તળાજાના ગરીબ ખેડૂત પરિવારની દિકરી દયાની જટીલ ખૂંધની અમદાવાદ સિવિલમાં સફળ સર્જરી
તળાજાના ગરીબ ખેડૂત પરિવારની દિકરી દયા અને અમદાવાદની નેહલની 90 ડિગ્રીથી વધુ એંગલ ધરાવતી જટીલ ખૂંધની અમદાવાદ સિવિલમાં સફળ સર્જરી થઈ છે. ખાનગી હોસ્પિટલ્સે ગરીબ ખેડૂત પરિવારને 8 થી 10 લાખનો તોતિંગ ખર્ચ બતાવ્યો: અમદાવાદ સિવિલમાં RBSK અંતર્ગત વિનામૂલ્યે સફળ સર્જરી થઈ.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ અશક્ય ગણાતી સર્જરીઓને સફળતાપૂર્વક પાર પાડવા માટે સમગ્ર દેશમાં વિખ્યાત છે. તાજેતરમાં જ તળાજાના ગરીબ ખેડૂત પરિવારની દિકરીની 90 ડિગ્રીથી વધુ એંગલ ધરાવતી મણકાના ખૂંધની સફળ સર્જરીએ આ વાતને ફરી એકવાર દોહરાવી છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સારડી ગામની 13 વર્ષની દયાના શરીરમાં પાંચ વર્ષની કુમળી વયથી જ કમરના મણકાંની ડિફોર્મિટી(ખામી) શરૂ થઈ હતી. ત્યારથી લઇને ઓપરેશન થયું ત્યાં સુધીમાં તેની ખૂંધનો એંગલ 85 થી 90 ડિગ્રીનો થયો હતો.
આવી ડિફોમિટીમાં થ્રી ડાયમેન્શનલ સ્પાયનલ કોલમ ડિફોર્મ થયેલું રહેતું હોય છે. સામાન્ય રીતે આપણા દેશમાં આ પ્રકારના કૅસ સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાં જ હાથ ધરાતા હોય છે. મહુવા જેવી અંતરિયાળ જગ્યાની આ દિકરીના પિતા તેને મહુવા અને ભાવનગરની 2-3 ખાનગી હોસ્પિટલ્સમાં પણ ઇલાજ માટે લઇ ગયા હતા પણ ત્યાં તેમને 8 થી 10 લાખનો તોતિંગ ખર્ચનો અંદાજ આપવામાં આવ્યો હતો, આટલો મોટો ખર્ચ આ ખેડૂત પરિવાર માટે અશક્ય હતો. ભાવનગર સિવિલથી દિકરીને અમદાવાદ સિવિલમાં લઇ જવાની ભલામણ કરવામાં આવી હતી. છેવટે આ દિકરીને તેના પિતા અમદાવાદ સિવિલમાં લઇ આવ્યાં.
આ ઓપરેશન અંગે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના એસોસિએટ પ્રોફેસર અને હૅડ ઑફ ધ યુનિટ ડો. હિમાંશુ પંચાલે કહ્યું કે, "આવા જટિલ ઓપરેશન કરતા પહેલા તેનું ઝીણવટભર્યું આયોજન કરવું ખૂબ જ જરૂરી હોય છે, જે માટે અલગ અલગ પ્રકારના એક્સ-રૅ અને સીટી સ્કેન કરાવવા પડે છે. મણકાની જ્યોમેટ્રી જાણી લેવી પડે છે. ડિફોમિટીનું એપેક્સ ક્યાં છે તે પહેલેથી સારી રીતે જાણી લેવું પડે આ સર્જરીનું પ્લાનિંગ જ એક મોટી ચેલેન્જરૂપ હતું, જે અમારી ટીમે બહુ જ સારી રીતે કર્યું હતું."
"આ સર્જરી સાડા પાંચ કલાક સુધી ચાલી હતી. ઓપરેશન દરમિયાન દિકરીની શરીરની નસોને નુકસાન ન થાય તે માટે ન્યૂરોમોનિટરિંગની સિસ્ટમ પણ મૂકવામાં આવી હતી.
