વડોદરામાં સ્કુલવાન ચાલકોની નફ્ફટાઇ, બાળકોના રસ્તે રઝળતા મુક્કી ભાગી ગયા

RTO ચેકિંગના પગલે પોલીસ અને સ્કૂલવાન ચાલકોની ખેંચતાણમાં સ્કૂલના બાળકો ભોગ બન્યા, નાના ભૂલકાં રસ્તા પર રડવા લાગ્યા તો મોટા બાળકોએ તેમને સંભાળ્યા હતા, વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો 

વડોદરામાં સ્કુલવાન ચાલકોની નફ્ફટાઇ, બાળકોના રસ્તે રઝળતા મુક્કી ભાગી ગયા

તૃષાર પટેલ/ વડોદરાઃ દર વર્ષે સ્કૂલ શરૂ થવાની સાથે જ પોલીસ તંત્ર દ્વારા સ્કૂલવાન ચાલકો પર દંડો ઉગામવામાં આવતો હોય છે. અમદાવાદ શહેરમાં સ્કૂલવાનમાંથી બાળકો પડી જવાની ઘટના પછી ફરી વખત રાજ્યભરમાં સ્કૂલવાન ચાલકો સામે પોલીસસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહીનો ભોગ સ્કૂલના વિદ્યાર્થીઓ બની રહ્યા છે. આજે શુક્રવારે વડોદરા શહેરમાં RTO દ્વારા સ્કૂલવાન ચાલકો પર તપાસની કાર્યવાહી ચાલતી હતી ત્યારે સ્કૂલવાનના ચાલકો 200 જેટલા વિદ્યાર્થીઓને અડધા રસ્તામાં ઉતારીને રફુચક્કર થઈ ગયાની ઘટના ઘટી છે. 

ગઈકાલે ગુરૂવારે અમદાવાદમાં સ્કૂલવાન ચાલકો દ્વારા અચાનક જ હડતાળ પાડી દેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અટવાઈ ગયા હતા અને બાળકોને સ્કૂલે મુકવા-લેવા માટે વાલીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા. હવે, શુક્રવારે વડોદરામાં સ્કૂલવાનના ચાલકો વિદ્યાર્થીઓને રસ્તા વચ્ચે જ છોડીને ભાગી જતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. જોકે, આ મામલે શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. 

વડોદરા શહેરમાં આજે RTO દ્વારા ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવી હતી. સ્કૂલવાનના ચાલકો વિદ્યાર્થીઓને ઘરેથી લઈને સ્કૂલ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં RTOની ડ્રાઈવની ખબર પડી હતી. આથી શહેરના સમા-સાવલી રોડ પર કેનાલની પાસે સ્કૂલવાન ચાલકોએ તેમની વાનમાં બેસાડેલા વિદ્યાર્થીઓને ઉતારી દેવાયા હતા. સ્કૂલવાનના ચાલકો વિદ્યાર્થીઓને રસ્તામાં ઉતારીને ભાગી ગયા હતા. 

જૂઓ વીડિયો બાળકો કેવી રીતે રસ્તા વચ્ચે અટવાઈ ગયા હતા....

લગભગ 200થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ સ્કૂલના વાન ચાલકો રફુચક્કર થઈ ગયા હતા. આટલી મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓને ઊભેલા જોઈને અહીંથી પસાર થતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું. લગભગ એક કલાક સુધી આ વિદ્યાર્થીઓ રસ્તા પર જ ઊભા રહ્યા હતા. RTO અને સ્કૂલવાન એસોસિએશનની લડાઈમાં કુમળી વયના બાળકો અટવાઈ ગયા હતા. 

લોકોએ પોલીસને જાણ કરતાં વડોદરા પોલીસ અહીં દોડીને આવી હતી. ત્યાર પછી પોલીસે પોતાની પીસીઆર વાનમાં બાળકોને તેમની સ્કૂલ સુધી પહોંચાડ્યા હતા. કેટલાક વાલીઓને ખબર પડતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને પોતાના બાળકને લઈને સ્કૂલે પહોંચાડ્યા હતા. આ ઘટના અંગે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે તંત્રને કસુરવાર ઠેરવ્યું હતું. 

બાળકોના રસ્તા વચ્ચે ઉતારી દેવાની ઘટનાને શિક્ષણમંત્રીએ વખોડી કાઢી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ સમગ્ર ઘટનાના તપાસ આપ્યા છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપુર્ણ જણાવીને કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાના અને તપાસનો રિપોર્ટ સુપરત કરવાની અધિકારીને સુચના આપી છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news