બસ બે મહિના રાહ જુઓ, પછી અમદાવાદના સાયન્સ સિટીમાં એવુ જોવા મળશે જેને જોવા તમે દોડતા જશો

અમદાવાદમાં આવેલા સાયન્સ સીટી ખાતે અત્યાધુનિક રોબોટિક ગેલેરી તેમજ એશિયાની સૌથી મોટી એક્વેટીક્સ ગેલેરી તૈયાર થઈ રહી છે. આ બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મામલે જાણકારી મેળવવા સીએમ વિજય રૂપાણીએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી.
બસ બે મહિના રાહ જુઓ, પછી અમદાવાદના સાયન્સ સિટીમાં એવુ જોવા મળશે જેને જોવા તમે દોડતા જશો

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં આવેલા સાયન્સ સીટી ખાતે અત્યાધુનિક રોબોટિક ગેલેરી તેમજ એશિયાની સૌથી મોટી એક્વેટીક્સ ગેલેરી તૈયાર થઈ રહી છે. આ બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મામલે જાણકારી મેળવવા સીએમ વિજય રૂપાણીએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી.

સીએમ વિજય રૂપાણીએ સાયન્સ સિટીમાં બની રહેલી એશિયાની સૌથી મોટી એક્વેટીક્સ ગેલેરીનું નિરીક્ષણ કર્યું અને તમામ જાણકારીઓ મેળવી. આ એક્વેટિક્સ ગેલેરીની વાત કરીએ તો અહીં 72 જેટલી ટેન્કમાં વિશ્વના જુદા જુદા દેશોમાં તેમજ દરિયાઓમાં જોવા મળતી 185 જેટલી જુદી જુદી પ્રજાતિઓની માછલીઓ મૂકવામાં આવશે. જુદા જુદા ટેન્કોમાં અંદાજે 11,700 જેટલી માછલી અહીં જોવા મળશે. એક સાથે 1500 લોકો એક્વેટીક્સ ગેલેરીની મુલાકાત લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક્વેટીક્સ ગેલેરીમાં પ્રવેશતાની સાથે જ ઓડિયો-વીડિયોના માધ્યમથી સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. તેમજ અહીં 5D થિયેટર, શિપના શેપમાં કાફેટેરિયા તૈયાર કરાયું છે. આ સિવાય શાર્ક ટનલ, પેગ્વિન એક્વેરિયમ, ખારા અને મીઠા પાણીમાં રહેતી જુદી જુદી માછલીઓ એક જ સ્થળે જોવા મળશે. જો બે કલાકનો સમય હોય તો આ એક્વેટીક્સ ગેલેરીની મુલાકાત બાળકો તેમજ માછલીઓ અંગે જાણવું ગમતું હોય તેવા તમામ લોકો માટે રસપ્રદ સાબિત થશે.

એક્વેટિક્સ ગેલેરીની મુલાકાત બાદ સીએમ વિજય રૂપાણી રોબોટિક ગેલેરી ખાતે પહોંચ્યા. અહીં પ્રવેશતાની સાથે જ સ્વાગત માટે એક રોબોટ તૈયાર હતો, જેણે રોબોટિક ગેલેરી વિશે સીએમને સામાન્ય માહિતી આપી. અહીં જુદા જુદા 130 જેટલા રોબોટ અને તેમની કામગીરી અંગે CM એ માહિતી મેળવી. આ આધુનિક રોબોટિક ગેલેરીમાં ટુર ગાઈડ રોબોટ, ડાન્સિંગ રોબોટ, સ્પોર્ટ્સ રોબોટ, મ્યુઝિકલ ગેલેરી રોબોટ, મિલિટરી રોબોટ, વેઈટર રોબોટ કેવી રીતે કાર્ય કરે છે તેની શું વિશેષતા છે તે અંગેની સમજ સીએમ રૂપાણીને આપવામાં આવી. આ સિવાય સીએમ વિજય રૂપાણીએ ડ્રાઈવરલેસ કાર મજા પણ માણી. સાયન્સ સિટી ખાતે તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ રોબોટ જુદી જુદી રમત રમી શકે છે. કુદરતી હોનારત સમયે તેમજ સૈન્યને મદદરૂપ થઇ શકે તેવા મિલિટરી રોબોટ પણ અહીં બનાવવામાં આવ્યા છે. વેઈટર રોબોટ દ્વારા સીએમ રૂપાણીને નાસ્તો પણ પિરસવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ભરૂચ : વર્દી અને માસ્ક વગર રોફ મારતો પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો

તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ એશિયાની સૌથી મોટી એક્વેટીક્સ ગેલેરી અને આધુનિક રોબોટિક ગેલેરી બનાવવાનું સ્વપ્ન જોયું હતું, જે હવે પૂર્ણતાને આરે છે. અગામી દોઢથી બે મહિનામાં હાલ બાકી રહેલું તમામ કાર્ય પૂર્ણ કરાયા બાદ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ બંને પ્રોજેક્ટ બાળકો તેમજ અન્ય તમામ લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે. સાયન્સ સિટી ખાતે આઇમેક્સ થિયેટર, એક્ઝિબિશન સેન્ટર, એજ્યુકેશન એક્ટિવિટી બાદ નાનાં બાળકો માટે એશિયાની સૌથી મોટી એક્વેટીક્સ ગેલેરી અને આધુનિક રોબોટિક ગેલેરીની મુલાકાત પ્રેરણાદાયી તેમજ ચોક્કસથી યાદગાર બનશે.

એશિયાની સૌથી મોટી એક્વેટીક્સ ગેલેરી અને આધુનિક રોબોટિક ગેલેરીની મુલાકાત બાદ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, અગામી દિવસમાં નવું સ્પેસ અને એસ્ટ્રોનોમી ગેલેરી પણ બની રહી છે, આ સિવાય ટેકસટાઇલ ગેલેરી બનાવવાની પણ તૈયારી ચાલી રહી છે. આ તમામ ગેલેરીઓ ભવિષ્યમાં બાળકો માટે આકર્ષણ બનશે. આ સિવાય રાજ્ય સરકાર સાયન્સ સિટીની જેમ જ ઝોનલ વાઇસ સેન્ટર બનાવવા અંગે પણ કાર્યરત હોવાનું CMએ જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news