સુરતના શાહ પરિવારે વ્હાલસોયાના અંગોનું દાન કર્યું, આંખોમાં આસું સાથે આપી વિદાય
Organ Donation : સુરતમાં 17 વર્ષીય વિદ્યાર્થીના અંગોનું દાન કરાયું, પ્રિ-બોર્ડની પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો, તેના બાદ તબીબોએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : ગુજરાતમાં હવે અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે. લોકો હવે અંગદાન કરવા તરફ પ્રેરાયા છે. જેમાં સુરત શહેર સૌથી આગળ છે. સુરતીઓ અંગદાનમાં મોખરે રહીને ઉત્તમ ઉદાહરણ બની રહ્યાં છે. ત્યારે સુરતમાં 17 વર્ષીય ધોરણ-12 ના બ્રેઇન્ડેડ વિદ્યાર્થીના અંગોનું દાન કરાયુ હતું. આંખોમાં આસું સાથે વ્હાલસોયા દીકરાના અંગોનું માતાપિએ દાન કર્યું. ત્યારે આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું છે.
સુરતમાં શાહ પરિવારે બ્રેઇન્ડેડ પુત્રના અંગોનું દાન કરી માનવતા મહેંકાવી છે. 17 વર્ષીય તથાગ તપાર્થ શાહ ધોરણ 12 નો વિધાર્થી હતો. તે સુરતની રાયન ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતો હતો. 19 મી જાન્યુઆરીના રોજ તથાગ તપાર્થ ડુમસ રોડની રાયન ઇન્ટરનેશનલ શાળામાં પ્રિ-બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી નીકળ્યો હતો. સવારે 6.50 કલાકે વાય જંક્શન ખાતે એક વાહને તેને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તથાગ તપાર્થને તાત્કાલિક નજીકની ખાનગી અને ત્યારબાદ અઠવાગેટની મેટાસ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં લાંબી સારવાર બાદ વિધાર્થીને તબીબોની ટીમે બ્રેઇન્ડેડ જાહેર કરાયો હતો.
આ બાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા શાહ પરિવારને અંગદાન અંગેનું મહત્વ પરિવારને સમજાવ્યું હતું. જેથી શાહ પરિવારે વ્હાલસોયા પુત્રના અંગદાનનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીના પિતા અંગદાન અંગે ખૂબ જ જાગૃત હોવાથી અંગદાન કરવા આગળ આવ્યા હતા. જ્યાં અંગદાન અંગેની સંમતિ મળતા વિદ્યાર્થીના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.
તથાગ તપાર્થના હૃદય, લીવર અને બે કિડનીનું દાન સ્વીકારી ચાર લોકોને નવજીવન આપવામાં આવશે. તેનુ હૃદય અમદાવાદની યુ.એન.મહેતા સને લીવર-કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલે સ્વીકાર્યું હતું. બ્રેઇન્ડેડ વિદ્યાર્થીના પિતા પરશુરામ શાહની રેલવેના કોમર્શિયલ વિભાગમાં નોકરી કરે છે. પરિવારમાં માતા અને એક બહેન છે. અગાઉ બ્રેઇન્ડેડ મિત્રના અંગદાનથી આવેલ જાગૃતિને લઈ પિતાએ પણ પુત્રના અંગોનું દાન કરી સમાજમાં અંગદાન અંગેની જાગૃતતા ફેલાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે