ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, મુખ્યપ્રધાને 'સ્કાય' યોજના કરી લોન્ચ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે. 

 ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, મુખ્યપ્રધાને 'સ્કાય' યોજના કરી લોન્ચ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. આ માટે ગાંધીનગરમાં એક ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, તથા  મંત્રી સૌરભ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું કે, ખેડૂતોને પડતી તમામ મુશ્કેલી દૂર થાય તે માટે સરકાર સતત પ્રયત્ન કરે છે. સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી થાય તે માટેનું છે. આ માટે સરકારે આ દિશામાં પ્રથમ પગલું ભર્યું છે. સરકારે ખેડૂતો માટે ખાસ સૌર ઉર્જા માટેની યોજના લોન્ચ કરી છે. આ યોજનાનું નામ સ્કાય (સૂર્ય શક્તિ કિસાન યોજના) રાખવામાં આવ્યું છે. દેશમાં સૌ-પ્રથમ વખત આ પ્રકારની યોજનાની જાહેરાત કરવામાં આવી છે.  

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે આ યોજનાની માહિતી આપતા જણાવ્યું કે, આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં સોલાર પેનલ લગાવશે. રાજ્યના ખેડૂતો પોતે વીજળીનું ઉત્પાદન કરે અને પોતે વીજળી વાપરે અને વધારાની વીજળીનું વેચાણ કરે તે માટેની આ યોજના છે. રાજ્યમાં 15 લાખ ખેડૂતો છે અને તે 15 હોર્સ પાવરનો ઉપયોગ કરે છે. જે ખેડૂતો પાસે વીજ જોડાણ છે તેમને આ યોજનાનો લાભ મળશે. ફીડર પર આવતા ખેડૂતો આ યોજનામાં જોડાઈ તે જરૂરી છે. આ પ્રોજેક્ટમાં જે પણ ખર્ચ થશે તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર 60 ટકા સબસિડી આપશે. માત્ર 5 ટકા ખર્ચ ખેડૂતોએ ભોગવવાનો રહેશે. બાકીના 35 ટકા રકમની સસ્તી લોન સાત વર્ષ માટે કરી આપવામાં આવશે. જે ખેડૂતો વધારાની વીજળીનું ઉત્પાદન કરશે તેમની પાસે 3.50 રૂપિયાના ભાવે વિજળી રાજ્ય સરકાર ખરીદશે. આ સ્કાય ફીડર પર દિવસમાં 12 કલાક વિજળી મળશે. પહેલા સાત વર્ષ સુધી 7 રૂપિયા યુનિટથી વીજળી ખરીદવામાં આવશે. જેમાં 3.50 રૂપિયા વિજ કંપની અને 3.50 રૂપિયા સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. 

આ યોજનાનો લાભ લેશે તે ખેડૂતો સાથે 25 વર્ષનો કરાર કરવામાં આવશે. ખેડૂતોએ વીજ બિલના રૂપિયા ભરવા પડશે નહીં. ખેડૂતો જે પાંચ ટકા રકમ ભરશે તે તેમને 8 થી 12 મહિનામાં પરત આપવામાં આવશે. સોલર પેનલ લગાવ્યા બાદ ખેડૂતો પાક પણ વાવી શકશે. આ યોજનાથી પાણી અને વિજળીની બચત થશે. 

આ યોજના હેઠળ રાજ્યમાં 137 ફીડર કરવામાં આવશે. રાજ્યના 12400 ખેડૂતો સુધી પહોંચીને પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. 870 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે. આ યોજના હેઠળ દર વર્ષે 16 હજારના રોકાણ સામે 11 હજારનો નફો ખેડૂતોને થાય છે. આ સાથે સરકારે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, જે ખેડૂતોના પેન્ડિંગ વીજ જોડાણ છે તેને તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news