતો. સમુહ લગ્નોત્સવ અટવાતા સમાજના આયોજકોને શું કરવું તે મૂઝવતું હતું. આવામાં ફાર્મની બાજુમાં આવેલી સોસાયટીના રહીશો મદદે આવ્યા હતા. 

ફાર્મની બાજુમાં શિવાય હાઈટ્સ સોસાયટી આવેલી છે. તેઓએ જોયું કે, સમાજના અગ્રણીઓ વરસાદને કારણે મૂંઝાયા હતા. 13 દીકરીઓના લગ્નનો પ્રસંગ લેવાયો હતો, અને તે કેવી રીતે કરવો તે તેમને સમજાતું ન હતું. ત્યારે સોસાયટીના લોકોએ પોતાનું વિશાળ પાર્કિંગ આપીને લગ્નપ્રસંગ કરી આપવાની તૈયારી બતાવી હતી. 

આ નિર્ણય લેવાતા જ સોસાયટીના રહીશોએ પોતાના પાર્કિંગમાંથી તાબડતોબ ગાડીઓ હટાવી દીધી હતી. વાહનોને ખસેડીને લગ્નના માયરા મૂકાયા હતા અને આ રીતે 13 દીકરીઓના લગ્ન સંપન્ન કરાયા હતા. 

આમ, શિવાય હાઈટ્સના રહેવાસીઓએ સમાજની લાજ રાખી હતી. તો સાથે જ સમાજના લોકોએ સોસાયટીના રહીશોનો આભાર માનીને તેમને દેવદૂત ગણાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news