વડોદરા : એક સોલાર પેનલ લગાવવાનો ફાયદો એકસાથે 54 પરિવારને થયો

વડોદરાના કારેલીબાગમાં આવેલા નટરાજ એન્કલેવના ટાવર એકના રહીશોએ સરકારની સબસીડી વગર પોતાના ખર્ચે એપાર્ટમેન્ટમાં 12 કિલોવોટની 6 લાખ રૂપિયાની સોલાર પ્લેટ લગાવી છે. જેને કારણે એપાર્ટમેન્ટનું વીજળી બિલ સાવ સામાન્ય થઈ ગયું છે.

વડોદરા : એક સોલાર પેનલ લગાવવાનો ફાયદો એકસાથે 54 પરિવારને થયો

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં મોઘી વીજળીના કારણે લોકોના ખિસ્સા પર ભારણ વધ્યું છે. લોકોના ખિસ્સા પર ભારણ ઓછું કરવા સરકારે સોલાર રૂફટોપ યોજના બહાર પાડી છે. પરંતુ આ યોજનામાં એપાર્ટમેન્ટ કે ફ્લેટના લોકોને લાભ મળતો નથી. જેને કારણે એપાર્ટમેન્ટના લોકોને મોંઘીદાટ વીજળીનું બિલ ચુકવવુ પડે છે. પરંતુ વડોદરાના કારેલીબાગમાં આવેલા નટરાજ એન્કલેવના ટાવર એકના રહીશોએ સરકારની સબસીડી વગર પોતાના ખર્ચે એપાર્ટમેન્ટમાં 12 કિલોવોટની 6 લાખ રૂપિયાની સોલાર પ્લેટ લગાવી છે. જેને કારણે એપાર્ટમેન્ટનું વીજળી બિલ સાવ સામાન્ય થઈ ગયું છે.

કારેલીબાગ વિસ્તારમાં આવેલ નટરાજ એન્ક્લેવ નામના એપાર્ટમેન્ટમાં 54 પરિવાર રહે છે. આ તમામ પરિવારોએ એપાર્ટમેન્ટ પર સોલાર પેનલ લગાવવાનું નક્કી કર્યું. 54 પરિવાર હોવાને કારણે શરૂઆતમાં સોલાર પેનલ માટે રૂપિયા ભેગા કરવા એપાર્ટમેન્ટના રહીશો માટે મુશ્કેલ બન્યા હતા. બાદમાં તમામ લોકોએ એકધ્યેય રાખી અન્ય જગ્યા પર લગાવેલા સોલાર પેનલને લઈ શું ફાયદો થાય છે તેનો અભ્યાસ કરી છત પર સોલાર પેનલ લગાવી. 

હવે આ રહીશોને ખૂબ મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. સોલાર પેનલ લગાવ્યા પહેલાં એપાર્ટમેન્ટના લોકોનું લાઈટ બિલ 25થી 30 હજાર રૂપિયા આવતું હતું. સોલાર પેનલ બાદમાં આજ બિલમાં જાણે ચમત્કાર થયો હોય. ઉનાળામાં માત્ર 1100 રૂપિયાનું બિલ આવ્યું. જ્યારે કે, ચોમાસામાં 8 થી 10 હજાર આવ્યું. જેનાથી બિલમાં મોટી રાહત મળી. મહત્વની વાત છે કે આ સોલાર પેનલનો ખર્ચ માત્ર ચાર વર્ષમાં જ નીકળી જશે. 

નટરાજ એન્ક્લેવમાં મોટાભાગે સિનીયર સિટીઝન રહે છે. તેમને બીજી એક લિફ્ટ લગાવવી છે. પરંતુ તેનો ખર્ચ 15 લાખ જેટલો થાય એમ છે. જેથી રહીશો સોલાર પેનલ લગાવવાથી જે લાઈટ બિલના રૂપિયા બચે છે. તેની બચત કરી બચતનાં નાણાંમાંથી બીજી લિફ્ટ લગાવશે. આ રહીશોની મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપીલ છે કે, રાજ્ય સરકાર એપાર્ટમેન્ટમાં પણ સોલાર પેનલ લગાવવા સબસીડી આપે તો ચોક્કસથી અનેક લોકોને ફાયદો થશે અને વીજળી પણ બચશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news