ગીરનાર રોપ-વે બન્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર, 17 મહિનામાં 1 કરોડ લોકોએ ઉડનખટોલાની મજા માણી

જૂનાગઢમાં  રોપ-વેના લીધે  સૌથી વધુ રોજગારી સર્જન કરતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે. તેમજ રોપવે ના કારણે દર વર્ષે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
 

ગીરનાર રોપ-વે બન્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર, 17 મહિનામાં 1 કરોડ લોકોએ ઉડનખટોલાની મજા માણી

ભાવીન ત્રીવેદી, જૂનાગઢઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તા.૨૪/૧૦/૨૦૨૦ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ૨૫ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપ-વે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો અત્યાર સુધીમાં ૧ કરોડ પ્રવાસીઓએ રોપ-વેમાં સફર કરી ગુજરાતના સૌથી ઉંચા શિખર પર બિરાજતા મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

આમ, જૂનાગઢમાં  રોપ-વેના લીધે  સૌથી વધુ રોજગારી સર્જન કરતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે. તેમજ રોપવે ના કારણે દર વર્ષે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

૨.૩૨ કિમી અને રૂા.૧૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગિરનાર રોપ-વે દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ અંગે જૂનાગઢ કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે, ગિરનાર રોપ-વે જે ઉડનખટોલા તરીકે પણ ઓળખાય છે. એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. જે રાજ્યના સૌથી ઉંચા પર્વત ગિરનાર પર તૈયાર થયેલ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રોપ-વે પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી ૧ કરોડ યાત્રિકોએ આ સેવાનો લાભ લીધો છે. રોપ-વે પ્રોજેકટના લીધે સાસણ ગીર, સોમનાથ અને દીવ જેવા પ્રવાસન સ્થળોને સાંકળીને ટુરીઝમ સર્કીટ તૈયાર થઇ છે. આ ઉપરાંત જૂનાગઢ આગવી ઓળખ સમાન ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રેસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને કંન્ઝર્વેશનની કામગીરી પણ પુરજોશમાં થઇ રહી છે. જે આગામી થોડા મહિનામાં જ પૂર્ણ થઇ જશે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
           
એશીયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ
૨.૩૨ કિ.મી.નો એશિયાનો સૌથી મોટો અને આધુનિક પ્રોજેક્ટ છે. રોપ-વે બનાવવામાં નિપૂણ ઉષા બ્રેકો કંપનીએ આ પ્રોજેકટનું નિર્માણ કર્યું છે. ૫૫૦૦ જેટલા પગથીયા ચડીને મા અંબાના દર્શન માટે બે થી ચાર  કલાકનો સમય થતો જે હવે રોપ-વેના માધ્યમથી આઠ મિનીટમાં પહોંચી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news