અહીં ઉનાળુ વેકેશન દરેક બાળક માટે યાદગાર બની રહેશે! સ્કિલ્સમાં આપોઆપ થશે વધારો, કારણ છે મોટું!
નવા કૌશલ્ય શીખે એવા ઉદ્દેશ્યથી નવસારીની સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા સવા મહિનો ચાલનારો વેકેશન વાચનોત્સવ યોજ્યો છે. જેમાં પુસ્તક વાંચન સાથે બાળકો વિવિધ વિષય નિષ્ણાંતો પાસેથી પોતાની સ્કિલ્સમાં વધારો કરશે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: ઉનાળુ વેકેશન દરેક બાળક માટે યાદગાર બની રહે છે. બાળકો વેકેશનમાં સંબંધીઓના ઘરે, હિલ સ્ટેશન પર ફરવા જવાનું પ્લાનિંગ અથવા ઘરે જ સતત ટીવી અને મોબાઈલ બેના સહારે દિવસો પુરા કરે છે. ત્યારે બાળકો વેકેશનમાં મજા સાથે પોતાના જ્ઞાનમાં વધારો કરે, નવા કૌશલ્ય શીખે એવા ઉદ્દેશ્યથી નવસારીની સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા સવા મહિનો ચાલનારો વેકેશન વાચનોત્સવ યોજ્યો છે. જેમાં પુસ્તક વાંચન સાથે બાળકો વિવિધ વિષય નિષ્ણાંતો પાસેથી પોતાની સ્કિલ્સમાં વધારો કરશે.
વેકેશન પડતા જ વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવી જાય છે અને પુસ્તકોને બાજુમાં મુકી દિવસ દરમિયાન એન્જોયના મૂડમાં રહે છે. જોકે હવેનું વેકેશન બાળકો ઇન્ડોર આઉટ ડોર રમતો રમીને નહીં, પણ વધુ પડતાં ટીવી પર કાર્ટૂન અને મોબાઈલ ગેમ્સમાં સમય પસાર કરીને વિતાવે છે. જેથી વાલીઓ માટે મોબાઈલ ટીવી માથાનો દુઃખાવો બન્યા છે. બાળકોને ઈડિયટ બોક્સ એવા ટીવી અને મોબાઈલથી દૂર કરવાના આઈડિયા વાલીઓ શોધે છે. પણ ઘણા આઈડિયા ખર્ચાળ સાબિત થાય છે.
બાળકો વેકેશનનો સદુપયોગ કરી શકે અને ખર્ચાળ વર્કશોપ નિ:શુલ્ક કરી શકે એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે નવસારીની 125 વર્ષ જૂની શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવે એવા પ્રયાસો આરંભ્યા છે. જેમાં ગત 15 વર્ષોથી યોજાતો વેકેશન વાંચનોત્સવ વિદ્યાર્થીઓને મામાના ઘરે જવાને બદલે લાયબ્રેરીમાં આવવા માટે આકર્ષી રહ્યો છે.
ગાયકવાડ રાજમાં શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવતુ હતુ, જેમાં સવા સો વર્ષ જૂની શ્રી સયાજી વૈભવ લાયબ્રેરીને સ્વ. મહાદેવ દેસાઈએ ધબકતી કરી અને વાંચે નવસારી સાથે નવસારીના બાળકોને વાંચતા કરવાની અલખ જગાવી હતી. જેનું પરિણામ લાયબ્રેરી સાથે જોડાઈ હજારો વિદ્યાર્થીઓએ વાંચન પ્રત્યેની રૂચિ કેળવી અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવો વેકેશન વાંચનોત્સવ, 4 જૂન સુધી સવા મહિનો ચાલશે. જેમાં ચાલો વાંચીએ ચાલો લાયબ્રેરીમાં થીમ થકી બાળકોને લાયબ્રેરીમાં વિભિન્ન વિષયોના પુસ્તકો માટે પ્રેરિત કરે છે. જેમાં 5 પુસ્તકો વાંચનાર વિદ્યાર્થીને પુરસ્કાર રૂપે 1 નોટબુક અપાશે.
આ પ્રમાણે 1 વિદ્યાર્થી વધુમાં વધુ જ્ઞાન મેળવી 10 નોટબુક પુરસ્કાર રૂપે મેળવી શકશે. જેની સાથે જ બુદ્ધિ તર્કની રમતો, વાર્તા કથન, કાવ્ય પઠન, સંસ્કાર આપતી ફિલ્મો, વારલી કલા પેન્ટિંગ, ઓરીગામી આર્ટ, વાર્તા લેખન, EQ વિકાસ જેવા વર્કશોપ સાથે કિશોર વયની વિદ્યાર્થીનીઓ માટે મુગ્ધાવસ્થાની સમસ્યા ઉપર સેમીનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેથી વેકેશનમાં બાળક સવારે 10થી સાંજ સુધી લાયબ્રેરીમાં રહી શકે એવું વિશેષ આયોજન પુસ્તકાલય દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે વેકેશન વાંચનોત્સવને લઈ વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે.
નવસારીની સયાજી વૈભવ લાયબ્રેરીના વાંચન માટે બાળકોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો થકી જ વાંચે ગુજરાત અભિયાન શરૂ થયુ હતુ. ત્યારે મોબાઈલ અને ટીવી કરતા પુસ્તકો વધુ અને સારૂ જ્ઞાન આપે છે એવો વિચાર બાળકોમાં સ્ફૂર્વો આ વાંચનોત્સવની સફળતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે