ગુજરાતના અનેક નાના-મોટા શહેરોમાં આજથી ધંધા-રોજગારના શ્રીગણેશ, વડોદરામાં 35000 દુકાનો ખૂલી
આજે અમદાવાદના નાના મોટા વેપારીઓ ઘરની લક્ષ્મી દીકરી અથવા પુત્રવધૂના હાથે વેપાર-ધંધાનું મૂહર્ત કર્યા છે. કુમકુમ તિલક અને સ્વસ્તિક કરી દુકાનના શટર ખોલવામાં આવ્યા છે અને સમગ્ર વર્ષ વેપાર ધંધો સારો ચાલે તે રીતની પ્રાર્થના કરવામાં આવી છે આજથી ફરી એકવાર અમદાવાદના બજારો ખુલી ગયા છે.
Trending Photos
ઝી ન્યૂઝ/બ્યુરો: આજે લાભ પાંચમનો પાવન દિવસ છે. જેને સૌભાગ્ય પાંચમ પણ કહેવામાં આવે છે. વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળી પછીનો આ દિવસ ખાસ એટલે માટે છે, કારણ કે આજથી વેપારીઓ પોતાના વેપાર-ધંધાની શરૂઆત કરે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા સુખ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. નવા વર્ષની રજાઓ માણ્યા બાદ આજથી વેપાર-ધંધા શરૂ કરવા માટેનો ઉત્તમ દિવસ છે. લાભ પાંચમના પાવન પર્વ પર દરેક લોકો પોતાનો વેપાર ધંધો ફરી શરૂ કરતા હોય છે, દિવાળીના દિવસે ચોપડા પૂજન કર્યા બાદ વેપાર-ધંધા બંધ કરવામાં આવ્યા હોય છે. તહેવારને લઈને તે આજે ફરી શુભ મુહૂર્ત કરીને વેપાર- ધંધા ખોલ્યા છે. આજે અમદાવાદના નાના મોટા વેપારીઓ ઘરની લક્ષ્મી દીકરી અથવા પુત્રવધૂના હાથે વેપાર-ધંધાનું મૂહર્ત કર્યા છે. કુમકુમ તિલક અને સ્વસ્તિક કરી દુકાનના શટર ખોલવામાં આવ્યા છે અને સમગ્ર વર્ષ વેપાર ધંધો સારો ચાલે તે રીતની પ્રાર્થના કરવામાં આવી છે આજથી ફરી એકવાર અમદાવાદના બજારો ખુલી ગયા છે.
અમદાવાદમાં ફરી વેપાર ધંધા શરૂ
રાજ્યના સૌથી મોટા શહેરોની વાત આવે ત્યારે અમદાવાદ હંમેશાં અવ્વલ જ હોય છે. અમદાવાદમાં આજથી ફરી એકવાર વેપારીઓએ વેપાર - ધંધા શરૂ કર્યા છે. લાભ પાંચમના શુભ અવસરે દુકાન, શો રૂમ અને ઓફિસો ફરી એકવાર ધમધમતી થઈ છે. દિવાળી, નવાવર્ષની ઉજવણી બાદ ફરી લોકો વેપાર - ધંધા અને નોકરી પર પરત ફર્યા હોવાના અહેવાલ છે. બીજી બાજુ લાભ પાંચમે મુહૂર્ત કર્યા બાદ કારના શો રૂમ પણ આજથી ફરી ખુલ્યા હોવાના સમાચાર છે.
અમદાવાદના એસજી હાઈવે પર આવેલ કોન્સેપટ હ્યુન્ડાઈના મેનેજરે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે છેલ્લા બે વર્ષ ખૂબ મુશ્કેલ વીત્યા છે, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી કારના વેચાણમાં વધારો થયો છે. કારના કેટલાક પાર્ટ્સ મોડા બનતા છેલ્લા ઘણા સમયથી ડિલિવરીઓ આપવામાં સમય લાગી રહ્યો છે. પરંતુ નવી કાર ખરીદવા લોકો આવી રહ્યા છે. જેના કારણે હાલ 1 મહિના જેટલું વેઇટિંગ ડિલવરીમાં થઈ રહ્યું છે. આગામી બે મહિનામાં વેઇટિંગની સમસ્યા દૂર થાય એવી અપેક્ષા છે, પણ કારનું વેચાણ વધતા આ સેક્ટર માટે સારી વાત છે. લોકોની ખરીદ ક્ષમતા વધતા 8 લાખ સુધીની ગાડીઓ તરફ લોકો આકર્ષાય રહ્યા છે. CNG કારના વેચાણમાં પણ વધારો થયો છે, સિડાન, હેચબેક સિવાય SUV કારની ડિમાન્ડ વધી છે, જેના કારણે આ વર્ષે સારા વેચાણની અપેક્ષા છે.
રાજકોટમાં ધંધા રોજગારના શ્રીગણેશ
રંગીલા રાજકોટમાં આજના લાભ પાંચમના દિવસે હોંશે હોશે વેપારીઓએ રોજગારના શ્રી ગણેશ કર્યા છે. ધર્મેન્દ્ર રોડ બજારમાં ચાર દિવસની રજા બાદ આજે ખરીદીની રોનક જોવા મળશે. વેપારીઓએ દુકાનમાં સમાન સાફ સફાઈ કરી ભગવાનને આખું વર્ષ વેપાર ધંધામાં બરકત રહે તેવી પ્રાર્થના કરી છે. આગામી લગ્નસરાની સીઝનમાં તમામ દુકાનોમાં ખરીદીનો માહોલ રહે તેવી પ્રાર્થના પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ધંધા રોજગારની શરૂઆત થઈ ચૂકી છે.
વડોદરામાં બજારો ખૂલ્યા
આજના શુભ પ્રસંગે વડોદરામાં ફરી એકવાર બજારો ધમધમવા લાગ્યા છે. શહેરના મોટાભાગના બજારો આજના દિવસે ખૂલી ગયા છે. વેપારીઓએ દિવાળી બાદ આજે દુકાનો ખોલીને ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે આ વર્ષે કોઈ પણ અડચણ આવ્યા વિના આખું વર્ષ સારું રહે. વેપારીઓ આજે સવારથી દુકાનમાં સાફ સફાઈ કરી છે. ભગવાનને અગરબત્તી કરી હારફૂલ ચઢાવી પુજા કરી છે. જાણવા મળી રહ્યું છે કે, શહેરમાં 35000 વેપારીઓએ આજથી ધંધા રોજગાર શરૂ કર્યા છે.
લાભ પાંચમમાં જાણો કેવી રીતે કરશો પૂજા
સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો. ભગવાન ગણેશ, ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમાઓની સામે બેસો. ભગવાન ગણપતિને ચંદન, સિંદૂર, ચોખા, ધૂપ અને દૂર્વા અર્પિત કરો. જે બાદ માતા પાર્વતી અને માતા લક્ષ્મીને ફૂલ અર્પણ કરો. માતા લક્ષ્મીને વસ્ત્ર, અત્તર, હળદર પણ અર્પણ કરો. જે બાદ ગણેશ અને લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. વિવાહિત મહિલાઓને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા પણ કરવું જોઈએ. આજના દિવસ પછી લગ્ન માટેના મુહૂર્ત પણ નિકળે છે. એટલે કે લગ્ન સરાની સિઝનની શરૂઆત થઈ જાય છે. એટલે જ આ પાંચમને લાભ પાંચમ કહેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે