જયંતી ભાનુશાલી હત્યાઃ શાર્પ શૂટરના CCTV ફૂટેજ બહાર આવ્યા

જયંતી ભાનુશાલી હત્યાઃ શાર્પ શૂટરના CCTV ફૂટેજ બહાર આવ્યા

જાવેદ સૈયદ/અમદાવાદઃ જયંતી ભાનુશાળીની હત્યા કરનારા શાર્પ શૂટરની તસવીર સૌ પ્રથમ વખત બહાર આવી હતી. આ બંને હત્યારા ભનુશાળીની હત્યા કર્યા બાદ સામખિયાળી સ્ટેશનથી થોડા પહેલા ટ્રેનની ચેઈન પુલ કરીને નીચે ઉતરી ગયા હતા અને રાધનપુર હાઈવે પર થઈને તેમના સાગરિતોની મદદ વડે મહારાષ્ટ્ર ભાગી છૂટ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાનુશાળીની હત્યા કર્યા બાદ શાર્પ શૂટરના સીસીટીવી ફૂટેજ તેમણે કબ્જે કર્યા છે અને તેના આધારે તેઓ તેની તપાસ કરી રહ્યા છે. જોકે, આ શાર્પ શૂટર સામખિયાળીથી કેવી રીતે ભાગી છૂટ્યા હતા તેની પોલીસ પાસે હજુ કોઈ માહિતી નથી. પોલીસ પાસે માત્ર સીસીટીવી ફૂટેજ જ સામે આવ્યા છે. 

પોલીસે શાર્પ શૂટરના નામ પણ ગુરૂવારે જાહેર કર્યા હતા. જે મુજબ પુણેનો શશિકાંત કાંબલે અને અશરફ શેખને છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ જયંતી ભાનુશાળીની હત્યા માટે બોલાવ્યા હતા. આ બંને શાર્પ શૂટરને છબીલ પટેલના ફાર્મ હાઉસમાં ઉતારો અપાયો હતો અને તેમને રેકી કરવામાં મદદ કરવા સ્થાનિક બે વ્યક્તિને જવાબદારી સોંપાઈ હતી. 

સીઆઈડી ક્રાઈમે આ શાર્પ શૂટરને મદદ કરનારા છબીલ પટેલના બે માણસો રાહુલ પટેલ અને નીતિન પટેલને ગુરુવારે પકડી લીધા હતા અને આખી રાત તેમની પુછપરછ કરવામાં આવી હતી. શુક્વારે તેમના રિમાન્ડ લેવા માટે ભચાઉ કોર્ટમાં રજુ કરાયા હતા. કોર્ટમાં બપોર બાદ સુનાવણી હાથ ધરાવાની હતી. 

ઉલ્લેખનીય છે કે, ભાજપના વરિષ્ઠ નેતા જયંતી ભાનુશાળીની હત્યાના મુખ્ય કાવતરાખોર તરીકે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના નામની જાહેરાત કરી હતી. જોકે, આ બંને વ્યક્તિ હજુ સુધી પોલીસની પહોંચથી દૂર છે. છબીલ પટેલ દેશ છોડીને મસ્કત ભાગી ગયા છે, જ્યારે મનીષા ગોસ્વામી ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news