અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુર

અંજારની મહિલા વિરુદ્ધ થયેલી અનેક ફરિયાદો બાદ પોલીસે બે મહિલાઓ સહીત ત્રણ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી સખત કાર્યવાહી હાથ ધરી હતી.

અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુર

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: વ્યાજખોરીના અનેક ગુનામાં સંડોવાયેલા બે મહિલા સહિત ત્રણ સામે અંજાર પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી હાથ ધરી વ્યાજખોરો સામે લાલ આંખ કરી હતી. આજે કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કરવામાં આવતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અંજારની મહિલા વિરુદ્ધ થયેલી અનેક ફરિયાદો બાદ પોલીસે બે મહિલાઓ સહીત ત્રણ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી સખત કાર્યવાહી હાથ ધરી હતી. અંજાર પોલીસ દ્વારા વ્યાજખોરી, મારી નાખવાની ધમકી, મારામારી જેવા અંજાર પોલીસ મથકે નોંધાયેલા સાત ગુના અને આદિપુર પોલીસ મથકે નોંધાયેલા એક ગુના સાથે આઠ ગુનામા સંડોવાયેલી રીયા ગૌસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એકટનુ શસ્ત્ર ઉગામ્યું છે જે વ્યાજખોરીના આરોપી વિરુદ્ધ સંભવત પ્રથમ કાર્યવાહી છે.

આ ઉપરાંત રીયા ગૌસ્વામીની બહેન આરતી ગૌસ્વામી વિરુદ્ધ પણ અંજાર પોલીસ મથકે ત્રણ અને એક આદીપુર પોલીસ મથકે મળી કુલ ચાર ગુના નોંધાયા છે જ્યારે તેના ભાઈ તેજસ ગૌસ્વામી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ચાર ગુનાઓ નોંધાયા છે. આમ વ્યાજખોર સાથે અન્ય ગુનાઓ અંગે અંજાર અને આદીપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગુજસીટોક એક્ટ હેઠળ ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.

આજે કોર્ટમાં વધુ તપાસ માટે રિમાન્ડની માંગ સાથે રજુ કરવામાં આવતા કોર્ટે દશ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ સમય દરમિયાન પોલીસ દ્વારા વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે.આ અંગે પૂર્વ કચ્છ એસપી દ્વારા જણાવાયું હતું કે અંજાર પોલીસ દ્વારા વ્યાજખોરીની બદી ઉપરાંત અન્ય ગુનામાં સંડોવાયેલી ટોળકી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news