આ સિસ્ટમમાં જ્ઞાનતંતુઓ પર જો કોઇ પણ પ્રકારનો સ્ટ્રેસ સર્જાય તો તે તુરંત જ જણાઇ આવે, જેથી દર્દીને સ્ટ્રેસ ન પડે તે રીતે ઓપરેશન શક્ય બને છે. આ દિકરીની કમરનો 95 ડિગ્રી સુધીનો કર્વેચર કમરના નીચલા ભાગથી લઇને ગરદનના મણકા સુધી પહોંચતો હતો. આવા કિસ્સામાં કર્વેચરને આખું રોટેટ કરી નોર્મલ એનાટોમિકલ એલાઇન્મેન્ટમાં લાવવું તે જ ઓપરેશનનો સૌથી મોટો પડકારરૂપ હિસ્સો હોય છે." એમ ડો. પંચાલે ઉમેર્યું હતું. ઓપરેશન દરમિયાન દિકરીના શરીરમાં અલગ અલગ સ્તરે મણકામાં 18 થી 20 સ્ક્રૂ નાખ્યા છે. આ બધા જ સ્ક્રૂને રોડ રોટેશન ટેકનિકનો ઉપયોગ કરી પ્રોપર રોટેશનમાં લાવવામાં આવ્યા છે. શરીરના મસલ્સનું બેલન્સિંગ યોગ્ય થાય એ પ્રમાણે દિકરીની ખૂંધને કરેક્ટ કરવામાં આવી છે.
સામાન્ય રીતે આવી બિમારી જન્મજાત હોય છે. બાળક આવી ડિફોર્મિટી લઇને જન્મે તેને ઇડિયોપેથિક એડોલિસન સ્કોલિયોસિસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં મણકાં જન્મજાત જ ખોડવાળા હોય છે.
આ પણ વાંચોઃ Surat: ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખની ચોરી કરી, MPથી બે આરોપી ઝડપાયા
એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું ગૌરવ ધરાવતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ એ સમગ્ર પશ્ચિમ ભારતના મુખ્ય રેફરલ સેન્ટરનો મોભો પણ ધરાવે છે, મતલબ કે સમગ્ર પશ્ચિમ ભારતની સ્થાનિક હોસ્પિટલ્સ આ પ્રકારની જટિલ સર્જરીઓ માટે દર્દીને સિવિલ હોસ્પિટલ અમદાવાદ રિફર કરતી જોવા મળે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ માનવ શરીરની બધા જ પ્રકારની જટિલ સર્જરીઓ થતી હોવાનો મોભો પણ ધરાવે છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીનટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ગુજરાત તથા કેન્દ્રની સરકાર તરફથી બાળકોના સ્વાસ્થ્ય માટે અનેક સારી યોજનાઓ અમલમાં છે, તે પૈકીની એક રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અન્વયે કેન્દ્ર સરકારે આ તળાજાની દિકરીના ઇલાજનો ખર્ચ ભોગવ્યો છે. આ કાર્યક્રમ કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ ચાલે છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષમાં 3484 બાળકોએ આ યોજના અંતર્ગત સારવાર કરાવીને નવજીવન મેળવ્યું છે.
તળાજાની દિકરીની જેમ જ નેહલના 90 ડિગ્રીથી વધુના કર્વેચરને પણ સીધું કરાયું આવી જ રીતે નેહલ નામની એક બીજી દિકરીનું પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ ઓપરેશન થયું છે. આ દિકરી 90 ડિગ્રીથી વધુનો ડબલ કર્વેચર હતો, તથા તેના કારણે જ્ઞાનતંતુઓને પણ આડઅસર થઈ હતી. આ સમસ્યાને પણ ડો. પંચાલની ટીમે ઓપરેશન કરીને હલ કરી દીધી છે. ડોક્ટર્સે નેહલની કરોડરજ્જુ પરનું દબાણ દૂર કર્યું, સાથે સાથે ખોડવાળા કર્વેચરને સીધું કરી તેની ખૂંધનો ઇલાજ કર્યો છે. ઓપરેશન પછી ધીરે ધીરે નેહલના જ્ઞાનતંતુઓમાં રિકવરી આવશે અને તે વ્યવસ્થિત રીતે ચાલતી થઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે