અમદાવાદ: વસ્ત્રાપુરમાં રહેતા રહીશોએ પ્રી સ્કૂલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ

અમદાવાદની અનેક સોસાયટીઓ અને બંગ્લોઝમાં પ્રી સ્કૂલ મોટી સંખ્યામાં ખુલલી જોવા મળી રહી છે. એવામાં વસ્ત્રાપુર વિસ્તારમાં ચિત્રકૂટ ટ્વિન્સ બંગ્લોઝના એક બંગ્લામાં સુપર વિંગ્સ સ્કૂલના નામે પ્રી સ્કૂલ ખુલી છે

અમદાવાદ: વસ્ત્રાપુરમાં રહેતા રહીશોએ પ્રી સ્કૂલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ

અતૃલ તિવારી, અમદાવાદ: અમદાવાદની અનેક સોસાયટીઓ અને બંગ્લોઝમાં પ્રી સ્કૂલ મોટી સંખ્યામાં ખુલલી જોવા મળી રહી છે. એવામાં વસ્ત્રાપુર વિસ્તારમાં ચિત્રકૂટ ટ્વિન્સ બંગ્લોઝના એક બંગ્લામાં સુપર વિંગ્સ સ્કૂલના નામે પ્રી સ્કૂલ ખુલી છે. આસપારમાં રહેતા રહીશો છેલ્લા કેટલાક દિવસોથી પ્રી સ્કૂલનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે શાળા ખુલતાની સાથે પણ આસપાસના રહીશો દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઇને સ્કૂલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

પ્રી સ્કૂલનો વ્યવસાય છેલ્લા ઘણા વર્ષોથી ખુબ જ મોટાપાયે વિકાસ પામ્યો છે. મોટી ફી વસુલતી એવી આ પ્રી સ્કૂલ ચલાવવા કોઇ કાયદો નડતો નાં હોવાથી સંચાલકો સારા એવા રૂપિયા આપીને સોસાયટીઓમાં મકાન અથવા બંગ્લાઓ ભાડે રાખીને પ્રી સ્કૂલ ખોલી દેતા હોય છે. આસપાસના રહીશો વિરોધ પણ કરે તો પણ કોઇ ફરક નાં પડતો હોવાથી સંચાલકોને કોઇ ડર રહેતો નથી. સ્કૂલ સંચાલકો આ પ્રી સ્કૂલ શિક્ષણનું ધામ છે એવું કહીને સ્કૂલો ખોલે છે અને રહીશો વિરોધ પણ કરે તો ડરતા પણ નથી.

સુપર વિંગ્સ સ્કૂલના નામે વસ્ત્રાપુરમાં ખોલવામાં આવેલી પ્રી સ્કૂલએ સંચાલકો દ્વારા અમદાવાદમાં ખોલવામાં આવેલી તેમની આ ત્રીજી શાખા છે. ત્યારે તેના ઓપનિંગમાં શહેરના મેયર બિજલબેન પટેલ પણ હાજરી આપવાના હતા. પરંતુ આસપાસના રહીશોનો વિરોધ જોતા નાં આવ્યા હોવાનું કહેવમાં આવી રહ્યું છે. વસ્ત્રાપુરમાં નવી ખુલેલી સુપર વિંગ્સ પ્રી સ્કૂલનો આસપાસમાં રહેતા રહીશોએ વિરોધ કર્યો છે. આ સોસાયટી પાસેના રોડ પરનો ટ્રાફિક પહેલાથી જ એક મોટો પ્રશ્ન છે, હવે આ બંગ્લામાં સ્કૂલ ખુલતા ટ્રાફિક વધશે તે નિશ્ચિત પણ છે.

ચિત્રકૂટ ટ્વિન્સ બંગ્લોઝના રહીશોએ ભૂતકાળમાં નક્કી કર્યું હતું કે, કોઇપણ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિને બંગ્લો ભાડે ના આપવો પરંતુ સારી આવક થાય તે હેતુથી મુંબઇમાં રહેતા બંગ્લાના માલિકે પ્રી સ્કૂલ માટે પોતાનો બંગ્લો ભાડે આપી દીધો. રહીશોએ પોલીસની મદદ લીધી તો પોલીસે મદદ માટે અસમર્થતા દર્શાવી હતી. સાથે જ કોર્પોરેશનમાં પણ રહીશો ફરિયાદ કરી ચુક્યા છે. પરંતુ હાલ તો આસપાસના રહીશો માત્ર વિરોધ કરી રહ્યાં છે. કાયદાની કોઇ મદદ ના મળતા પ્રી સ્કૂલ હવે શરૂ પણ થઇ ગઇ છે.

દેશભરની તમામ શાળાઓ સરકાર હસ્તકના એક કાયદા હેઠળ આવતી હોય છે. પરંતુ પ્રી સ્કૂલને લઇને સરકાર દ્વારા કોઇ કાયદો નથી બનાવાયો. જેના કારણે એક વ્યવસાય તરીકે પ્રી સ્કૂલને ખુબ જ પ્રોત્સાહન મળ્યું છે. પોતાની પાસે જગ્યા ના હોય તો પણ સંચાલકો બંગ્લોઝ ભાડે રાખીને સ્કૂલો ખોલે છે. જો આસપાસના રહીશોને પરેશાની થાય અને તેઓ ફરિયાદ કરે તો કોઇ ખાસ પગલા લઇ શકાતા નથી. હવે સ્થિતિ એવી ઉભી થઇ ગઇ છે કે, સરકારે પણ હેવ પ્રી સ્કૂલ માટે કાયદો બનાવવો જોઇએ. જેથી રહેણાંક વિસ્તારોમાં રહેતા રહીશોને આવી પ્રી સ્કૂલો ખુલતા સમયેનો સામનો ના કરવો પડે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news