ગુજરાતમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થવાની થઈ જાહેરાત
Trending Photos
- પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો
- ઑનલાઈન શિક્ષણની વ્યવસ્થા યથાવત રહેશે તેવુ પણ શિક્ષણ વિભાગે કહ્યું
હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાકાળમાં અટકેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ધીરે ધીરે પાટા પર આવી રહી છે. ધીરે ધીરે હવે શાળાના વર્ગો શરૂ થઈ રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓની હાજર પણ જોવા મળી રહી છે. ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે રાજ્યમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થવાની જાહેરાત કરાઈ છે. શિક્ષણ વિભાગે જાહેરાત કરી કે, 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થશે. આ જાહેરાત વચ્ચે શાળામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. જોકે, ઑનલાઈન શિક્ષણની વ્યવસ્થા યથાવત રહેશે તેવુ પણ શિક્ષણ વિભાગે કહ્યું.
પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવે પ્રાથમિક શિક્ષણના વર્ગો પણ શરૂ થવા જઈ રહ્યાં છે. રાજ્યની શાળાઓમાં 18 ફેબ્રુઆરી, ગુરુવારથી ધોરણ 6 થી 8 ના વર્ગો પુનઃ શરૂ કરાશે. જોકે, શાળાના સંચાલકોએ રાજ્યના શિક્ષણ વિભાગના ૮ જાન્યુઆરી ૨૦૨૧ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ ઘટતા વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો ધોરણ 6 થી 8 ના વર્ગો પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા યથાવત રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા ક્રમશ : વર્ગખંડોનું શિક્ષણ કાર્ય પૂન: શરૂ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 11 જાન્યુઆરીથી ધોરણ 10-12 અને સ્નાતક અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. તો ધોરણ 9 અને 11 ના વર્ગો 1 ફેબ્રુઆરીથી શરૂ કરાયા છે. તારીખ 8 મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ થયા હતા. ત્યારે હવે 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, શાળામાં હવે વિદ્યાર્થીઓની હાજરી દેખાઈ રહી છે. ધોરણ 9 થી 12 ના વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરીમાં ઉત્તરોઉત્તર વધારો થયો છે. 70 ટકા વિદ્યાર્થીઓ વર્ગખંડ શિક્ષણમાં જોડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે